Western Times News

Gujarati News

ગુજરાતમાં ખરીફ સિઝનનું અંદાજે 95 ટકા વાવેતર પૂર્ણ

નોર્મલ વાવેતર વિસ્તાર સામે ચાલુ વર્ષે ધાન્ય પાકનું 94, કઠોળ પાકનું 88 અને તેલીબીયા પાકનું 113 ટકા વાવેતર
તેલિબીયાંના વાવેતરમાં નોંધપાત્ર વધારો : મગફળીનું 133 ટકા અને તલનું 136 ટકા વાવેતર

ગુજરાત રાજ્યમાં સારા વરસાદના પગલે ખરીફ સિઝનનું લગભગ 95 ટકા વાવેતર પૂરુ થઈ ચૂક્યું છે. ગુજરાતમાં ખરીફ સિઝનમાં છેલ્લા ત્રણ વર્ષનો સરેરાશ વાવેતર વિસ્તાર 84,90,017 હેક્ટર રહ્યો છે, જેની સામે આ વખતે ઓગસ્ટ મહિનાના ત્રીજા અઠવાડિયા સુધીમાં જ 80,64,364 હેક્ટર વિસ્તારમાં વાવેતર થઈ ચૂક્યું છે.

ગુજરાત રાજ્ય ખેતી નિયામકશ્રીની કચેરીમાં પ્રાપ્ત વિગતો મુજબ સમગ્ર રાજ્યમાં 17 ઓગસ્ટ,2020 સુધીમાં નોર્મલ વાવેતરની(છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ) સરખામણીએ ધાન્ય પાકનું 94 ટકા, કઠોળ પાકનું 88 ટકા અને તેલીબીયા પાકનું 113 ટકા વાવેતર થઈ ચૂક્યું છે. જેમાં ડાંગરનું 94 ટકા, બાજરીનું 113 ટકા, જુવારનું 62 ટકા અને મકાઈનું 92 ટકા વાવેતર થયું છે. કઠોળ પાકમાં તુવેરનું 89 ટકા, મગનું 94 ટકા, મઠનું 78 ટકા અને અડદનું 84 ટકા વિસ્તારમાં વાવેતર થયું છે.
રાજ્યમાં તેલીબીયાના વાવેતરમાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઈ છે. નોર્મલ વાવેતર વિસ્તારની સામે મગફળીનું 133 ટકા, તલનું 136 ટકા,દિવેલાનું 61 ટકા અને સોયાબીનનું 121 ટકા વાવેતર થયું છે. આમ, ભારત સરકારની કઠોળ પાકોનું વાવેતર વધારવાનું આયોજન સફળ થઈ રહ્યું છે, એમ જણાય છે.

રાજ્યમાં અન્ય પાકમાં પણ પ્રમાણમાં સારુ વાવેતર થયું છે. નોર્મલ વાવેતર વિસ્તારની સરખામણીએ કપાસનું 85 ટકા, શાકભાજીનું 93 ટકા અને ઘાસચારાનું 91 ટકા વાવેતર થઈ ચૂક્યુ છે. રાજ્યમાં ગુવાર સીડનું વાવેતર પણ અંદાજે 68 ટકાની આસપાસ પહોંચ્યું છે.  આમ, રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પગલે મોટાભાગના વિસ્તારોમાં વાવેતર પૂર્ણતાના આરે પહોંચતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.  – લાલજી ચાવડા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.