UPSC દ્વારા NDA અને નેવલ એકેડેમીની પરીક્ષા 6 સપ્ટેમ્બરે અમદાવાદના ૩૪ પેટા પરીક્ષા કેન્દ્રો ખાતે યોજાશે
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન, નવી દિલ્હી દ્વારા નેશનલ ડિફેન્સ એકેડેમી અને નેવલ એકેડેમી (૧) તથા (૨)-૨૦૨૦ પરીક્ષા, તા.૦૬/૦૯/૨૦૨૦ ના રોજ અમદાવાદના કુલ- ૩૪ (ચોત્રીસ) પેટા પરીક્ષા કેન્દ્રો ખાતે યોજાશે. કોવિડ-૧૯ની વેશ્વિક મહામારીને ધ્યાને લઈ યુ.પી.એસ.સી. દ્વારા કોવિડ- ૧૯ ની ગાઈડલાઈન જાહેર કરવામાં આવેલ છે. જે સંદર્ભે તા. ૨૫/૦૮/૨૦૨૦ ના રોજ શ્રી હર્ષદ વોરા, નિવાસી અધિક કલેકટરશ્રી, અમદાવાદના અધ્યક્ષ સ્થાને સબ સેન્ટરના સુપરવાઈઝરશ્રીઓની મિટિંગ કલેક્ટર કચેરી, અમદાવાદ ખાતે રાખવામાં આવેલ હતી.
આ મિટિંગમાં યુ.પી.એસ.સી. દ્વારા કોવિડ-૧૯ અંગેની સૂચનાઓનું ચુસ્તપણે પાલન થાય તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવેલ. ખાસ કરીને પરીક્ષાર્થીઓ દ્વારા પણ કોવિડ-૧૯ સૂચનાઓનું પાલન થાય તે જરૂરી છે. દરેક સેન્ટરનો એન્ટ્રી ગેટ પરીક્ષાના સમયથી એક કલાક પહેલા ખોલવામાં આવનાર હોઈ પરીક્ષાર્થીઓએ પોતાના સેન્ટર પર વહેલા પહોચવાનું રહેશે અને સીધા જ પરીક્ષાના રૂમ કે હોલમાં તેઓની નિર્ધારીત જગ્યાએ બેસી જવાનું રહેશે. પરીક્ષાકેન્દ્રનો મુખ્ય પ્રવેશદ્વાર પરીક્ષા શરૂ થવાના સમય અગાઉ ૧૦ મિનિટ પહેલા બંધ કરી દેવામાં આવશે.
તમામ પરીક્ષાર્થીઓએ માસ્ક પહેરીને આવવું ફરજીયાત છે. સંદેશા વ્યવહારનો ઉપયોગ થઈ શકે તેવા કોઈપણ પ્રકારના ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ-ડિવાઈસ મોબાઈલ ફોન, લેપટોપ તેમજ લાઈટર, માચીસ વગેરે સાથે પ્રવેશ કરી શકશે નહીં.
તેમજ કોઈપણ મૂલ્યવાન ચીજવસ્તુઓ રાખી શકશે નહીં અને આવી ચીજવસ્તુઓ ગુમ થવા કે ચોરાઈ-ખોવાઈ જવાથી યુ.પી.એસ.સી. જવાબદાર રહેશે નહીં. નેશનલ ડિફેન્સ એકેડેમી અને નેવલ એકેડેમી (૧) તથા (૨) -૨૦૨૦ આપનાર તમામ ઉમેદવારોને પરીક્ષા સ્થળ ઉપર કોલ લેટરમાં દર્શાવેલ સૂચનોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. યુ.પી.એસ.સી. માટેનો કંટ્રોલ રૂમ ફોન.નં. ૦૭૯-૨૭૫૬૧૯૭૦-૭૭ (એ.નં-૪૧૧) કલેક્ટર કચેરી, અમદાવાદ રહેશે તેમ કલેક્ટરશ્રી, અમદાવાદની અખબારી યાદીમાં જણાવાયું છે.