રશિયા કોરોના વેક્સિનનું માસ ટેસ્ટિંગ આવતા સપ્તાહથી કરશે
મોસ્કો, રશિયાએ કોરોના વાયરસની રસીનું રજિસ્ટ્રેશન કરી લીધા પછી હવે આ મહિનાથી તેનું માસ ટેસ્ટિંગ કરવાનો ર્નિણય લેવાયો છે. રશિયામાં પ્રથમ તબક્કામાં ૪૦ હજારથી વધુ લોકોને વેક્સિન આપવામાં આવશે. ટ્રાયલની આ પ્રોસેસ આગામી અઠવાડિયાથી શરૂ થશે. તેમાં વિદેશી રિસર્ચ એજન્સીઓને સામેલ કરવામા આવશે. રશિયાએ ટ્રાયલ માટે વેક્સિનના ૨ હજાર ડોઝ મેક્સિકો મોકલવાનો ર્નિણય કર્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને પણ આ વેક્સિનની માહિતી મોકલી છે. રશિયાએ ૧૧મી ઓગસ્ટે વેક્સિન સ્પુતનિક વી તૈયાર કરી હોવાની જાહેરાત કરી હતી.
દરમિયાન, વિશ્વમાં કોરોના સંક્રમણના અત્યાર સુધી ૨ કરોડ ૨૭ લાખ ૨૦ હજાર ૨૯૪ કેસ નોંધાયા છે. તેમાંથી ૧ કરોડ ૫૪ લાખ ૬ હજાર ૫૦૪ દર્દી સ્વસ્થ થઇ ગયા છે. ૭ લાખ ૯૩ હજાર ૭૦૮ લોકોના મોત થયા છે. ચાર લેટિન અમેરિકન દેશ (મેક્સિકો, બ્રાઝીલ, પેરૂ અને આર્જેન્ટિના)માં મોતનો આંકડો બે લાખને પાર થઇ ગયો છે. આ ચાર દેશોમાં ૩૫ લાખ કેસ સાથે બ્રાઝીલ ટોપ પર છે. ૫ લાખથી વધુ સંક્રમિતો સાથે મેક્સિકો બીજા નંબરે છે. તે સાથે પેરૂ અને આર્જેન્ટિનામાં પણ કેસ વધ્યા છે. મેક્સિકોમાં છેલ્લા ૨૪ કલાકમાં ૬૭૭૫ નવા કેસ નોંધાયા છે. સાથે અહીં સંક્રમિતોનો આંકડો ૫ લાખ ૪૩ હજાર ૮૦૬ થઇ ગયો છે. જોકે સરકારે કહ્યું છે કે સંક્રમિતોની સંખ્યા જાહેર થયેલા આંકડાથી વધુ હોઇ શકે છે. દેશના સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર અહીં એક દિવસમાં ૬૨૫ મોત સાથે મોતનો આંકડો ૫૯ હજાર ૧૦૬ થઇ ગયો છે. મોતના મામલે મેક્સિકો અત્યારે વિશ્વમાં ત્રીજા નંબરે છે. બ્રિટન સરકારે ગુરૂવારે દેશના બીજા સૌથી મોટા શહેર બર્મિંઘમમાં લોકડાઉન લગાવવાની જાહેરાત કરી હતી. અહીં સંક્રમણ વધી રહ્યું હતું.SSS