ભરૂચમાં લોકાર્પણ કરાયેલા મીની હાઈમાસ્ટનું સુરસુરીયું
ભોલાવ ગ્રામ પંચાયત અને નગર પાલિકાની હદમાં ઉભા કરાયેલા મીની હાઈમાસ્ટ બંધ થતા સમગ્ર વિસ્તાર અંધારપટમાં ફેરવાયો.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ભરૂચ નગર પાલિકા તથા તાલુકા પંચાયત દ્વારા વિવિધ વિસ્તારો માં મીની હાઈમાસ્ટ ઉભા કરી ૧૫ દિવસ પહેલા તમામ હાઈમાસ્ટ ના લોકાર્પણ કરાયા હતા.પરંતુ આ હાઈમાસ્ટ ૧૫ દિવસ માં જ બંધ થઈ જતા કેટલાય વિસ્તારો અંધારપટ માં ફેરવાયા છે.
ભરૂચ જીલ્લા માં સતત મુશળધાર વરસાદ વરસી રહ્યો છે.છતાં ભરૂચ નગર પાલિકા દ્વારા ભરૂચ ના ૧૧ વોર્ડ માં મીની હાઈમાસ્ટ ઉભા કરી ભરૂચ ને ઝળહળતું કરવા સાથે મીની હાઈમાસ્ટ નું લોકાર્પણ કરાયું હતું.
જે માત્ર ૧૫ દિવસ માં બંધ થઈ જતા કેટલાય વિસ્તારો માં પુનઃ અંધારપટ છવાયું છે.ત્યારે ભરૂચ નગર પાલિકાના વોર્ડ નંબર ૮ માં ભીડભંજન વિસ્તાર માં લગાવેલ મીની હાઈમાસ્ટ બંધ થઈ જતા સમગ્ર વિસ્તાર માં અંધારપટ છવાયો છે.
ત્યારે આ મીની હાઈમાસ્ટ બંધ થવા મુદ્દે ભરૂચ નગર પાલિકા ના પ્રમુખ સુરભીબેન તમાકુવાલા એ જણાવ્યું હતું કે હાઈમાસ્ટ માં કોઈ ક્ષતિ સર્જાઈ હોવાના કારણે લાઈટ બંધ થઈ છે અને વરસાદી માહોલ ના કારણે કોઈ થાંભલા ઉપર ચઢી શકે તેમ નથી તેવું રટણ મીડિયા સમક્ષ કર્યું હતું.
તો ભરૂચ તાલુકા પંચાયત દ્વારા પણ ભોલાવ ગ્રામ પંચાયત ની હદ માં મીની હાઈમાસ્ટ ઉભા કરવામાં આવ્યા છે અને હાઈમાસ્ટ ઉપર ગ્રાન્ટ ૨૦૧૯-૨૦ માંથી મુકવામાં આવ્યા હોવાની તકતી માં વોર્ડ ના સભ્યો નું નામ પણ લખાયેલું છે.ત્યારે આ મીની હાઈમાસ્ટ ના લોકાર્પણ ના ગણતરી ના દિવસો માં બંધ થઈ જતા સમગ્ર વિસ્તાર અંધારપટ માં ફેરવાઈ રહ્યો છે.ત્યારે મોટા ઉપાડે મીની હાઈમાસ્ટ નું લોકાર્પણ કરનારા મહાનુભાવો પોતે કરેલા મીની હાઈમાસ્ટ ના લોકાર્પણ બાદ તે મીની હાઈમાસ્ટ ચાલે છે ખરા?તે માહિતી રાખવાની પણ જવાબદારી રાખવી જોઈએ.