ઘરાકીના અભાવે અમદાવાદના બજારોમાં સેલ્સમેનોની નોકરીઓ ખતરામાં ?
(પ્રતિનિધિ) અમદાવાદ, કોરોનાને કારણે હજુ જાેઈએ તેટલા પ્રમાણમાં કામ ધંધા જામ્યા નથી પરિણામે ધંધાર્થીઓ ખર્ચા પાણી નીકાળવા માટે સ્ટાફમાં કાપકુપ કરી રહયા છે. માર્કેટમાં લોકોની નોકરી જઈ રહી છે અગર તો કામકાજના દિવસો ઘટાડીને અડધા કરી દઈને પગારનું ચુકવણુ પણ તે પ્રમાણે થઈ રહયું છે સૌથી વધારે અસર માર્કેટમાં ‘સેલ્સમેન’ની નોકરીઓ પર થઈ રહી છે. સારો સેલ્સમેન હોય પરંતુ ઘરાક જ ન આવે તો એ સેલ્સમેન શું કામના?? અમદાવાદ શહેરમાં આવેલા જૂના- જાણીતા બજારોમાં કામ કરતા સેલ્સમેનોની નોકરીઓ ખતરામાં આવી ગઈ છે.
જાે નવરાત્રી- દિવાળી પર ઘરાકી નહી નીકળે તો અનેક દુકાનોના શટર પડી જવાની શક્યતાઓ વધી ગઈ છે હાલમાં કાપડ બજાર તથા જૂના- ચંપલ બજારમાં ડીસ્કાઉન્ટ સ્કીમો અમલમાં છે પરંતુ ૧પ-ર૦ ટકાની આસપાસ માંડ ઘરાકી દેખાઈ રહી છે. મોટા મોટા ચંપલ- બૂટોના શો રૂમોમાં જાણે કે કાગડા ઉડતા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયુ છે. આ સમયે તો ઘરાકી એટલી જાેવા મળતી હોય છે કે દુકાનદારોને ભૂતકાળમાં વાત કરવાનો સમય રહેતો ન હતો પરંતુ સમયની બલિહારી તો જુઓ કોરોનાને કારણે દુકાનદારો સાવ ફ્રી થઈ ગયા હોય તેવી સ્થિતિ પ્રવર્તી રહી છે.
દુકાનો- શો રૂમોમાં કામ કરતા સેલ્સમેનો પણ ગ્રાહકો વિના નવરાધૂપ થઈ ગયા છે રતનપોળમાં પ્રવેશે કે સેલ્સમેનોનો કાફલો જાેવા મળતો હોય છે સેલ્સમેનો તમને છેક દુકાન સુધી લઈ જતા જાેવા મળતા હતા પરંતુ ઘરાકી ઠંડી જણાતા સેલ્સમેનો નિષ્ક્રિય થઈ ગયા છે. અહીંયા દુકાનદારો કામ કરતા સ્ટાફને રોટેશનલ બોલાવે છે પરંતુ આવુ ક્યાં સુધી ચાલશે તેમ દુકાનદારો જણાવી રહયા છે.
સોના માર્કેટમાં સ્થિતિ એવી છે કે સોનાના ભાવ ઘટશે નહિ ત્યાં સુધી તો ખરીદનાર ડોકાશે પણ નહિ અરે ! લગ્ન પ્રસંગ માટે સોનાની ખરીદનાર પણ હમણા સોનું લેવાનું ટાળશે. સિવાય કે માલેતુજાર વર્ગ કે જેને ભાવની ઝાઝી અસરનહી વર્તાતી હોય. બાકી મધ્યમ કે ઉચ્ચ મધ્યમવર્ગ તો સોનાથી હમણા દૂર જ રહેશે તેવુ કહેવામાં અતિશયોકતી નથી.