સોલા સિવિલમાં 12000 થી વધારે ઓપીડી: 1000 જટિલ સર્જરી કરવામાં આવી
કોરોનાકાળમાં સેવા-સુશ્રુષાનો પ્રવાહ અવિરત વહેતો રહ્યો
કોરોનાકાળમાં લોકડાઉનની વચ્ચે રાજ્યની અનેકવિધ ખાનગી હોસ્પિટલ સારવારથી છેટા રહ્યા ત્યારે સરકારી હોસ્પિટલોમાં 24*7 સેવા-સુશ્રુષા, સારવારનો પ્રવાહ અવિરત વહેતો રહ્યો હતો. રાજ્યની ઘણી સરકારી હોસ્પિટલમાં કોરોનાની સાથે સાથે નોન- કોવિડ કામગીરી તેમજ અતિ જટિલ સર્જરીઓ હાથ ઘરવામાં આવી હતી.
અમદાવાદમાં સોલા ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં પણ દિવસ – રાત તબીબો અને સમગ્ર સોલા સિવિલ તંત્ર દ્વારા સારવારનો અવિરત પ્રવાહ વહેતો રહ્યો. કોરોનાકાળમાં સોલા સિવિલ હોસ્પિટલમાં ૧૨ હજારથી વધારે લોકોએ ઓ.પી.ડી. ની મુલાકાત લીધી હતી.
કોરોનાકાળમાં સોલા સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં કોવિડના ૭૦૫૬ સેમ્પલ લેવાયા છે. જેમાંથી ૨૨૬૮ દર્દીઓ કોરોના સંક્રમિત પોઝીટીવ જણાઇ આવ્યા છે. અન્ય જગ્યાએ સેમ્પલ ટેસ્ટીંગ કરાવીને સોલા સિવિલમાં સારવાર લેનાર દર્દીઓની સંખ્યા ૧૦૨૪ રહી છે. અત્યાર સુદીમાં કોરોનાના ૭૬૯૨ એડમીશન સોલા સિવિલ હોસ્પિટલમાં નોંધાયા છે, જેમાંથી મોટાભાગના કોરોના સંક્રમિત દર્દીઓ સંપૂર્ણપણે સ્વસ્થ થઇ સાજા થઇ સ્વગૃહે પરત ફર્યા છે. કોરોનાકાળમાં સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દી મૃત્યુદર ૧.૮ ટકા રહ્યો છે.
સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓની સારવારની સમાંતરે અતિ જટિલ ઓપરેશન અને સર્જરીઓમાં પણ શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી છે. હોસ્પિટલના ગાયનેક વિભાગની ટીમ દ્વારા અતિ જટિલ ગણાતી કુલ ૬૪૮ સર્જરીઓ કરવામાં આવી છે. જ્યારે ઓર્થો વિભાગમાં ૧૯૧ જેટલી જટિલ સર્જરી હાથ ધરવામાં આવી છે. જેમાંથી ૨૫ કોવિડ પોઝીટીવ દર્દીઓની સર્જરી રહી છે. સર્જરી વિભાગની ૯૩ સર્જરી, કાન નાક અને ગળાના વિભાગની કુલ ૨૫ સર્જરીઓ , ઓપ્થલ વિભાગની ૪ મળીને ૧૦૦૦ જેટલી અતિ જટિલ ગણાતી સર્જરીને સફળતાપૂર્વક કોરોનાકાળમાં કરવામાં આવી છે.
સોલા સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ.પીનાબેન સોની જણાવે છે કે, ૨૨ એપ્રિલથી સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોનાના તમામ પ્રકારના માઇલ્ડ,મોડરેટ પ્રકારના દર્દીઓના સેમ્પલ ટેસ્ટીંગ કરવાની શરૂઆત કરવામાં આવી હતી. સોલા સિવિલ હોસ્પિટલની લેબમાં અમદાવાદથી જ નહીં પરંતુ અન્ય જિલ્લાઓમાંથી પણ કોરોનાના સેમ્પલ ટેસ્ટીંગ માટે આવતા હતા. અત્યાર સુધીમાં ૭૦૦૦ થી વધારે સેમ્પલ અમારી લેબમાં ટેસ્ટીંગ કરવામાં આવ્યા છે. અમારી ૪૫૦ બેડની કોરોના ડેડીકેટેડ હોસ્પિટલમાં ઓક્સિજનથી લઇને કોરોના સારવાર માટેની તમામ સુવિધાઓ સજ્જ છે.
જેમાંથી ૫૦ બેડ અતિ ગંભીર પ્રકારના દર્દીઓ માટે અલાયદા રાખવામાં આવ્યા છે, જેમાં વેન્ટીલેટરનો પણ સમાવેશ થાય છે. સાથે સાથે અન્ય પ્રકારના અત્યાધુનિક સાધનો, મોનિટરીંગ સિસ્ટમ અમારી હોસ્પિટલમાં કાર્યરત કરવામાં આવી હતી. એલોપેથી સારવારની સાથે સાથે અમારી હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને યોગા, કસરતની વિવિધ પ્રવૃતિઓની સાથે પુસ્તક વાંચનની પણ પ્રવૃતિ કરાવવામાં આવતી હતી.
ડૉ.સોની ઉમેરે છે કે કોરોનાકાળમાં હોસ્પિટલના તમામ તબીબો, મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફ , નર્સિંગ સ્ટાફના સહિયારા પ્રયાસના કારણે કોરોના મહામારીમાં અમે દર્દીઓની શ્રેષ્ઠ સેવા-શુશ્રુષા કરી શક્યા છીએ. તેમેજ સરકાર તરફથી પણ સ્વાસ્થયને લગતી તમામ જરૂરિયાત તેમજ સેવાઓ સમયસર પૂરી પાડવામાં આવતા દર્દીઓને કોઇપણ પ્રકારની હાલાકી ભોગવવી પડી નથી અને દર્દીઓને શ્રેષ્ઠ સારવાર મળી રહી છે. આલેખનઃ અમિતસિંહ ચૌહાણ