વિશ્વમાં દર ૧૫ સેકંડે કોરોના ૧ વ્યક્તિનો જીવ લઈ રહ્યો છે
Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf
નવીદિલ્હી, વિશ્વમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. કોરોના સંક્રમિતોની સંખ્યા અને કોરોનાથી થનાર મૃત્યુનો આંક પણ વધી રહ્યો છે. વિશ્વમાં કોરોનાથી મૃત્યુ પામનાર લોકોની સંખ્યા ૭ લાખને પાર પહોંચી ગઇ છે. પાછલા બે અઠવાડિયાના આંકડા જોઇએ તો કોરોનાથી દર ૨૪ કલાકમાં સરેરાશ ૫૯૦૦ લોકો જીવ ગુમાવી રહ્યાં છે. આ આંકડો પ્રતિ કલાક ૨૪૭ લોકો અને દર ૧૫ સેકન્ડમાં એક વ્યક્તિ બરાબર છે. ઉલ્લેખનીય છે કે અત્યારે વિશ્વમાં કોરોના સંક્રમિતોનો આંકડો ૧.૮૭ કરોડને પાર પહોંચી ગયો છે.
લેટિન અમેરિકાના દેશોમાં કોરોના ઝડપથી ફેલાઇ રહ્યો છે. અત્યાર સુધીમાં ૫૦ લાખથી વધારે લોકો સંક્રમિત થયા છે તો મૃત્યુઆંક પણ ૨ લાખને વટાવી ગયો છે. લેટિન અમેરિકી દેશ બ્રાઝિલ મહામારીથી સૌથી વધારે પ્રભાવિત છે. લગભગ ૬૪ કરોડની વસ્તીવાળા લેટિન અમેરિકામાં બ્રાઝિલ, વેનેઝુએલા, ચિલી અને આર્જેન્ટિના સહિત ૩૩ દેશ છે. અમેરિકામાં કોરોના વાયરસના કારણે મૃત્યુઆંકમાં પણ વધારો થઇ રહ્યો છે. જોકે નવા કેસોમાં સતત બીજા અઠવાડિયામાં પાંચ ટકા ઘટાડો નોંધાયો છે.
મેક્સિકોમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યા ૪૪૯૯૬૧ થઈ છે અને છેલ્લા ૨૪ કલાકમાં અહીં ૬૧૪૮ નવા કેસ આવ્યા છે. તો જર્મનીમાં કુલ ૭૪૧ નવા કેસ સાથે કુલ આંક ૨૧૨૦૩૩ થયો છે. મૃત્યુઆંક ૯૧૬૮ પહોંચ્યો છે. પાકિસ્તાનની વાત કરીએ તો અહીં અત્યારસુધીમાં ૬ હજાર મોત થયા છે. કુલ સંક્રમિતોની સંખ્યા ૨૮૧૧૩૬ થઈ છે.
ચીનના વુહાનમાં જે દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે તેમાંથી ૯૦ ટકા દર્દીઓને ફેફસામાં સમસ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. સાજા થયેલા દર્દીઓમાંથી ૫ ટકા દર્દીઓને ફરી કોરોના પોઝિટિવ આવ્યો હોવાથી તેમને ક્વાૅરન્ટાઈન કરાયા છે. જે દર્દીઓને અત્યારે ફેફસાની સમસ્યા જોવા મળી રહી છે તેમાંથી મોટાભાગનાની ઉંમર ૫૯ વર્ષની આસપાસની છે.HS