ત્રણ મજૂરોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા નાસી ગયા
અમદાવાદ:શહેરમાં કોરોના કાળ દરમિયાન કોવિડ કેર સેન્ટરમાંથી ભાગી જવાના અનેક કિસ્સા બન્યા છે. ખાસ તો સમરસ હોસ્ટેલમાંથી વધુ લોકો ભાગ્યા છે ત્યારે એક કન્સ્ટ્રકશન સાઇટ પર ટિમ કોરોના ટેસ્ટ કરવા ગઈ હતી. ત્યારે ત્રણ લોકો પોઝિટિવ આવ્યા હતા.
આ ત્રણેવ મજૂરોને સમરસ હોસ્ટેલ ખાતે ખસેડવા ૧૦૮ બોલાવાઈ ત્યારે તે પહેલાં જ ત્યાંથી ભાગી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બોડકદેવ વોર્ડના અર્બન હેલ્થ સેન્ટરમાં ડ્યુટી નિભાવતા ડો.ફાલ્ગુનભાઈ વૈદ્યને કોરોનાના કાળ દરમિયાન હોમ ક્વાૅરોન્ટાઇન થયેલા લોકો નિયમો પાળે છે કે કેમ તેની ચકાસણી કરવાની જવાબદારી સોપાઈ છે. તેઓને ઉત્તર પશ્ચિમ ઝોનની એ.એમ.સી તરફથી જવાબદારી સોપાઈ છે.
ગત.૧૫મીએ તેમની ટિમ દ્વારા કેશવબાગ પાર્ટી પ્લોટ પાછળ ચાલતી શાહપુરજી પાલોનજી નામની કન્સ્ટ્રકશન સાઇટ પર મજૂરોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ ટેસ્ટ દરમિયાન ૬૪ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી ત્રણ લોકોને કોરોના પોઝિટિવ આવ્યો હતો. જેથી આ ત્રણેવને સમરસ હોસ્ટેલમાં ઉભું કરાયેલું કોવિડ કેર સેન્ટર ખાતે લઈ જવાના હોવાથી ટિમ દ્વારા ૧૦૮ બોલાવવામાં આવી હતી.
૧૦૮ આવે તે પહેલા જ એક યુવતી અને બે યુવક સહિત ત્રણ લોકો નજર ચૂકવી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જેથી આ અંગે વસ્ત્રાપુર પોલીસને જાણ કરાતા જ પોલીસે ત્રણ લોકો સંક્રમણ ફેલાવી શકે તે ધ્યાનમાં રાખીને તે લોકો સામે આઇપીસી ૨૭૦,૧૮૮ અને મહામારી અધિનિયમ કલમ ૩ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ ૫૧ (બી) મુજબ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.SSS