રેસ્ટોરન્ટ્સને મોડી રાત સુધી ફૂડ ડિલિવરી ચાલુ રાખવા મંજૂરી
અમદાવાદ: ગુજરાત સરકારે આખરે મોડી રાત સુધી ફૂડ ડિલિવરી ચાલુ રાખવાની મંજૂરી આપતા રેસ્ટોરન્ટ્સને મોટી રાહત મળી છે. સોમવારે સીએમ વિજય રૂપાણી અને ગુજરાત હોટલ્સ એન્ડ રેસ્ટોરન્ટ્સ એસોસિએશન (ૐઇછ)ના પ્રતિનિધિઓ વચ્ચે થયેલી બેઠકમાં મોડી રાત સુધી ફૂડ ડિલિવરી ચાલુ રાખવાની મંજૂરી મળી ગઈ છે. આમ ખાવાના શોખીન ગુજરાતીઓ હવે મોડી રાત સુધી રેસ્ટોરન્ટ્સ અને હોટલ ફૂડના મજા માણી શકશે.
ગુજરાત એચઆરએના પ્રેસિડન્ટ નરેન્દ્ર સોમાનીએ જણાવ્યું કે, લોકડાઉન બાદ બહાર ખાતા લોકોની સંખ્યામાં તીવ્ર ઘટાડો થયો છે, જોકે તાજેતરમાં ફૂટફોલ્સમાં નજીવો સુધારો થયો છે, એ પણ વીકેન્ડમાં. અમે આ મુદ્દે રજુઆત કરીને સરકારને ૧૦ વાગ્યા બાદ પણ ફૂડ ડિલિવરીની મંજૂરી આપવા કહ્યું હતું જેથી કરીને આવક ચાલુ રહે. આ અંગે મુખ્યમંત્રીએ અમને સકારાત્મક પ્રતિસાદ આપ્યો અને જણાવ્યું કે, રેસ્ટોરાં રાત્રે ૧૦ વાગ્યે પછી પણ ધંધો કરી શકશે. રાજ્ય સરકારના સુત્રએ જણાવ્યું હતું કે, ‘એવી કોઈ માર્ગદર્શિકા નથી કે જે રાત્રે ૧૦ વાગ્યા પછી રેસ્ટોરાંઓને ચાલુ રાખવા પર પ્રતિબંધ મૂકી શકે. જો રેસ્ટરન્ટો ઇચ્છતા હોય તો તેઓ મધ્યરાત્રિ પછી ધંધા માટે તેમના પરિસરને ખુલ્લા રાખી શકે છે.’
રાજ્ય સરકાર તરફથી મંજૂરી મળ્યા બાદ હવે આવા રેસ્ટોરાંને ઘણો ફાયદો થશે જેમના બિઝનેસને લોકડાઉનને કારણે ફટકો પડ્યો છે. સિટી રેસ્ટોરન્ટસના પાર્ટનર દિલિપ ઠક્કરે કહ્યું કે, કેટલાક યુવાનો મોડી રાત સુધી ખાવાનો ઓર્ડર આપે છે. મોડા કામ કરનારા કેટલાંક આઇટી પ્રોફેશનલ્સ પણ મોડાથી ઓર્ડર માંગે છે. રેસ્ટોરન્ટસના અંદાજ મુજબ ડાઇન-ઇન્સમાં ઓછામાં ઓછા ૬૦%નો ઘટાડો થયો છે. જોકે હવે ટેકઓવેને મંજૂરી અપાતા વ્યવસાયને બચાવવામાં મદદ મળશે.