અશોક લવાસાનું ચૂંટણી કમિશનર પદેથી રાજીનામું
નવી દિલ્હી, ચૂંટણી કમિશનર અશોક લવાસાએ કાર્યકાળ પૂરો કર્યા વિના પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. અશોક લવાસા એશિયન વિકાસ બેન્ક(એડીબી)માં ઉપાધ્યક્ષપદ સંભાળશે. તે એડીબીમાં દિવાકર ગુપ્તાનું સ્થાન લેશે. દિવાકર ગુપ્તાનો કાર્યકાળ ૩૧મી ઓગસ્ટે સમાપ્ત થવાનો છે. લવાસાને જાન્યુઆરી ૨૦૧૮માં ચૂંટણી કમિશ્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ચૂંટણી પંચના ઈતિહાસમાં અશોક લવાસા બીજા એવા કમિશનર હશે જેમનો કાર્યકાળ પૂરો કર્યા પહેલા જ રાજીનામુ આપીને જવુ પડી રહ્યુ છે. અશોક લવાસા પહેલાં ૧૯૭૩માં મુખ્ય ચૂંટણી કમિશ્નર નાગેન્દ્ર સિંહે ત્યારે રાજીનામુ આપ્યું હતું. તેમને આંતરરાષ્ટ્રીય ન્યાયિક કોર્ટમાં જજ બનાવવામાં આવ્યા હતા.
લવાસાએ તેમનો કાર્યભાર સાચવ્યો હોત તો એપ્રિલ ૨૦૨૧માં મુખ્ય ચૂંટણી કમિશ્નર બનત અને ૨૦૨૨ ઓક્ટોબર સુધી યુપી, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળ સહિત કેટલાક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી કરાવી હોત. એવું મનાય છે કે લવાસાને લોકસભા ચૂંટણી વખતે મુખ્ય ચૂંટણી કમિશનર સાથે ભાજપની ફેવર કરવાના મામલે અણબનાવ બન્યો હતો અને આ મામલે તેમની વચ્ચે ખાસ્સો વિવાદ પણ થયો હતો.
અશોક લવાસા ઑસ્ટ્રેલિયામાં દક્ષિણી ક્રાૅસ યુનિવર્સિટીથી એમબીએ ભણ્યા છે અને તેમની પાસે મદ્રાસ યુનિવર્સિટીથી રક્ષા અને સામરિક અધ્યયનમાં એમફીલની ડિગ્રી છે. તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી અંગ્રેજીમાં બીએ ઓનર્સ અને અંગ્રેજી સાહિત્યમાં અનુસ્નાતકની ડિગ્રી પૂર્ણ કરી છે. અશોક લવાસા પૂર્વમાં ભારતના કેન્દ્રીય નાણા સચિવ, પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયમાં સચિવ અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સચિવ સહિત કેટલાક વરિષ્ઠ પદ પર કાર્ય કરી ચૂક્યા છે.SSS