યુવકે લાલચમાં આવીને એક લાખ રૂપિયા ગુમાવ્યા
અમદાવાદ: શહેરમાં લોકોને છેતરીને રૂપિયા પડાવવાનાં અનેક કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ક્રેડિટ કાર્ડ સ્વાઈપ કરવાના ૩૦ મિનિટમાં પૈસા ટ્રાન્સફર થઈ જશે તેવી ક્રેડિટ કાર્ડ ટુ બેન્ક ટ્રાન્સફર નામથી જાહેરાત આવે તો લોકોએ ચેતવું જોઇએ. કેમકે આ જાહેરાત થકી ઠગ ટોળકી જરૂરિયાતમંદને છેતરી રહી છે. વાડજમાં રહેતા એક વ્યક્તિ પણ આ લાલચમાં આવ્યા અને તેમને એક લાખ ગુમાવવાનો વારો આવ્યો છે. જોકે, પોલીસે આ મામલે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
જુના વાડજ ખાતે રહેતા પિયુશકુમાર પરમાર સીજી રોડ ખાતે એક કંપનીમાં માર્કેટિંગનું કામ કરે છે. જૂન માસમાં ફેસબુક (Facebook) પર માર્કેટ પ્લેસમાં જાહેરાત વાંચી હતી કે, ક્રેડિટ કાર્ડ ટુ બેન્ક ટ્રાન્સફર ૧% ઇન્સ્ટન્ટ પેમેન્ટ. પૈસાની તંગી હોવાથી આ જાહેરાતમાં લખેલા નંબર પર તેમણે ફોન કર્યો હતો.
ફોન પર જીગ્નેશ ઠક્કર નામના વ્યક્તિએ વાત કરી હતી અને ભરોસો આપ્યો કે ક્રેડિટ કાર્ડ સ્વાઈપ કરવાના ૩૦ મિનિટમાં પૈસા ટ્રાન્સફર થઈ જશે. ભરોસો બેસતા જ પિયુષ કુમારે આધાર કાર્ડ અને ક્રેડિટ કાર્ડની વિગતો આ વ્યક્તિને આપી હતી. બાદમાં ઓટીપી આવતા તે પણ આપ્યો હતો. અને બાદમાં આ વ્યક્તિએ એક લાખ સ્વાઈપ કર્યા હતા. ફોન પર વાત કરનારે ૩૦ મિનિટમાં નાણાં આવી જશે તેમ કહ્યું હતું.
પણ પૈસા ન આવતા પિયુષ કુમારે વારંવાર ફોન કર્યા પણ ઠગ જીગ્નેશ ઠક્કરે નાણા ન જ આપ્યા. જેથી એક લાખ ટ્રાન્સફર કરી ૯૯ હજાર ખાતામાં ન આપતા આખરે પિયુશકુમારે આ અંગે સાયબર ક્રાઇમ સેલનો સંપર્ક સાધી આખરે વાડજ પોલીસને ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે.