મેઘરાજા રાજયમાં છપ્પર ફાડકેઃ અમદાવાદમાં માત્ર છબછબિયા
અમદાવાદને મેઘરાજાની હાથતાળી- એકાદ- બે ઈંચ વરસાદથી શું વળશે !! અમદાવાદની વસ્તીને જાેતા અંદાજે ૩૦ ઈંચ વરસાદ જરૂરી
(પ્રતિનિધિ) અમદાવાદ, રાજયભરમાં મેઘરાજાની ધામધૂમ પધરામણી થઈ છે. ત્રણ સીસ્ટમો સક્રિય થતા જાણે કે જાદુ થયો હોય તેમ “છપ્પર ફાડકે” વરસાદ થઈ રહયો છે. કુદરતની અમીદ્રષ્ટિ થાય ત્યારે ન ધારેલા કામો ચપટી વગાડતા થઈ જાય છે તો વરસાદ પણ તેમાંથી કઈ રીતે બાકાત રહી શકે ?? ઉત્તર ગુજરાત- દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરા, તથા કચ્છમાં અનરાધાર વરસાદથી નદી નાળા છલકાઈ ગયા છે. પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે.
લોકો કુદરતની આ અણમોલ ભેટને ભીંજાઈ- નિહાળીને માણી રહયા છે તો પાણી ભરાઈ જવાથી અનેક લોકો તેને આફત સમજી રહયા છે. એ તો જેવી જેની વિચારવાની રીત પરંતુ રાજયભરમાં સાર્વત્રિક વરસાદ થતા ખેડૂતો ખુશખુશાલ છે. એક વખત પાણી મળે તો કિસાન મહેનતથી નવો પાક ઉગાડી લેશે તે હકીકત છે.
સુરત, આણંદ, વડોદરા અને સુરેન્દ્રનગરમાં મેઘરાજાની તોફાની બેટીંગ જાેવા મળી છે સુરતની સ્થિતિ થોડી ગંભીર બનતા મુખ્યમંત્રીએ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આખા રાજયમાં શ્રીકાર વર્ષા થઈ રહી છે પરંતુ અમદાવાદમાં કોણ જાણે મેઘરાજા છબછબિયા કરીને અદ્રશ્ય થઈ જાય છે એકાદ-બે ઈંચમાં તો રસ્તાઓ પણ પલળતા નથી. અમદાવાદ પર મેઘરાજા મહેરબાન થતા નથી તેથી શહેરમાં સીઝનનો જાેઈએ તેટલો વરસાદ થયો નથી. અમદાવાદીઓએ તો ઝરમર વરસાદથી સંતોષ માનવો પડશે થોડો વધારે વરસાદ પડે તો સારૂ રહે. આવા છબછબિયાથી શું વળશે.
અમદાવાદના નસીબનો પડિયો કાંણો છે કે શું ?? વરસાદ પડતો નથી થોડાક સમય સુધી ઠંડક રહે છે પછી બફારો અસહ્ય થઈ જાય છે બે-ચાર રાઉન્ડ પાંચ- સાત ઈંચ વરસાદ આવી જાય તો શહેરના લોકોની પાણીની જરૂરિયાત સંતોષાઈ જશે. લોકો મન મૂકીને વરસાદનો આનંદ મેળવવા માંગે છે પણ તેના માટે પૂરતો વરસાદ તો પડવો જાેઈએ કે નહિ !! સીઝનનો વરસાદ સમખાવા જેટલો પડયો છે. અમદાવાદની વસ્તીને જાેતા એવરેજ ૩૦ ઈંચની આસપાસ વરસાદ જાેઈએ તેની જગ્યાએ બુંદાબુંદી વરસાદ પડી રહયો છે.