મામાના પુત્ર દ્વારા સંબંધ માટે દબાણથી યુવતીની આત્મહત્યા
સુરત: શહેરના ઉધના વિસ્તારમાં ગત ૩૧ ડિસેમ્બરના રોજ ધો.૧૨માં અભ્યાસ કરતી ૧૭ વર્ષીય તરુણીએ ઘર નજીક ત્રીજા માળેથી કૂદી આત્મહત્યા કરી હતી. આ મામલામાં મામાનો દીકરો તરુણીને સંબંધ રાખવા દબાણ કરતો હોવાનો અને સહેલીઓને સ્કૂલમાં જઈ ફોટો બતાવતા બદનામીના ડરથી તરુણીએ આપઘાત કરી લીધો હોવાનો ખુલાસો થયો છે.
આ મામલે ઉધના પોલીસે તરુણીના મામાના દીકરા સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે. મૂળ ઉત્તરપ્રદેશના વતની અને સુરતમાં ઉધના વિસ્તારમાં રહેતા પરિવારની સગીરા ધો.૧૨ માં અભ્યાસ કરતી હતી. ૧૭ વર્ષીય તરુણીએ ગત ૩૧ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ પોતાના ઘર નજીક ત્રીજા માળેથી કૂદી આત્મહત્યા કરી હતી. આ અંગે ઉધના પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન, તપાસમાં ખુલાસો થયો હતો કે તરુણી વતન ગઈ હતી ત્યારે તેની આંખ મામાના દીકરા શહરેઆલમ ઉર્ફે સલમાન ગુલામ મુસ્તફા અન્સારી સાથે મળી ગઈ હતી.
સલમાન સુરત આવતો ત્યારે તરુણીના ઘરે જ રોકાતો હતો. તરુણી એક વખત સલમાનને પોતાની સ્કૂલે લઇ ગઈ હતી ત્યારે તેની ઓળખાણ પિતરાઈ તરીકે આપી હતી. જોકે, ત્યાર બાદ સલમાન તરુણીને સંબંધ રાખવા દબાણ કરતો હતો અને એક વખત તરૂણીની સ્કૂલે પહોંચી તેના તરુણી સાથેના ફોટા તેની બહેનપણીઓને બતાવતા બંનેના સંબંધો જાહેર થઈ ગયા હતા. જે બાદ તરુણીએ સ્કૂલ, પોતાના ઘરે અને સમાજમાં બદનામી થશે તેવા ડરે આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે આ મામલે તપાસ શરુ કરી હતી.
તપાસમાં માલુમ પડ્યું હતું કે આપઘાત પાછળ તરુણીના મામના દીકરાની ભૂમિકા છે. આ મામલે પોલીસે તરુણીના પિતાની ફરિયાદના આધારે સલમાન વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરીને વધારે તપાસ શરૂ કરી છે.sss