સરકારે ૪૪ વંદે ભારત ટ્રેન માટેનું ટેન્ડર રદ કરી દીધું
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે ૪૪ વંદે ભારત ટ્રેનનું ટેન્ડર રદ કરી નાખ્યું છે. રેલવે મંત્રાલયે શુક્રવારે મોડી રાત્રે આ અંગેની જાણકારી આપી હતી. મંત્રાલયે કહ્યુ કે એક અઠવાડિયાની અંદર નવું ટેન્ડર જાહેર કરવામાં આવશે. રેલવેના આ પ્રોજેક્ટમાં ‘મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમને પ્રાથમિકતા આપવામાં આવશે. સરકારે આ ટેન્ડર રદ કરતી દેતા ચીનને મોટો ઝટકો લાગ્યો છે. હકીકતમાં ચીની કંપનીના જોઇન્ટ વેન્ચર સીઆરઆરસી પાયોનિયર ઇલેક્ટ્રિકટ (ભારત) પ્રાઇવેટ લિમિટેડ એક માત્ર વિદેશ કંપની હતી જેને આ ટેન્ડર મળ્યું હતું.
આ ઉપરાંત અન્ય પાંચ કંપનીઓને પણ આ સેમી હાઇ સ્પીડ ટ્રેનના ૪૪ સેટ્સ તૈયાર કરવાનું ટેન્ડર મળ્યું હતું. રેલવે મંત્રાલયે શુક્રવારે રાત્રે ટ્વીટ કરીને લખ્યું કે, ૪૪ સેમી હાઇસ્પીડ ટ્રેન સેટ્સ (વંદે ભારત)નું ટેન્ડર રદ કરી દેવામાં આવ્યું છે. એક અઠવાડિયાની અંદર ફ્રેશ ટેન્ડર બહાર પાડવામાં આવશે. આ ટેન્ડર રિવાઇઝ્ડ પબ્લિક પ્રોક્યોરમેન્ટ આદેશ પ્રમાણે હશે.
આ અંતર્ગત મેક ઇન ઇન્ડિયા પ્રોગ્રામને પ્રાથમિકતા આપવામાં આવશે. ચીનની જોઈન્ટ વેન્ચર ચીનની આરઆરસી યાૅન્ગજી ઇલેક્ટ્રિક કંપની લિમિટેડ અને ગુરુગ્રામની કંપની પાયનીયર ફિલ-મેડ પ્રાઇવેટ લિમિટેડ છે. બંને કંપનીએ વર્ષ ૨૦૧૫માં ભાગીદારી કરી હતી. ન્યૂઝ એજન્સી પીટીઆઈએ સૂત્રોના હવાલેથી જણાવ્યું કે ચીની જોઇન્ટ વેન્ચર સામે આવ્યા બાદ રેલવે એવો પ્રયાસ કરી રહી છે કે કોઈ ભારતીય કંપનીને આ ટેન્ડર મળે. જે બાદમાં આ માટે ગત ૧૦ જુલાઈના રોજ ઇન્ડિયન રેલવેએ ચેન્નાઇ સ્થિત ઇન્ટીગ્રલ કોચ ફેક્ટરી માટે ટેન્ડર બહાર પાડ્યું હતું.
ઉપરના જોઇન્ટ વેન્ચર ઉપરાંત જે પાંચ કંપનીઓએ રસ દેખાડ્યો છે તેમાં ભારત સરકારની ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ, ભારત ઇન્ડસ્ટ્રીઝ, ઇલેક્ટ્રોવેવ્સ ઇલેક્ટ્રાૅનિક્સ પ્રાઇવેટ લિમિટેડ, મેઘા સર્વો ડ્રાઇવ્સ પ્રાઇવેટ લિમિટેડ, પાવરનેટિક્સ ઇક્વિપમેન્ટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ સામેલ છે. રેલવે મંત્રાલય તરફથી આ અંગેની જાણકારી આપવામાં આવી છે. આ પહેલા ચીનની કંપનીઓ તરફથી ટ્રેનના ટેન્ડરમાં ભાગ લેવા અંગે રેલવે બોર્ડના ચેરમેન વિનોદ કુમાર યાદવે કહ્યુ હતુ કે, જ્યાં સુધી ચીનની કંપનીઓ તરફથી આ ટેન્ડરમાં ભાગ લેવાની વાત છે ત્યાં સુધી મેક ઇન ઇન્ડિયા અંતર્ગત અમુક માર્ગદર્શિકા છે.