અમદાવાદ હીરાબજારમાં માત્ર પ૦ ટકા કારખાના ચાલુ
૬પ૦ કારખાનાઓમાંથી અડધા ૧ જૂનથી શરૂ કરાયા : સરકારી ગાઈડ લાઈનના ચુસ્ત અમલને કારણે કોરોના સંક્રમણનો એક પણ કેસ નહી : હીરાના કારખાના માલિકો લાઈટ બિલમાં રાહત આપવાની સાથે રત્ન કલાકારોને એ.પી.એલ કાર્ડ અપાય
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદમાં આવેલા લગભગ ૬પ૦ કારખાનાઓમાંથી હાલમાં અડધા શરૂ થઈ ગયા છે જેને કારણે અનેક રત્ન કલાકારોને જીવન નિર્વાહમાં રાહત થઈ છે. બીજી તરફ કારખાનાના માલિકો સંપૂર્ણપણે ગાઈડ લાઈનનું પાલન કરતા હોવાથી કોરોનાનો એક પણ કેસ રત્નકલાકારોમાં જાેવા મળ્યો નથી. ૧ જૂનથી બાપુનગર, નિકોલ, નરોડા સહિતના વિસ્તારોમાં હીરાના કારખાના ધમધમતા થયા છે. આ અંગે વધુ વિગતો માટે વિવેકાનંદ ડાયમંડ એસોસીએશનના પ્રમુખ નરસિંહભાઈ પટેલનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યુ હતું કે વલ્લભભાઈ કાકડિયા તથા જગદીશ પંચાલ સહિતના આગેવાનોના સહયોગથી અમદાવાદમાં હીરાના કારખાના શરૂ કરાયા છે
લગભગ ૧ થી ૧.રપ લાખ રત્ન કલાકારો હીરાના કારખાનાઓમાં કામ કરે છે પરંતુ લોકડાઉન અને ત્યાર પછી સુરતમાં ઉદ્ભવેલી પરિસ્થિતિના કારણે હાલમાં માત્ર પ૦ ટકા કારખાના ચાલુ છે. લગભગ ૬પ૦ કારખાનામાંથી મોટા- મધ્યમ પ્રકારના કારખાના શરૂ કરાયા છે તેમાં એક ઘંટી પર બે જ રત્નકલાકારોને બેસાડાય છે તથા જયારે કારીગર કારખાનામાં પ્રવેશે તે પહેલા ટેમ્પરેચર ચેક કરાય છે. હાથને સતત સેનેટાઈઝરથી સાફ કરાવાય છે
જયારે જમતી વખતે રત્નકલાકારોને દૂર બેસાડાય છે આમ સરકારના તમામ નિતિનિયમોનું પાલન થતુ હોવાથી કોઈપણ રત્નકલાકાર કોરોનાગ્રસ્ત થયો નથી. વળી રત્નકલાકારો લોકડાઉનમાં ઘરે રહયા પછી તેમને પણ વાસ્તવિકતાનો અંદાજ આવ્યો છે. હાલમાં ૭૦ થી ૮૦ ટકા કારીગરો બહારના નાસ્તા- પાણી બંધ કરી દીધા છે અને ઘરનું ટીફીન જ જમે છે પરિણામે તેમના અન્ય ખર્ચા પણ બચ્યા છે.
દરમિયાનમાં જે કારખાનાઓ કાચો માલ છે તે જ શરૂ થયા છે. મોટાભાગના નાના-મધ્યમ કક્ષાના કારખાનાઓના માલિકો સુરતમાં રહેતા હોવાથી અહીંયા કારખાના બંધ છે. સુરતમાં કોરોનાના કેસ વધતા અલગ અલગ તબક્કામાં હીરાના કારખાના બંધ કરાવી દેવામાં આવ્યા હતા. પરંતુ હીરાના કારખાનામાં તૈયાર કરેલો માલ વિશ્વના કોઈ દેશો હાલમાં લેતુ નથી. વિશ્વભરમાં કોરોનાને કારણે કામ ધંધાને વ્યાપક અસર થઈ છે જાેકે સરકાર તરફથી હીરા ઉદ્યોગને હજુ સુધી કોઈ રાહત અપાઈ નથી. બીજુ કંઈ ન કરે તો લાઈટ બિલમાં રર ટકા સરચાર્જ લેવામાં આવે છે તે ઘટાડીને ૧૦ ટકા કરી કઢાય અને રત્ન કલાકારોને એ.પી.એલ. કાર્ડ અપાય તો તેઓ સસ્તા અનાજની દુકાનેથી અનાજ લઈને પોતાના કુટુંબનું ભરણપોષણ કરી શકે.