વિશ્વામિત્રી નદીની સપાટી ૨૪ ફૂટની નજીક પહોંચી
વડોદરા, વડોદરામાં ભારે વરસાદને કારણે વિશ્વામિત્રી નદીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ વિશ્વામિત્રી નદીની સપાટી ૨૪ ફૂટની નજીક પહોંચી ગઈ છે. જે ભયજનક સપાટીથી માત્ર ૨ ફૂટ જ દૂર છે. બીજી તરફ આજવા ડેમ ઓવરફ્લો થતાં પાણી વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. આજવા ડેમમાંથી પાણીની આવકને પગલે વડોદરા પર મંડરાઈ રહેલા પૂરનું સંકટ યથાવત છે. જો વિશ્વામિત્રી નદી ભયનજક સપાટી વટાવે તો વડોદરામાં ફરી જળતાંડવ થઈ શકે છે. વિશ્વામિત્રી નદીની સપાટીમા વધારો થતા શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસવાની શરૂઆત થઈ ગઈ છે. વિશ્વામિત્રી નદીના કાંઠે આવેલા અનેક વિસ્તારોમાં પૂરના પાણી ઘૂસી ગયા છે.
https://westerntimesnews.in/news/8217
જોકે, તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ વિશ્વામિત્રી નદીની સપાટી રાત્રે ૨૪ ફૂટે પહોંચી ગઈ છે. જણાવી દઈએ કે, વિશ્વમિત્રી નદીની ભયજનક સપાટી ૨૬ ફૂટ છે. તો બીજી તરફ તંત્ર દ્વારા પૂરની સ્થિતિને પહોંચી વળવા માટેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા ૪૮ કલાક ભારેથી અતિભારે વરસાદની આગારી કરવામાં આવી છે. વડોદરામાં પૂરના ભયથી લોકો ચેતી ગયા છે. વઘારે નુકસાન ન થાય તે ઘરનો સામાન પણ સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યો છે. પૂરના સંકટને પગલે પહેલા માળે રહેતા લોકો બીજા માળે શિફ્ટ થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે વિશ્વામિત્રી નદીનું પાણી શહેરમાં ઘૂસતા શહેરીજનોને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. જેના કારણે આ વર્ષે લોકો પહેલાથી સાવધાન થઈને પૂર આવતા પહેલા તૈયારીઓ શરૂ કરી દીધી છે. SSS