વિઝા એક્સ્ટેનશન ઓનલાઇન અરજીમાં છેતરપિંડીનો કિસ્સો
અમદાવાદ:પોર્ટુગલના પાસપોર્ટ પર મુંબઈ અરાઈવલ ઇમિગ્રેશનના ખોટા સ્ટેમ્પ મારી ગુજરાતમાં રહેતા એક વ્યક્તિએ ગજબ યુક્તિ વાપરીને છેતરપીંડી આચરવા જતો જ હતો ત્યાં તે ઝડપાઇ ગયો હોવાનું સામે આવ્યું છે. આ વ્યક્તિના પાસપોર્ટમાં તેનું નામ ફર્નાન્ડિઝ અલડ્રીન અગ્નેલો હતું પણ જ્યારે તેણે પાસપોર્ટ એકસ્ટેન્ડ કરવાની ઓનલાઈન અરજી કરતા તેનો આ ભાંડો ફૂટી ગયો હતો. અને આ વ્યક્તિનું નામ ધાર્મિક પટેલ હોવાનું સામે આવ્યું હતું. ઇમિગ્રેશન ઓફિસરે તપાસ કરતા લંડનથી ઇમરજન્સી સર્ટિફિકેટના ટ્રાવેલ ડોક્યુમેન્ટ પણ મળ્યા હતા. જેથી આ ફ્રોડ હોવાથી અધિકારીએ ગુજરાત યુનિ. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
નવા નરોડામાં રહેતા ચંદ્રમણી ત્રિવેન્દ્ર આંબાવાડી ખાતે એફઆરઆરઓની ઓફિસમાં ઇમિગ્રેશન ઓફિસર તરીકે ફરજ બજાવે છે. વિઝા રજિસ્ટ્રેશન અને એક્સ્ટેનશનની આવતી ઓનલાઈન અરજીઓનું વેરિફિકેશન કરવાની ફરજ તેઓ નિભાવે છે. ગત ૧૦મીના રોજ તેઓને ઓનલાઈન ફર્નાન્ડિઝ અલડ્રીન અગ્નેલો નામના વ્યક્તિની વિઝા એક્સ્ટેનશનની અરજી આવી હતી.
આ અરજદારે પાસપોર્ટનો બાયોપેઝ, ભારતીય ટુરિસ્ટ વિઝાના ડોક્યુમેન્ટ અને મુંબઈ અરાઈવલ ઇમિગ્રેશનના સિક્કા મારેલા હોય તે ડોક્યુમેન્ટ અપલોડ કર્યા હતા. જોકે તેઓને મુંબઈ અરાઈવલ ઇમિગ્રેશનના સ્ટેમ્પ બાબતે શંકા ઉપજી હતી. જેથી મુંબઈ એરપોર્ટ ઓફ ઇમિગ્રેશન વિભાગને જાણ કરી તો આ નામનો વ્યક્તિ ૨૦ જાન્યુઆરી ૨૦૨૦માં આવ્યો જ ન હોવાનું આ ઇમિગ્રેશન ઓફિસરને જાણવા મળ્યું હતું. જેથી ખરાઈ કરવા માટે આ ફર્નાન્ડિઝ અલડ્રીન અગ્નેલોને એફઆરઆરઓ ઓફિસે બોલાવતા તે ૧૪મી ઓગસ્ટના રોજ આવ્યો હતો. તેનો પાસપોર્ટ તપાસતા તેનો પોર્ટુગલના પાસપોર્ટ પર મુંબઈ અરાઈવલ ઇમિગ્રેશનના સ્ટેમ્પ ખોટા હોવાનું જણાયું હતું.