મૃત્યુ બાદ અંગો દાન આપવાનો એક વ્યક્તિનો નિર્ણય 8 જીંદગી બચાવી શકે છે: ડો.વિનીત મિશ્રા
વિશ્વ અંગદાન દિવસે કિડની (IKDRC) હોસ્પિટલની આગવી પહેલ: ઑનલાઇન જાગૃતતા ફેલાવીને ડોનર્સને અંગદાન માટે પ્રોત્સાહિત કરવામાં આવશે
અમદાવાદ, વિશ્વ અંગદાન દિવસે ઈન્સ્ટિટ્યુટ ઑફ કિડની ડિસિઝ એન્ડ રિસર્ચ સેન્ટર (આઈકેડીઆરસી)એ કોવિડ-19ની અસરને ડામવા માટે ઑનલાઇન માધ્યમ દ્વારા અંગદાન વિશે જાગૃતતા ફેલાવવા માટેનો નિર્ણય લીધો છે. અંગદાન પ્રતિજ્ઞા અંગદાન જાગૃતતાનો તાર્કિક સંકલ્પ છે, પરંતુ કોવિડ-19ના આ સમયમાં અમે લોકોને સમજાવવા માટે ઑનલાઈન વિકલ્પ સાથે જોડી રહ્યાં છીએ. તેમ જણાવતા આઇકેડીઆરસી-આઈટીએસના નિયમક ડૉ. વિનીત મિશ્રાએ ઉમેર્યું કે કોવિડ-19ના ડરના કારણે અંગદાન ચળવળ વાસ્તવિક રૂપે બંધ થઇ ગઇ છે.
અહેવાલ પ્રમાણે, વાર્ષિક ધોરણે કરવામાં આવતા ટ્રાન્સપ્લાન્ટની સંખ્યા ધીરે ધીરે વધી રહી છે. ભારતમાં પ્રતિ મિલિયન અંગદાનનો દર 0.86 છે, જ્યારે તેની સરખામણીમાં સ્પેનમાં 46.9 અને યુનાઇટેડ સ્ટેટ્સમાં 31.96 પ્રતિ મિલિયન દર જોવા મળે છે.
જો કે, ભારત દુનિયામાં બીજા ક્રમાંકના સૌથી વધુ ટ્રાન્સપ્લાન્ટ કરે છે, પહેલા ક્રમાંકે અમેરિકા છે. જો લોકો અંગદાનના માધ્યમથી નવજીવનની ભેટ આપવાના મહત્વને સમજે તો અમે સરળતાથી 1 મિલિયન પ્રતિ વ્યક્તિના સાધારણ લક્ષ્યની સાથે માંગને પૂરી કરી શકીએ છીએ. તે વાત પર ભાર મૂકતા ડૉ. મિશ્રાએ ઉમેર્યું કે અંગદાન પ્રાપ્તકર્તાઓની પ્રતિક્ષા યાદી મૃત દાતાના અંગદાનમાં વધારો થતા ખતમ થઇ જશે.
આઈકેડીઆરસી સરકારી કર્મચારીઓ, શાળાઓ, કોલેજો, ટ્રાન્સપ્લાન્ટ દર્દીઓના સગાઓ, સમુદાયો અને ધાર્મિક
સંસ્થાઓને અંગદાન પ્રતિજ્ઞાની લિંક મોકલવાની યોજના બનાવી રહી છે. જો કે, એક અંદાજ પ્રમાણે રાજ્યમાં 1.8 લાખ લોકો રેનલ ફેલ્યોરથી પીડાય છે, જ્યારે ભારતમાં બે લાખ લોકો લીવરની ખરાબીના કારણે મૃત્યુ પામે છે. આઈકેડીઆરસીએ છેલ્લા 25 વર્ષમાં આશરે 6500 અંગ પ્રત્યારોપણ પૂર્ણ કર્યા છે. મૃતક દાતા કિડની ટ્રાન્સપ્લાન્ટ માર્ચ 2020 સુધીમાં ઘટીને 19 થઇ ગયા હતા, જે ગત વર્ષે 87 હતા. મૃત દાતા કિડની પ્રત્યારોપણ છેલ્લાં 13 વર્ષમાં માત્ર 943 રહ્યું હતું. વિશ્વ અંગદાન દિવસ દર વર્ષે 13 ઓગષ્ટે યોજવામાં આવે છે. આ દિવસનો હેતુ મૃત્યુ બાદ તેઓના સ્વસ્થ અને મૂલ્ય અંગોના દાન માટે લોકોને પ્રેરણા આપવાનો છે. મૃત્યુ બાદ અંગો દાન આપવાનો એક વ્યક્તિનો નિર્ણય 8 જીંદગી બચાવી શકે છે, કારણે કે બ્રેઈન ડેડ વ્યક્તિમાંથી આઠ અંગોને હાર્વેસ્ટ (લણણી) કરી શકાય છે અને આઠ જુદા જુદા વ્યક્તિઓમાં પ્રત્યારોપણ કરી શકાય છે.