ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજ.માં અતિભારે વરસાદની આગાહી
અમદાવાદ: આ સપ્તાહના શરુઆતના દિવસોમાં થયેલા ધોધમાર વરસાદ બાદ ફરી એક વાર રાજ્યમાં ભારે વરસાદ પડવાની શક્યતા સર્જાઈ છે. છેલ્લા બે-ત્રણ દિવસથી મેઘરાજાએ વિરામ લીધો છે. જો કે હવે રાજ્ય પર લો પ્રેશર અને સાયક્લોનિક સરક્યુલેશન સર્જાતા ફરી ધોધમાર વરસાદ થઈ શકે છે.
આ સપ્તાહે શરુઆતમાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાત ઉપરાંત કચ્છ-ભૂજમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. હવામાન ખાતાની આગાહી અનુસાર, આગામી બે દિવસ એટલે કે ૨૯-૩૦ ઓગસ્ટે રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. વેલમાર્ક પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે આગામી બે દિવસમાં ઉત્તર, મધ્ય તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ગયા વર્ષે પણ રાજ્યમાં ચોમાસુ લંબાયું હતું, ત્યારે આ વર્ષે પણ ભાદરવામાં ભરપૂર વરસાદ પડી રહ્યો છે.
રાજ્યના મોટાભાગના જિલ્લામાં આ સીઝનનો ૧૦૦ ટકા વરસાદ પડી ચૂક્યો છે. અમદાવાદમાં પણ આ જ સપ્તાહે સીઝનનો ૧૦૦ ટકા વરસાદ પૂરો થઈ ચૂક્યો છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ૧૦૦ ટકાથી પણ વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. રાજ્યના જળાશયોમાં પણ ભારે વરસાદને પગલે પાણીની ભરપૂર આવક થઈ છે.