અર્જુન એવોર્ડ મેળવવા શું કરુ? : નારાજ સાક્ષી મલિક
નવી દિલ્હી: પહેલવાન સાક્ષી મલિકનું નામ અર્જુન એવોર્ડના લિસ્ટમાંથી હટાવી દેવાયું છે. આનાથી ઓલિમ્પિક મેડલ વિજેતા રેસલર ખૂબ દુઃખી છે અને તેણે ટ્વીટ કરીને પીએમ નરેન્દ્ર મોદી અને ખેલ મંત્રી કિરણ રિજિજૂ સામે નારાજગી વ્યક્ત કરી છે. જણાવી દઈએ કે, ખેલ મંત્રાલયે સાક્ષી અને મીરાબાઈ ચાનૂને અર્જુન એવોર્ડ ન આપવાનો ર્નિણય લીધો છે. આ બંનેને પહેલા જ દેશનો સર્વોચ્ચ સ્પોર્ટ્સ એવોર્ડ ખેલ રત્ન મળી ચૂક્યો છે.
સાક્ષીએ ૨૦૧૬માં રિયોમાં બ્રોન્ઝ મેડલ જીતવા અને મીરાબાઈને ૨૦૧૮માં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન માટે ખેલ રત્ન આપવામાં આવ્યો હતો. તેણે ટ્વીટર પર નારાજગી વ્યક્ત કરતા લખ્યું – માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી અને માનનીય ખેલ મંત્રી કિરણ રિજિજૂ જી, મને ખેલ ખેલ રત્નથી સન્માનિત કરાઈ છે. મને એ વાતનો ગર્વ છે. દરે ખેલાડીનું સપનું હોય છે કે તે તમામ એવોર્ડ પોતાના નામે કરે. ખેલાડી આના માટે પોતાના જાનની બાજી લગાવે છે.
તેણે આગળ લખ્યું મારું પણ સપનું છે કે, મારા નામની આગળ અર્જુન પુરસ્કાર વિજેતા લાગે. હું એવો બીજો કયો મેડલ દેશ માટે લાવું કે, મને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવે કે પછી આ એવોર્ડ જીતવાનું સૌભાગ્ય મળશે જ નહીં? આ વખતે ક્રિકેટર રોહિત શર્મા, પહેલવાન વિનેશ ફોગાટ, ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રા, મહિલા હાૅકી ટીમની કેપ્ટન રાની રામપાલ અને પેરા એથલિટ મરિયપ્પન થંગવેલુને રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ આપવામાં આવશે. આ ૫ ઉપરાંત ૨૯ નામોનું લિસ્ટ અર્જુન એવોર્ડ માટે મોકલાયું હતું, જેમાંથી બે નામ બહાર થઈ ગયા છે.