10 વર્ષ પહેલાં મૈસૂર ઝૂમાંથી કાંકરીયા પ્રાણી સંગ્રહાલયમાં લવાયેલી વૃદ્ધ વાઘણનું મોત
અમદાવાદ, અમદાવાદના કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં મૈસુરના ઝૂમાંથી 10 વર્ષ પહેલા જ લાવવામાં આવેલી 19 વર્ષની ઉંમર ધરાવતી અનન્યા વાઘણનું વૃદ્ધાવસ્થાના કારણે મોત થયું છે. બે દિવસ પહેલા સવારે 6 વાગે પ્રાણી સંગ્રહાલયના કર્મચારીઓએ અનન્યા વાઘણને બોલાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે વાઘણે અવાજ ન કરતા કર્મચારીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી. તપાસ કરતાં અનન્યા વાઘણ મૃત હાલતમાં મળી આવી હતી. અન્યયા વાઘણ અશક્ત હોવાને કારણે ખોરાક પણ લીધો ન હતો. અનન્યા વાઘણનું મૃત્યુ કયા કારણોસર થયું તેને કોઈ રોગ હતો કે કેમ તે અંગેની જાણકારી મેળવવા માટે આણંદ વેટેનરી કોલેજ ખાતે અનન્યા વાઘણનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. આણંદ વેટરનરી કોલેજના પોસ્ટ મોર્ટમ રિપોર્ટ મુજબ અનન્યા વાઘણનું મૃત્યુ વૃદ્ધાવસ્થાને કારણે થયું હોવાનું સામે આવ્યું છે.
સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીના નિયમો મુજબ વન ખાતાના અધિકારી તથા પંચોની હાજરીમાં મૃત અનન્યા વાઘણના તમામ અવયવો જેવા કે નખ, ચામડી સહિત સંપૂર્ણ શરીરનો અગ્નિસંસ્કાર કરીને તેની રાખને ઊંડા ખાડામાં દફન કરવામાં આવી હતી. 6 વર્ષની ઉંમરે અનન્યા વાઘણને વર્ષ 2008માં મૈસૂરથી અમદાવાદના કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં લાવવામાં આવી હતી. આ વર્ષે ઓગસ્ટમાં તેને 18 વર્ષ પુરા થયા હતા. સામાન્ય રીતે વાઘ અને સિંહનું આયુષ્ય 15 વર્ષ જેટલું હોય છે.