Western Times News

Gujarati News

એપલનું માર્કેટ કેપ ૧૫૦ લાખ કરોડ રૂપિયા થયું

નવી દિલ્હી, દિગ્ગજ ટેક કંપની એપ્પલે બુધવારે એક ઐતિહાસિક સ્થાન મેળવી લીધું છે. બુધવારે કંપનીનું માર્કેટ ૨ ટ્રિલિયન ડોલર એટલે કે અંદાજીત ૧૫૦ લાખ કરોડ રૂપિયા પહોંચી ગયું છે. આ સ્થાન મેળવનારી એપ્પલ અમેરિકાની પ્રથમ કંપની છે. ભારતમાં હાલમાં રિલાયન્સનું માર્કેટ કેપ સૌથી વધુ છે. હવે સવાલ એ છે કે ભારતના સૌથી અમીર અને દુનિયાના છઠ્ઠા સૌથી અમીર બિઝનેસમેન મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ક્યાં સુધી આ સ્થાને પહોંચશે? આવો જાણીએ. મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ માટે માટે એપ્પલ જેવું સ્થાન મેળવવું હજી ઘણું દૂર છે.

એપ્પલના સ્થાન સુધી પહોંચવા માટે મુકેશ અંબાણીને ઘણી મહેનત કરવી પડશે. એપ્પલનું માર્કેટ કેપ ૧૫૦ લાખ કરોડ થઈ ગયું છે જ્યારે મુકેશ અંબાણીની રિલાયન્સનું માર્કેટ કેપ ૧૩-૧૪ લાખ કરોડની આસપાસ છે. હાલમાં એપ્પલનું માર્કેટ કેપ ૧૫૦ લાખ કરોડ છે જ્યારે રિલાયન્સનું માર્કેટ કેપ આજની તારીખમાં ૧૩.૫ લાખ કરોડ રૂપિયા છે. એટલે કે હજી રિલાયન્સનું માર્કેટ કેપ એપ્પલના માર્કેટ કેપ કરતા ૧૦મા ભાગથી પણ ઓછું છે. આમ એવું કહેવું અયોગ્ય નહીં હોય કે જો એપ્પલ ૧ રૂપિયો છે તો તેની સામે રિલાયન્સ ૧૦ પૈસાથી પણ ઓછી છે. જે દેખાડે છે કે હાલમાં એપ્પલને ટક્કર આપવા માટે અંબાણીને ઘણી મહેનત કરવી પડશે.

આ કંપની ૧૨ ડિસેમ્બર ૧૯૮૦ના રોજ પબ્લિક થઈ હતી અને ત્યારબાદ કંપનીનો શેર ૭૬,૦૦૦ ટકા વધી ગયો છે. બે વર્ષ પહેલા કંપનીએ ૧ ટ્રિલિયન ડોલરનો આંકડો પાર કર્યો હતો. એટલે કે કંપનીને ૧ ટ્રિલિયન ડોલર સુધીની સફર ખેડવામાં ૩૮ વર્ષનો સમય લાગી ગયો જ્યારે બાકીના એક ટ્રિલિયનની સફર તેણે ફક્ત ૨ વર્ષમાં જ મેળવી લીધી. હવે વાત કરીએ ઓગસ્ટ ૨૦૧૯ની તો ત્યારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીની માર્કેટ કેપ અંદાજીત ૮.૬ લાખ કરોડ રૂપિયા હતી. હવે ઓગસ્ટ ૨૦૨૦મા કંપનીની માર્કેટ કેપ ૧૩.૫ લાખ કરોડ થઈ ગઈ છે. એટલે કે કંપનીની માર્કેટ કેપ અંદાજીત ૬૦ ટકાના દરથી વધી રહી છે. તેવામાં જો કંપની આ જ ઝડપથી આગળ વધે છે તો ૧૫૦ લાખ કરોડ રૂપિયાનું માર્કેટ કેપ થવા માટે કંપનીને અંદાજીત ૧૦ વર્ષનો સમય લાગી શકે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.