બન્નીની લખટકિયા કુંઢી ભેંસ ૫.૧૧ લાખ રૂપિયામાં વેચાઈ

પ્રતિકાત્મક
ભુજના પશુપાલકની ભેંસને સુરતના માલધારીએ ખરીદી-ગોળ શિંગડા, ટૂંકાં આંચળ, લાંબી ગરદન, ટૂંકી પૂછડીની વિશેષ ઓળખ વાળી ભેંસ રોજ ૪૬ લિટર દૂધ આપે છે
સુરત, બન્નીની લખટકિયા કુંઢી ભેંસની કિંમત હવે લાખોમાં પહોંચી ગઈ છે. આ ભેંસની ખાસિયતોના કારણે તેની સારી એવી કિંમત ઉપજી રહી છે. હાલમાં ભુજના પશુપાલકે જેટલી કિંમતમાં કુંઢી ભેંસનું વેચાણ કર્યું છે તેટલી કિંમતમાં એક નાની કાર ખરીદી શકાય છે. ભુજના કુનરીયાના પુશુપાલક ભરત લખમણ ડાંગરની ધાલુ ૫ લાખ ૧૧ હજારમાં વેચાઈ છે. આ ભેંસ સુરતના માલધારી કાળુ દેસાઈએ ખરીદી છે.
આ ભેંસની ઓળખ અન્ય ભેંસો કરતા ખાસ હોય છે, જેમાં તેના ગોળ શિંગડા, ટૂંકાં આંચળ, લાંબી ગરદન, ટૂંકી પૂછડી વગેરે છે. આ ભેંસ એક સમયમાં ૨૩ લિટર દૂર આપે છે એટલે કે બે ટાઈમમાં કુલ ૪૬ લિટર જેટલું દૂધ આપે છે. કહેવાય છે કે આ ભેંસને જ્યારે દૂધ માટે દોહવામાં આવતી હોય છે ત્યારે તે દોહવાની કામગીરી પૂર્ણ ના થાય ત્યાં સુધી પગ ઊંચા નથી કરતી.
આ ભેંસને ઊંચી કિંમતે ખરીદનારા સુરતના કાળુભાઈ જણાવે છે કે, તેમની પાસે ૫૦૦ ગાય-ભેંસ છે. તેઓ અવાર-નવાર કચ્છથી ભેંસો ખરીદતા હોય છે. કુંઢી ભેંસ ખરીદવા અંગે તેમણે કહ્યું કે, આવી ભેંસ ભાગ્યે જ જોવા મળતી હોય છે. આ ભેંસની ઉંમર ૭ વર્ષની છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રિકલ્ચર રીસર્ચની ઈન્ડિયન બ્રીડ રજિસ્ટ્રેશન કમિટીએ ૨૦૧૦માં બન્નીની કુંઢી ભેંસને અલગ બ્રીડ તરીકે માન્યતા આપી હતી.
અગાઉ હરિયાણાના કુરક્ષેત્રમાં એક યુવરાજ નામના પાડાની કિંમત ૭ કરોડ ઉપજી હતી, ઘણાં અહેવાલોમાં આ પાડાની કિંમત ૯ કરોડો હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું. એટલે કે આ પાડાની કિંમત લક્ઝુરિયસ કાર કરતા પણ ઘણી મોટી છે. પ્રદર્શનમાં આ પાડાની રાજ મહારાજા જેવી ખાતરદારી કરવામાં આવે છે. આ પાડો વર્ષે ૪૦ લાખની કમાણી કરી આપતો હોવાનું પણ માનવામાં આવે છે. SSS