જેઈઈ મેઈન અને નીટની પરીક્ષા સમયસર યોજવા સુપ્રીમનો આદેશ
જેઈઈ મેઈન ૨૦૨૦ની પ્રવેશ પરીક્ષા ૧ સપ્ટેમ્બરથી અને નીટ ૨૦૨૦ની પરીક્ષા ૧૩ સપ્ટે.થી યોજાશે: સુપ્રીમે પરીક્ષા રદ કરવાની અરજી ફગાવી
નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે જેઈઈ મેઈન અને નીટની એક્ઝામ મુલતવી રાખવા અંગેની અરજી ફગાવી દીધી છે. સુપ્રીમે કહ્યું છે કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં થઈ શકે નહીં. જેઈઈ મેઈન ૨૦૨૦ની પ્રવેશ પરીક્ષા ૧ સપ્ટેમ્બરથી અને નીટ ૨૦૨૦ની પરીક્ષા ૧૩ સપ્ટેમ્બરથી યોજાવાની છે. આ અંગેની અરજી ફગાવતા જસ્ટિસ અરુણ મિશ્રાની પીઠે કહ્યું કે શું કોરોનાને કારણે દેશમાં બધું જ રોકી દેવામાં આવશે? વિદ્યાર્થીઓનું એક કિંમતી વર્ષ આમ જ બરબાદ કરી દેવું યોગ્ય ગણાશે? સુપ્રીમ કોર્ટમાં કરાયેલી અરજીમાં કોરોના સંક્રમણના વધતા જતા કેસના કારણે સપ્ટેમ્બરમાં યોજાનારી પ્રવેશ પરીક્ષાઓ રદ્દ કરવાની માગ કરવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન વિદ્યાર્થીઓનો પક્ષ રજૂ કરી રહેલા વકીલે જસ્ટિસ અરુણ મિશ્રાને પૂછ્યું કે જો પરીક્ષા યોજવામાં નહીં આવે તો દેશને નુકશાન નહીં થાય? વિદ્યાર્થીઓના શ૨ક્ષણિક સત્રને નુકશાન પહોંચશે. પરીક્ષા રદ્દ કરવા કરતા યોગ્ય આયોજન તેમજ સાવધાની માટેના જરૂરી તમામ પગલાઓ ભરીને શું પરીક્ષાનું આયોજન ન થઈ શકે? બીજી તરફ એનટીએનો પક્ષ રજૂ કરી રહેલા સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યું કે, પરીક્ષાઓનું આયોજન પૂરતી સાવધાનીની સાથે થવું જોઈએ. ત્યારબાદ અધિવક્તા અલખે કહ્યું કે કોરોનાની રસી ટૂંક જ સમયમાં બજારમાં આવી જશે તેવી પૂર્ણ શક્યતાઓ છે.
વડાપ્રધાન મોદીએ પણ પોતોના ૧૫ ઓગસ્ટના સંબોધનમાં આ અંગે કહ્યું હતું. તેમણે પોતાના ભાષણમાં કહ્યું હતું કે પરીક્ષાઓ અનિશ્ચિત સમય સુધી નહીં પરંતુ થોડા સમય માટે જ સ્થગિત થવી જોઈએ. નોંધનીય છે કે ૧૧ રાજ્યોના વિદ્યાર્થીઓએ દેશમાં વાયુવેગે વધી રહેલા કોરોના વાયરસના કેસોને ધ્યાનમાં રાથીને જેઈઈ મેન અને નીટ યૂજી પરીક્ષાઓ સ્થગિત કરવાની માગ કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં રજૂ કરી હતી. જોકે, પરીક્ષાઓને ટાળવામાં ન આવે તે માટે પણ સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી.
ગુજરાત પેરેન્ટસ એસોસિએશન તરફથી કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે પહેલાથી જ ઘણું શૈક્ષણિક વર્ષ ખરાબ થઈ ચૂક્યું છે તેથી પરીક્ષા સમયસર લેવામાં આવે. સાથોસાથ એવું પણ કહેવામાં આવ્યું હતું કે પરીક્ષામાં વિલંબથી બાળકોના માનસ પર વિપરીત પ્રભાવ પડશે. ૧૧ રાજ્યોના સ્ટુડન્ટ્સે દેશમાં ઝડપથી વધી રહેલા કોવિડ-૧૯ મહામારીના કેસોની સંખ્યાને ધ્યાને લઈ જેઈઈ મેન અને નીટની પરીક્ષઓ સ્થગિત કરવાના અનુરોધની સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.
સુપ્રીમ કોર્ટના આ આદેશ બાદ હવે એનટીએ કોઈપણ સમયે એડમિટ કાર્ડ જાહેર કરી શકે છે, કારણ કે સામાન્ય રીતે પરીક્ષાના ૧૫ દિવસ પહેલા એડમિટ કાર્ડ જાહેર કરી દેવામાં આવતા હોય છે. જોકે જેઈઈ મેઈનની પરીક્ષા ૧ સપ્ટેમ્બરથી છે એટલે એડમિટ કાર્ડ પણ રિલીઝ કરવામાં આવી શકે છે. આ મામલાની સુનાવણી સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ અરૂણ મિશ્રા, ન્યાયાધીશ બીઆર ગવઈ અને ન્યાયાધીશ કૃષ્ણ મુરારીની બેન્ચે કરી. જોકે, કોવિડ-૧૯ના દોરમાં હવે પરીક્ષાઓ લેવાની શરૂ થઈ ગઈ છે. હાલમાં જ ઉત્તર પ્રદેશમાં ખંડ શિક્ષા અધિકારી અને બીએડ સંયુક્ત પ્રવેશ પરીક્ષા યોજવામાં આવી હતી.SSS