એક વર્ષમાં બેંકો સાથે ૧૮.૫ લાખ કરોડની છેતરપિંડી
નવી દિલ્હી: નાણાંકિય વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન શેડ્યૂલ્ડ કૉમર્શિયલ બેન્ક્સ અને સિલેક્ટેડ ફાયનાન્શિયલ ઈન્સ્ટીટ્યૂટ્સ સાથે છેતરપિંડીના આશરે ૮૪,૫૪૫ કેસ સામે આવ્યા છે અને આશરે ૧.૮૫ લાખ કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ. રિઝર્વ બેંકે એક આરટીઆઈના જવાબમાં આ જાણકારી આપી છે. નાગપુરના આરટીઆઈ કાર્યકર્તા અભય કોલારકરે કહ્યું કે, જૂનમાં કેન્દ્રીય બેંક પાસેથી આની જાણકારી માગી હતી અને થોડા દિવસ પહેલા તેમને આનો જવાબ મળી ગયો છે.
કોલારકરે આરટીઆઈમાં રિઝર્વ બેંકને પૂછ્યું હતું કે ૧ એપ્રિલ ૨૦૧૯થી ૩૧ માર્ચ ૨૦૨૦ની વચ્ચે બેંકોમાં ફ્રૉડના કેટલા કેસ સામે આવ્યા અને આમાં બેંકો તથા ફાયનાન્શિયલ ઈન્સ્ટિટ્યૂટ્સને કેટલો ચૂનો લાગ્યો. આરબીઆઈએ જણાવ્યું કે, આ દરમિયાન શેડ્યૂલ્ડ કૉમર્શિયલ બેંક અને ફાયનાન્શિયલ ઈન્સ્ટિટ્યૂટ્સ સાથે ફ્રૉડના આશરે ૮૪,૫૪૫ કેસ સામે આવ્યા અને ૧,૮૫,૭૭૨.૪૨ કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ. આરટીઆઈમાં એ પણ પૂછવામાં આવ્યું હતું કે, આ કેસોમાં કેટલા બેંક કર્મચારી સામેલ હતા. આના જવાબમાં રિઝર્વ બેંકે કહ્યું કે, આ અંગે જાણકારી ઉપલબ્ધ નથી.
આરબીઆઈએ કહ્યું કે, શેડ્યૂલ્ડ કૉમર્શિયલ બેંક્સ અને સિલેક્ટેડ ફાયનાન્શિયલ ઈન્સ્ટિટ્યૂટ્સથી મળેલી માહિતી અનુસાર, આ દરમિયાન કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલા ફ્રૉડના કુલ ૨૬૮૮ કેસ સામે આવ્યા અને તેમાં ૧૭૮૩.૨૨ કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી. આરટીઆઈમાં એમ પણ પૂછવામાં આવ્યું કે, નાણાંકિય વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન આરબીઆઈના ઓમ્બડ્સમેન ઑફિસિસને ગ્રાહકોની કેટલી ફરિયાદો મળી.
આના પર કેન્દ્રીય બેંકે કહ્યું કે, ૧ જુલાઈ ૨૦૧૯થી માર્ચ ૨૦૨૦ની વચ્ચે આશરે ૨૧૪૪૮૦ ફરિયાદો મળી. સૌથી વધુ ૬૩૨૫૯ ફરિયાદો એસબીઆઈને મળી. એચડીએફસી બેંકને ૧૮૭૬૪, આઈસીઆઈસીઆઈ બેંકને ૧૪૫૮૨, પંજાબ નેશનલ બેંકને ૧૨૪૬૯ અને એક્સિસ બેંકને ૧૨૨૧૪ ફરિયાદો મળી. રિઝર્વ બેંકે સાથે જ કહ્યું કે, તેને ૧ એપ્રિલ ૨૦૧૯થી ૩૦ જૂન ૨૦૨૦ની વચ્ચે ૫૬૪૯૩ ફરિયાદો મળી.sss