રાજ્યમાં ૧૮૨ તાલુકામાં શ્રાવણમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત
સુરતમાં ૨૦૦૬ પૂર જેવી સ્થિતિ માંગરોળમાં ૭.૫ ઈંચથી વધારે વરસાદ ૨૦ તાલુકામાં ૨થી ૭.૪ ઇંચ સુધી, ૫૪ તાલુકામાં ૧-૨ ઇંચ સુધી વરસાદ
અમદાવાદ, ગુજરાતમાં શ્રાવણ માસમાં સારો વરસાદ પડી રહ્યો છે. ઓગસ્ટ મહિનાના પ્રારંભથી મેઘરાજાની મહેર રહી છે. છેલ્લા બે દિવસથી મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડ્યો છે. શુક્રવારે સવારના ૬ વાગ્યાથી બપોરના ૨ વાગ્યા સુધીમાં રાજ્યના ૧૮૨ તાલુકામાં મધ્યમથી ભારે વરસાદ નોંધાયો છે. જેમાં ૨૦ તાલુકામાં ૨થી ૭.૪ ઇંચ સુધી જ્યારે ૫૪ તાલુકામાં ૧થી ૨ ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે. આજે ૨ વાગ્યા સુધીમાં સૌથી વધુ વરસાદ સુરત જિલ્લામાં નોંધાયો છે. સુરતના માંગરોળમાં ૭.૪ ઇંચ, કામરેજમાં ૪.૬ ઇંચ વરસાદ પડ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ૨૪ કલાકમાં ચોમાસું વધુ આક્રમક બને તેવી શક્યતા છે. જેના કારણે આણંદ, સુરત અને સુરેન્દ્રનગર, ખેડા, નર્મદા, સુરત, ભરૂચ બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડી શકે છે.
દક્ષિણ ગુજરાત અને કચ્છ પાસે સાઈક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાના કારણે રાજ્યમાં ધોધમાર વરસાદનો માહોલ યથાવત્ રહેશે. આગામી ૫ દિવસ ૧૫થી ૧૯ ઓગસ્ટ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. સાઈક્લોનિક સર્ક્યૂલેશનના કારણે ૧૫થી ૧૯ ઓગસ્ટ દરમિયાન નવસારી, સુરત, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, દાહોદ, આણંદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, ડાંગ, નર્મદા, તાપી, ભાવનગર, બોટાદ, ગીર-સોમનાથ, મોરબી, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા, અમદાવાદ, મહેસાણા, અરવલ્લી, બનાસકાંઠા, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પાટણ, સાબરકાંઠા અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.
શુક્રવારે સવારના ૬ વાગ્યાથી બપોરના ૨ વાગ્યા સુધીમાં રાજ્યના ૧૮૨ તાલુકામાં મધ્યમથી ભારે વરસાદ નોંધાયો છે. જેમાં ૨૦ તાલુકામાં ૨થી ૭.૪ ઇંચ સુધી જ્યારે ૫૪ તાલુકામાં ૧થી ૨ ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે. શુક્રવારે ૨ વાગ્યા સુધીમાં સૌથી વધુ વરસાદ સુરત જિલ્લામાં નોંધાયો છે. સુરતના માંગરોળમાં ૭.૪ ઇંચ, કામરેજમાં ૪.૬ ઇંચ વરસાદ પડ્યો છે. ગત ૨૪ કલાકમાં રાજ્યના ૨૪૫ તાલુકામાં મધ્યમથી ધોધમાર વરસાદ પડ્યો છે. જેમાંથી ૨૧ તાલુકામાં ૪ ઇંચથી ૧૨ ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. જ્યારે ૬૫ તાલુકામાં ૨થી ૩.૮ ઇંચ અને ૫૫ તાલુકામાં ૧થી ૨ ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે.
રાજ્યમાં સૌથી વધુ વરસાદ આણંદમાં ૧૨.૫ ઇંચ અને સુરતના ઉમરપાડામાં ૧૨ ઇંચ નોંધાયો છે. ગત ૨૪ કલાકમાં આણંદ અને ખેડા જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. ગત ૨૪ કલાકમાં આણંદ અને ખેડા જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. આણંદ જિલ્લામાં સૌથી વધુ વરસાદ આણંદ તાલુકામાં ૧૨.૫ ઇંચ થયો છે. ઉપરાંત બોરસદ, પેટલાદ, આંકલાવ, ખંભાત, સોજિત્રા, તારાપુરમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ખેડા જિલ્લામાં નડિયાદમાં ૭.૮ ઇંચ વરસાદ પડ્યો છે.
દરમિયાનમાં ગુજરાતના ડાયમંડ સિટીમાં હાલ ખાડી પૂરની સ્થિતિ સર્જાઈ છે. ૨૦૦૬ના પૂર બાદ ફરી સુરતની શેરીઓમાં પૂરના પાણી ઘૂસ્યા છે. ખાડી કિનારાના લિંબાયત, બમરોલી, સરથાણા અને પરવત પાટીયા વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. લોકોના ઘર સુધી ખાડીના પાણી પ્રવેશી જતાં લોકોમાં ખાડી પૂરનો ગભરાટ જોવા મળી રહ્યો છે. શહેરની પાંચ ખાડીઓ પૈકીની ચાર ખાડીઓ ઓવરફ્લો થઈ ગઈ છે. જ્યારે એક ખાડી ઓવરફ્લો થવા આવી છે. સવારે ૬થી ૨ વાગ્યા સુધીમાં સુરત સિટીમાં ૪ ઈંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. આ સાથે જિલ્લાના માંગરોળમાં ૭ ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે હજુ પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. આ સાથે ઉકાઈ ડેમમાંથી પણ પાણી છોડવાની તૈયારી કરાઈ છે. જેને પગલે શહેરમાંથી પાણી તાપી નદી ન જાય તો ભયાનક પરિસ્થિતિ થઈ શકે છે.
જેના પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરત કલેક્ટર અને પાલિકા કમિશનર સાથે વાત કરી વરસાદની સ્થિતિનો તાગ મેળવ્યો છે. આ સાથે તંત્રને એલર્ટ રહેવા સૂચના આપી છે. જ્યારે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને ત્વરિત સુરક્ષિત સ્થાને પહોંચાડવા આદેશ કર્યો છે. ઉકાઈ અને આંબલી ડેમમાં પાણીની આવકમાં વધારો નોંધાતા અસરગ્રસ્ત ગ્રામજનોને સુરક્ષિત જગ્યાએ ખસેડવા સૂચના આપી છે. ઉકાઈ અને આંબલી ડેમમાંથી ધીમે ધીમે પાણી છોડવા સિંચાઈ વિભાગને સૂચના પણ અપાઈ છે. સુરતના લિંબાયત વિસ્તારમાં કોરોના બાદ હવે આકાશમાંથી આફત વરસી રહી છે. જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે લિંબાયતની મીઠી ખાડીના પાણી લોકોના ઘરમાં ઘૂસી ગયા છે. જ્યારે કમરૂનગર વિસ્તારમાં કમર સુધીના પાણી આવી જતાં લોકોએ પરિવાર સાથે જાતે જ સ્થળાંતર શરૂ કરી દીધું છે.
કમરૂનગર બાદ લિંબાયતની અનેક રહેણાંક સોસાયટીમાં પણ ખાડીના પાણી પ્રવેશવાનું શરૂ થતાં લોકોમાં ભારે ગભરાટ ફેલાયો છે. ૨૦૦૬ના પૂર વખતે મીઠી ખાડીની સપાટી ૮.૮૫ હતી. જ્યારે આજે મીઠી ખાડીની સપાટી ૮.૯૦ મીટરે પહોંચી ગઈ છે. જેથી ખાડી પૂરના અસરગ્રસ્તોને ૨૦૦૬ના પૂરની યાદ અપાવી છે.
સુરતમાંથી પસાર થતી પાંચમાંથી ચાર ખાડી ઓવરફ્લો થઈ છે. મીઠી ખાડીની સપાટી વધવાની સાથે લિંબાયતના કમરૂનગરમાં પણ ખાડીના પાણી ઘૂસી ગયા છે. લોકોના ઘર સુધી ખાડીના પાણી પ્રવેશી જતાં લોકોમાં ખાડી પૂરનો ગભરાટ જોવા મળી રહ્યો છે. ખાડી ઓવરફ્લો થતાં લિંબાયતના અનેક રસ્તાઓ પર નદી વહેતી હોય તેમ ધસમસતાં પાણી વહી રહ્યા છે. ખાડી ભયજનક સપાટી વટાવી લોકોના ઘર સુધી પાણી આવી જતા પાલિકા દ્વારા સ્થળાંતરની કામગીરી હાથ ધરવામાં આવી છે. હજી પણ જિલ્લામાં ભારે વરસાદ પડતો હોવાથી ખાડીમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. તેના કારણે સાંજ સુધીમાં લિંબાયત, ડુંભાલ અને મગોબના અનેક વિસ્તારની હાલત કફોડી થઈ જાય તેવી ભીતી વ્યક્ત થઈ રહી છે.
લિંબાયતના કમરૂ નગરમાં હાલ ગળા ડૂબ પાણી રસ્તાઓ પર વહી રહ્યું છે. જ્યારે બમરોલી વિસ્તારમાં પણ ખાડી પૂરના પાણી ફરી વળ્યા છે. આ સાથે સણીયા હેમદ વિસ્તારમાં કમર સુધીના પાણી ભરાયા છે. સણીયા હેમદ વિસ્તારમાં આવેલા મંદિરમાં કેટલાક લોકો ફસાયા હોવાની જાણ થતા ફાયર વિભાગની બોટ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. ખાડી કિનારાના લિંબાયત, બમરોલી, સરથાણા અને પરવત પાટીયા વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. ઉકાઈ ડેમની સપાટી હાલ ૩૩૨.૩૦ ફૂટ પર પહોંચી ગઈ છે. જ્યારે ૧,૩૬,૭૩૨ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેના પગલે તંત્ર દ્વારા પાણી છોડવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. ઉકાઈ ડેમનું રૂલ લેવલ ૩૩૫ છે જ્યારે ૩૪૫ ફૂટ સુધી ઉકાઈ ડેમ ભરી શકાય છે.SSS