ભારતમાં એક દિવસમાં ૬૯૦૦૦ કેસ: કુલ કેસો ૨૯ લાખની નજીક
નવી દિલ્હી, ભારતમાં એક દિવસમાં કોરોનાના નવા કેસમાં ૬૯,૦૦૦નો વધારો થતાં કુલ કેસ ૨૯ લાખની નજીક પહોંચી ગયા છે. કોરોનાનો રિકવરી રેટ ૭૪.૧૪ ટકા થયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૨૯૦,૮૧ કેસ નોંધાયા હતા જ્યારે ૯૮૩નાં મોત નીપજ્યાં હતાં. આ સાથે કોરોનાના કુલ કેસ ૨૮,૯૮,૮૧૩ થયા છે અને કુલ મૃત્યુઆંક ૫૪૮૯૫ થયો છે. દેશમાં ગુરુવારે એક દિવસમાં કોરોનાના ૬૧,૧૪૧ દર્દી સાજા થયા છે અને હજુ સુધીમાં કુલ ૨૧,૪૯,૩૯૧ દર્દીઓ સાજા થયા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના દાવા પ્રમાણે દેશમાં કોરોનાનો મૃત્યુદર વધુ ઘટીને ૧.૯૦ ટકા થયો છે. દેશમાં હાલ કોરોના વાઈરસના એક્ટિવ કેસ ૬,૮૬,૩૯૫ છે, જે કુલ કેસના ૨૪.૨૦ ટકા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)ના અહેવાલ મુજબ દેશમાં અત્યાર સુધીમાં કોરોનાની તપાસ માટે કુલ ૩.૨૬ કરોડ લોકોના ટેસ્ટ કરાયા છે અને બુધવારે એક જ દિવસમાં ૯.૧૮ લાખ ટેસ્ટ લેવામાં આવ્યા હતા. દેશમાં કોરોનાની તપાસ માટેના ટેસ્ટની સંખ્યા સતત વધી રહી છે છતાં પોઝિટિવિટી રેટમાં ઘટાડો આવી રહ્યો છે. દેશમાં શરૂઆતમાં કેટલાક રાજ્યોમાં કોરોનાના ટેસ્ટમાં વધારાની સાથે પોઝિટિવિટી રેટ વધ્યો હતો, પરંતુ આઈસોલેશન, અસરકારક ટ્રેકિંગ અને સમયસર ક્લિનિકલ મેનેજમેન્ટને પગલે પોઝિટિવિટી રેટમાં ઘટાડો આવી રહ્યો છે.
ભારતમાં સૌપ્રથમ વખત બુધવારે એક જ દિવસમાં કોરોનાના ૯ લાખથી વધુ ટેસ્ટ થયા હતા. હવે સરકારનો આશય દૈનિક ૧૦ લાખ ટેસ્ટ સુધી પહોંચવાનો છે. દેશમાં કોરોનાના નિદાન માટે લેબોરેટરીનું નેટવર્ક વિસ્તારવાની સાથે સરળ ટેસ્ટિંગ માટે અસરકારક પગલાં લેવાથી ટેસ્ટિંગમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે. દેશમાં લેબોરેટરીના રાષ્ટ્રીય નેટવર્કમાં સ્થિરતાથી વધારો થઈ રહ્યો છે. દેશમાં હાલ ૯૭૭ સરકારી લેબ અને ૫૧૭ ખાનગી લેબ સાથે ૧,૪૯૪ લેબનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે.SSS