હીરાબજારમાં ૪૦ ટકા રત્નકલાકારો બેકાર
સુરતમાં કોરોનાથી ડાયમંડ બજાર બંધ રહેતા ફટકો : નિતિ- નિયમોને કારણે પૂરા કારીગરથી કામ કરવા પર બ્રેક, કારીગરોને પગાર કરવા મુશ્કેલ
(પ્રતિનિધિ) અમદાવાદ, : કોરોનાને કારણે દેશમાં રોજગારીની વિકરાળ સમસ્યા સર્જાઈ હોવાના આંકડા- દિન- પ્રતિદીન બહાર આવે છે તેમાં દાવા- પ્રતિદાવા જરૂર થાય છે પરંતુ એ હકીકત છે કે કોરોનાએ અર્થતંત્રના પાયા હચમચાવી નાંખ્યા છે. લોકડાઉનના બે મહિના તો બધુ ઠપ હતુ ત્યાર પછી અનલોકમાં સ્થિતિમાં કોઈ સુધારો થયો જણાતો નથી. કારણ કે અમુક રાજયોમાં અર્ધ લોકડાઉનની સ્થિતિ પ્રવર્તી રહી છે
બધુ થાળે પડતા દિવાળી આવી જશે તેમ જણાઈ રહયુ છે. પરંતુ કોરોનાનું સંક્રમણ હજુ યથાવત છે તેથી માર્કેટ ટોપમાં આવ્યુ નથી. બજારો ખુલ્યા છે પરંતુ ઘરાકી દેખાતી નથી જે ગ્રાહકો આવે છે તે પણ ખપ પૂરતી ખરીદી કરે છે મેન્યુફેકચરીંગ યુનિટોની હાલત કફોડી થઈ ગઈ છે ઉત્પાદન થાય તો વેચાણનું શું ?? અગાઉના નાંણા પાછા આવી રહયા નથી વેપારીઓ પરેશાન છે સૌથી મોટી રોજગારી આપતા ડાયમંડ બજારોમાં કોરોનાને કારણે સ્થિતિ ડામાડોળ થઈ ગઈ છે.
રત્નકલાકારો પોતાને ગામ જતા રહયા હતા હવે તેઓ પરત ફર્યા છે તો કામ નથી ? એક અહેવાલ પ્રમાણે લગભગ ૩૦ થી ૪૦ ટકા રત્નકલાકારો બેકાર થઈ ગયા છે જયારે ડાયમંડ યુનિટ ચલાવતા ફેકટરીઓના માલિકો પાસે પગારના પૈસા નથી. તેથી મહિનાના અડધા દિવસથી કામ ચલાવવુ પડી રહયુ છે. સુરતમાં હીરાબજારમાં આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયુ છે તો અમદાવાદમાં પણ રત્નકલાકારોને કામના ફાંફા પડી રહયા છે. સુરતમાં તો કોરોના સંક્રમણ વધતા બજાર બંધ રખાયા હતા ત્યારપછી ચોક્કસ નિયમોને આધિન હીરાબજાર શરૂ કરાયા છે. જેને કારણે તમામ રત્નકલાકારોને એક જ રૂમમાં બેસાડી શકાતા નથી કારીગરો ઓછા બેસે તો માલિકોને નુકસાન થાય છે.
જયારે સિમિત રત્નકલાકારો બેસે તો પૂરા દિવસ કામ મળતુ નથી જયારે ઘણી ફેકટરીએ તો તાળા મારી દીધા છે આમ સુરતમાં તો હીરાબજારની હાલત કફોડી થઈ છે તેની સર્વત્ર અસર અમદાવાદ સહિતના શહેરોમાં જયાં હીરાબજાર છે ત્યાં વર્તાઈ રહી હોવાનો દાવો નિષ્ણાંતો કરી રહયા છે જયારે આ પ્રકારના અહેવાલો માધ્યમોમાં પણ પ્રસારીત થયા છે.