Western Times News

Gujarati News

ટ્રેનની ટિકિટ ન મળતાં ફ્લાઈટ દ્વારા કારીગર સુરત આવ્યા

Files Photo

સુરત: લોકડાઉનના કારણે ફેક્ટરીઓ બંધ થઈ જતાં પ્રવાસી મજૂરોને પોતાના વતન જવાની ફરજ પડી હતી. હવે લોકડાઉન ખૂલી ગયું છે અને કામ-ધંધા પણ શરૂ થઈ ગયા છે ત્યારે ૨૪ કલાક ધમધમતી ફેક્ટરીઓ કારીગરો વગર સૂમસામ ભાસી રહી છે. કોરોના મહામારીની સ્થિતિમાં વતન ગયેલા મજૂરો હાલ પાછા આવવા માગતા નથી. ત્યારે સચિન જીઆઈડીસીમાં પાવરલૂમ યુનિટ ધરાવતા મનસુખ લાખાણીએ પોતાને ત્યાં કામ કરતાં કારીગરોને ફ્લાઈટ દ્વારા પરત બોલાવ્યા છે. ઉત્તરપ્રદેશના ચંદૌલી જિલ્લાનો રહેવાસી અને મનસુખ લાખાણીના યુનિટમાં કામ કરતાં ૨૨ વર્ષીય શિવરાતી કુમારે સપનામાં પણ ફ્લાઈટમાં બેસવાનું વિચાર્યું નહોતું.

તેથી જ્યારે તે વારાણસીથી સુરત વાયા દિલ્હી પહોંચ્યો ત્યારે તેને વિશ્વાસ નહોતો આવી રહ્યો કે તે સાચેમાં ફ્લાઈટમાં બેઠો છે કે પછી કોઈ સુંદર સપનું જોઈ રહ્યો છે. શિવરાતી અને તેનો ભાઈ બુધવારે રાત્રે ઈન્ડિગોની ફ્લાઈટથી સુરત આવી પહોંચ્યા હતા. બંને ભાઈઓ મિત્રની બાઈક પર બેસીને ચંદૌલીથી વારાણસી એરપોર્ટ પહોંચ્યા હતા. તેમને એરપોર્ટ પહોંચવામાં ૨ કલાકનો સમય લાગ્યો હતો. શિવરાતી અને તેનો નાનો ભાઈ પહેલીવાર ફ્લાઈટમાં બેઠા હોવાથી ખૂબ રોમાંચિત હતા. શિવરાતીના ભાઈ અશોકે અનુભવ શેર કરતાં કહ્યું હતું કે, ‘અનુભવ અદ્દભુત રહ્યો. મારા જીવનનું સપનું પૂરુ થયું. જો અમારા માલિકે અમને ફ્લાઈટની ટિકિટ ન આપી હોત તો અમારે સુરત આવવાની વધારે રાહ જોવી પડી હોત’.

અશોક મનસુખ લાખાણીના પાવરલૂમ યુનિટમાં મશીન ઓપરેટ કરે છે. કુમાર ભાઈઓએ મે મહિનામાં શ્રમિક સ્પેશિયલ ટ્રેનથી સુરત છોડ્યુ હતું. ‘આટલા મહિના સુધી અમે કામ વગર કેવી રીતે કાઢ્યા તે અલગ જ વાત છે. અમારા માતા-પિતા ખેતરમાં મજૂરીકામ કરે છે. અમે ગુરુવારથી કામ શરુ કરી દીધું છે. અમારા માલિકે અમને યુનિટમાં જ રહેવાની વ્યવસ્થા કરી આપી છે. તેઓ અમારા ખાવા-પીવાથી લઈને દરેક બાબતોનું ધ્યાન રાખી રહ્યા છે’, તેમ તેણે ઉમેર્યું હતું. શિવરાતિએ પણ હસતા-હસતા કહ્યું કે, તેઓ ભાગ્યશાળી છે કારણ કે ચંદૌલીમાં ઘણા એવા કારીગરો છે જેઓ એક મહિના કરતા વધુ સમયથી ટ્રેનોમાં લાંબી વેઈટિંગ લિસ્ટના કારણે રાહ જોઈ રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.