Western Times News

Gujarati News

વિકલાંગ યુવકની હત્યા કરી લાશ જમીનમાં દાટી દીધી

અમદાવાદ: શહેરમાં દિવસેને દિવસે ગુનાખોરીનો ગ્રાફ ઉપર જઈ રહ્યો છે. લાૅકડાઉન બાદ હવે ગુનેગારોએ પણ અનલાૅક કર્યું હોય તેવું લાગી રહ્યું છે. શહેરમાં હત્યાનો વધુ એક બનાવ બનવા પામ્યો છે. આ બનાવમાં નિકોલ વિસ્તારમાં રહેતા એક વિકલાંગ યુવાનની હત્યા કરીને તેનો મૃતદેહ જમીનમાં દાટી દેવામાં આવ્યો છે. નિકોલ મનમોહન ચાર રસ્તા પાસે રહેતા રૂપાબેન પટ્ટણીએ પોલીસ ફરિયાદ આપી છે કે ગત મોડી સાંજે તેઓ ઘરે હાજર હતા તે દરમિયાન તેમના પુત્ર મંગાનો મિત્ર કમળ ઉર્ફે કાળુ મારવાડી આવ્યો હતો. કાળુ તેના પુત્રને ચાલ આપણે બહાર જઈને આવીએ એમ કહીને લઇ ગયો હતો.

જોકે, મોડી રાત સુધી મંગો ઘરે ન આવતા અંતે પરિવારજનોએ આસપાસના વિસ્તારમાં શોધખોળ શરૂ કરી હતી. તપાસ દરમિયાન એક મકાનની પાછળ આવેલી શ્યામવેદ રેસિડેન્સીના ખુલ્લા મેદાનમાં મંગાની થ્રીવ્હીલર સાઇકલ ઊંઘી પડેલી હાલતમાં જોવા મળી હતી. જેથી પરીવારના સભ્યો ત્યાં પહોંચ્યા હતા. ઘટનાસ્થળે પુષ્કળ પ્રમાણમાં લોહી પણ જોવા મળ્યું હતું. અહીં કોઈની લાશ જમીનમાં દાટી હોવાની શંકા જતા તેઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ લાશ મંગાની છે. મંગાના માથા તેમજ મોઢાના ભાગે બોથડ પદાર્થ મારી તેની હત્યા કરવામાં આવી છે.

મંગાની હત્યા કયા કારણોસર કરવામાં આવી છે તે અંગે ચોક્કસ કારણ જાણી શકાયું ન હતું. આ મામલે પોલીસે કમલ મારવાડી વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.