ર૦ર૦નું વર્ષ જલ્દીથી જાય તો સારૂ: સામાન્ય લોકોનો મત
કોરોનાએ કામધંધાને પનોતી લગાડી: તો ભૂકંપે ડરાવ્યા, વરસાદ કેર વર્તાવી રહ્યો છે. હવે, યુધ્ધ થશે… તો ??
અમદાવાદ: ર૦ર૦નું વર્ષ કેવું જઈ રહ્યું છે ?? આ પ્રશ્ન પૂછશો તો તરત જ મોં બગાડીને કોઈપણ કહેશે ભઈ, આ વર્ષની તો વાત જ ન કરતા. જ્યારથી કોરોના આવ્યો કે બધાની હાલત ખરાબ થઈ થઈ ગઈ છે. કોક આર્થિક પાયમાલ થયું છે. તો વળી કેટલાય લોકો શારીરિક પીડા ભોગવી રહ્યાં છે.
Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf
તો કોરોના કેટલાય લોકોના સ્વજનોને ભરખી ગયો. કામ-ધંધા ઠપ્પ થઈ ગયા. નોકરીઓ જતી રહી. આવકના સ્ત્રોત ઉભા થઈ શકતા નથી. ઉઘરાણીઓ અટકી પડી છે. તહેવારોની રોનક જતી રહી. લગ્ન પ્રસંગો બંધ, જાહેરમાં તહેવારોના મેળા બંધ, મંદિરો બંધ, થિયેટરો બંધ, રાત્રીના ૭-૮ વાગ્યા સુધીમાં કામ-ધંધા બંધ થતા રસ્તાઓ પર સન્નાટો જાેવા મળ્યો, તેવું અગાઉના વર્ષોમાં ક્યારેય જાેવા મળ્યું ન હતું.
લાલ બસોને ટૂંકાવીને બ્રીજ બહાર મૂકવી પડી, રીક્ષામાં માત્ર બે જ પેસેન્જર, જાહેરમાં-ઓફીસોમાં માસ્ક પહેરવા. જેસેનેટાઈઝર મેડીકલ પર્સન ઉપયોગ કરતા તેનો સામાન્ય નાગરિકો વપરાશ કરવા લાગ્યા, બે મહિના લોકડાઉનમાં ઘરે વિતાવવા પડ્યા, પાનના ગલ્લા બંધ, ભર ઉનાળામાં આઇસ્ક્રીમ બંધ, તેની જગ્યાએ કડવા કરાતિયા, લીંબુના પાણી પીવાનો સમય આવ્યો, સોનાના ભાવ આસમાને પહોંચતા ખરીદી મુશ્કેલ થઈ. સૌથી વધારે ખાણી-પીણી બજારો બંધ થયા.
ર૦ર૦ના વર્ષમાં કોરોના આવ્યો તો સાથે સાથે ભૂકંપ આવ્યો. બહાર નીકળો તો કોરોના, ઘરે રહે તો ડરોના. ભૂકંપના આંચકાએ લોકોને ધ્રુજાવ્યો. હવે મૂશળધાર વરસાદે ગુજરાત સહિત દેશમાં કાળોકેર વર્તાવવાનું શરૂ કર્યુ છે. ટૂંકમાં આ વર્ષ કોઈ ભૂલશે નહીં. કોરોનાથી શરૂ થયેલી પનોતી હજુ આગળ વધી રહી હોય તેમ જણાઈ રહ્યું છે.
કામધંધાને લાગેલી પનોતી હટવાનું નામ લેતી નથી. લોકો હજુ પણ બહાર નીકળતા ડરી રહ્યાં છે. ર૦ર૦ના વર્ષથી લોકો તોબા પોકારી ગયા છે. હજી બીજા ચાર મહિના નીકાળવાના બાકી છે. ભગવાન ના કરે, માથે ચીન-પાકિસ્તાન સાથે યુધ્ધ થશે તો એ પણ ર૦ર૦માં થશે ?? ઉપરવાળો બચાવે, દેશના લોકો ર૦ર૦નું વર્ષ જલદીથી જાય તેવું ઈચ્છી રહ્યાં છે. આ વર્ષે ટકી ગયાનો જંગ જીત્યા બરાબર છે તેવું વડીલો કહી રહ્યાં છે.