પાર્સલ બ્લાસ્ટ થતા શાહીબાગ પોસ્ટ ઓફિસમાં લાગેલ આગ
અમદાવાદ : અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલી પોસ્ટ ઓફિસમાં પાર્સલમાં ગઇ મોડી સાંજે અચાનક બ્લાસ્ટ થતા આગ લાગવાની ઘટના બનતાં ભારે ચકચાર મચી ગઇ હતી. જા કે, ફાયર બ્રિગેડના જવાનોએ બે ગાડીઓ સાથે ઘટનાસ્થળે પહોંચી સમયસર આગ પર કાબૂ મેળવી લીધો હતો.
પોસ્ટ ઓફિસમાં એક પાર્સલ શિફ્ટ કરતી વખતે નીચે પડતા બ્લાસ્ટ થયો હતો. જેને કારણે પોસ્ટ ઓફિસમાં આગ લાગી હતી. આ બ્લાસ્ટને પગલે એફએસએલ, બોમ્બ સ્કવોડ, ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી અને ઝોન-૪ ડીસીપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને ઝીણવટભરી તપાસ કરી હતી.
જેમાં ફટાકડા જેવા પદાર્થને કારણે બ્લાસ્ટ થયો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. આ મામલે પોલીસ દ્વારા ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના શાહીબાગ વિસ્તારની ચંદ્રમણિ હોસ્પિટલ પાસે આવેલી પોસ્ટ ઓફિસમાં ગઈકાલે મોડી સાંજે એક પાર્સલ શિફ્ટ કરવામાં આવી રહ્યું હતું ત્યારે બ્લાસ્ટ થયો હતો. આ પાર્સલ અંજારથી ઉત્તરપ્રદેશ મોકલવામાં આવ્યું હતું.
પરંતુ આ પાર્સલ ત્યાંથી પરત આવતા તેને અંજાર મોકલવાનું હતું ત્યારે મોકલતી વખતે નીચે પડતા બ્લાસ્ટ થયો હતો. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. આજે સવારે એફએસએલ, ક્રાઈમ બ્રાન્ચ અને એસઓજીની ટીમે પોસ્ટ ઓફિસમાં તપાસ હાથ ધરી હતી.
આ બ્લાસ્ટ કયા કારણે થયો તેની તપાસ એફએસએલ દ્વારા કરવામાં આવી હતી. પ્રાથમિક રીતે ફટાકડામાં વપરાતો પદાર્થ પાર્સલમાંથી મળી આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું. બીજીબાજુ, હાલ એફએસએલની ટીમ તેના નમૂના લઈ તપાસ કરી રહી છે. આ બનાવને પગલે પોસ્ટઓફિસના સ્ટાફ કર્મચારીઓ અને આસપાસના લોકોમાં ભારે ચકચાર મચી ગઇ હતી.