વડનગરમાં ઈનડોર સ્ટેડિયમ, હેરિટેજ પાર્ક હવે બનાવાશે
ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વતન વડનગર ટૂંક સમયમાં એક મુખ્ય પર્યટન સ્થળ બની જશે. પ્રાચીન બોદ્ધિક સાઈટ પર હેરિટેજ મ્યૂઝિયમ અને નવું ઈનડોર સ્ટેડિયમ બનાવાશે. આ સિવાય ત્યાં મ્યૂઝિક યુનિવર્સિટી પણ ઉભી કરાશે-જેને તાના-રીરી નામ આપવામાં આવશે. તાના-રીરી બહેનો વડનગરના વતની હતા અને તેમણે ચાર સદીઓ પહેલા સંગીતની પ્રેક્ટિસ કરી હતી અને તેને પ્રોત્સાહન આપ્યું હતું. પાંચ એકરમાં ફેલાયેલા નવા ઈનડોર સ્પોર્ટ્સ કોમ્પલેક્સનું કામ શરૂ થઈ ગયું છે.
જ્યારે હેરિટેજ મ્યૂઝિમ-કમ-કોમ્પ્લેક્સનું કામ આગામી મહિનાઓમા શરૂ થશે તેવી શક્યતા છે. એકંદરે, આ કામગીરીમાં ૧૨૦ કરોડ રૂપિયા રૂપિયા કરતાં વધારેનો ખર્ચ થશે તેવો રાજ્ય સરકારનો અંદાજ છે. ‘સ્પોર્ટ્સ કોમ્પલેક્સ અને મ્યૂઝિક યુનિવર્સિટીના નિર્માણ પાછળ આશરે ૧૦-૧૦ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. હેરિટેજ મ્યૂઝિયમ બનાવવામાં ૧૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થશે કારણ કે તેમાં અત્યંત આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે’, તેમ ડેવલપમેન્ટના નજીકના સૂત્રોએ જણાવ્યું હતું.
સરકારના સૂત્રોએ જણાવ્યું હતું કે, ઈનડોર સ્પોર્ટ્સ કોમ્પલેક્સનું નિર્માણ કામ મે ૨૦૨૧ સુધીમાં પૂરુ થઈ જશે. ‘સ્પોર્ટ્સ કોમ્પલેક્સ તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ હશે. જમીન સંપાદન પૂર્ણ થવાને નજીક છે અને આગામી બે વર્ષમાં ત્યાં વધુ સ્પોર્ટ્સ સુવિધાઓ ઉમેરવામાં આવશે’, તેમ સરકારી સૂત્રોએ જણાવ્યું હતું. હાઈટેક પ્રાયોગિક હેરિટેજ મ્યૂઝિયમનું કામ ચાલુ છે. આર્કિઑલજિકલ સર્વે ઓફ ઈન્ડિયા મ્યૂઝિયમ કોમ્પલેક્સ માટે વિશેષ એજન્સીઓ સાથે કામ કરી રહ્યું છે. જ્યાં લોકો ખોદકામ કરાયેલા સ્થળોની સાથે વાસ્તવિક કળા, તેના તથ્યો અને ખોદકામ દરમિયાન મળી આવેલી વસ્તુઓ જોઈ શકે છે’, તેમ સૂત્રોએ જણાવ્યું હતું.