Western Times News

Gujarati News

સેવાભાવી અનલભાઇએ એક નહીં પરંતુ ત્રણ-ત્રણ વખત પ્લાઝમા ડોનેટ કર્યુ

આપણે પ્લાઝમા ડોનેટ નહીં કરીએ તો કોરોના પીડિત રોગીને પ્લાઝમા મળશેક્યાંથી? -પ્લાઝમા દાતા અનલભાઇ વાઘેલા

અમદાવાદ શહેર તેની દરિયાદિલી માટે જાણીતું છે… સમગ્ર વિશ્વમાં અમદાવાદીઓનો ડંકો વાગે છે.. સેવા-સુશ્રુષાની વાત હોય કે આફતને અવસરમાં પલટવાની….. અમદાવાદીઓ હંમેશા અવલ્લ રહ્યા છે….

કોરોના મહામારી વચ્ચે જ્યારે અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યુ હતું ત્યારે અમદાવાદીઓએ એકજૂથ થઇને,ઘૈર્ય રાખી,સરકારી દિશાનિર્દેશોનું પાલન કરી કોરોનાને મ્હાત આપી….તેમજ તેમની રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થયો છે.  હવે સમય આવ્યો છે અન્ય કોરોના સંક્રમિત દર્દીઓને પ્લાઝમાનું દાન કરીને તેઓના ઘરના દિપને હરહંમેશ માટે પ્રજવલ્લિત રાખવાનો…. અમદાવાદ શહેરના ક્રિષ્નાનગર વિસ્તારમાં રહેતા ઉદ્યોગપતિ અનલભાઇ વાઘેલાએ બે વખત સિવિલ હોસ્પિટલ અને એક વખત રેડક્રોસમાં એમ કૂલ ત્રણ વખત પ્લાઝમાનું દાન કરીને દાનનો મહિમા સાચા અર્થમાં ઉજાગર કર્યો છે.

અનલભાઇ વાઘેલા કહે છે કે, હાલ કોરોનાથી સંક્રમિત રોગીને જલદી સ્વસ્થ કરવા પ્લાઝમા થેરાપી અસરકારક નીવડી રહી છે. ત્યારેપ્લાઝમા ક્યાંથી પ્રાપ્ત થશે એ જાણવા રોગીના સગાસંબંધીઓ/મિત્રોના મારા ઉપર ઘણા ફોન આવે છે.એમને એ વિશેની કાંઈક નાની સરખી જાણકારી આપી શકવાનો મને મનમાં ભારોભાર આનંદ પણ થાય છે.

છતાં, હજુ એક વાત મનમાં ખૂંચે પણ છે કે, પ્લાઝમા ક્યાંથી પ્રાપ્ત થશે ? એ જાણવા જેટલા ફોન આવે છે એના કરતાં પ્લાઝમા કોણ, ક્યારે અને ક્યાં ડોનેટ કરી શકે? એની જાણકારી મેળવવાના ખૂબજ ઓછા ફોન આવે છે… લાગે છે કે પ્લાઝમા ડોનેટ કરવા અંગે હજુ લોકોમાં કંઈક ભય છે અથવા તો તે અંગે જાગૃતિ આવી નથી તેમ લાગે છે તેમ તેઓ ઉમેરે છે.

કોણ પ્લાઝમાં ડોનેટ કરી શકે ? પ્લાઝમાં ડોનેશનની પ્રક્રિયા શું છે ?

અનલભાઇ વાઘેલા ઉમેરે છે કે, કોરોના થઈને મટી ગયાના ૨૮ દિવસ પછી ૧૮ થી ૬૦ વર્ષની ઉંમરના પુરુષો અને બાળક ન હોય તેવી સ્ત્રીઓ પ્લાઝમા આપી શકે છે.પ્લાઝમા ડોનેટ કરવાની પ્રોસેસ બહુજ સરળ હોય છે.બ્લડ ડોનેટ કરતા હોય તેવી જ હોય છે. વળી, આમાં તો આપણું બ્લડ પાછું આપણાં શરીરમાં જ આવી જાય છે. બ્લડમાંથી માત્ર ૫૦૦ મી.લી.જેટલું પ્લાઝમા મશીન દ્વારા છૂટું પાડીને લેવામા આવે છે.કુલ ૪૫ મિનિટની પ્રક્રિયા હોય છે.વાતો કરતા-કરતા પ્રક્રિયા પુરી થવાની ખબર પણ નથી પડતી…પ્લાઝમા ડોનેટ કર્યાના ૪૮ કલાકમાં ફરી પાછું નવું પ્લાઝમા આપણાં શરીરમાં બની જાય છે.એકવાર પ્લાઝમા ડોનેટ કર્યા પછી ૧૫ દિવસ પછી ફરી પ્લાઝમા ડોનેટ કરી શકાય છે.એકવાર એટલેકે ૫૦૦ મી.લી.પ્લાઝમા ડોનેટ કરવાથી તે બે રોગીને (૨૦૦-૨૦૦ મી.લી.) આપવામાં આવે છે. જેનાથી રોગી કોરોનાથી જલ્દી સ્વસ્થ થાય છે અને બાકીનું ૧૦૦ મી.લી.પ્લાઝમા લેબોરેટરી ટેસ્ટ માટે વપરાય છે.

કોરોના સંક્રમિત રોગી માટે પ્લાઝમા ક્યાંથી પ્રાપ્ત થશે એની જાણકારી મેળવી આપવામાં સહાયક બનવાની સાથે સાથે એક જવાબદાર અને જાગૃત નાગરિક તરીકે પ્લાઝમા ડોનેટ કરવા અંગે લોકોના ભયને દૂર કરીને જાગૃતિ ફેલાવાનું કામ પણ આપણાં સમાજ માટે એટલુંજ જરૂરી અને મહત્વનું છે તેમ તેમણે વિગતો આપતા જણાવ્યું હતું.

પ્લાઝમા ડોનેશન અને પ્રાપ્ત કરવાના સ્થાનો- અમદાવાદ સિવિલ હોસ્પિટલની બ્લડ બેંકમાં તેમજ રેડક્રોસ સોસાયટી, પાલડીમાં સરળતાથી પ્લાઝમા ડોનેટ કરી શકાય છે અને પ્રાપ્ત કરી શકાય છે.

શ્રી વાઘેલા ગૌરવવંતી લાગણીઓ સાથે કહે છે કે “કોરોનાથી સ્વસ્થ થયા પછી મેં અત્યાર સુધી ત્રણ વાર (દર ૧૫ દિવસે) મારું પ્લાઝમા ડોનેટ કર્યું છે…મને હજુ સુધી કોઈ જ તકલીફ નથી પડી.હું બિલકુલ સ્વસ્થ છું અને મારું એન્ટીબોડી લેવલ પણ ઘણું સારું છે”. અહેવાલ ::અમિતસિંહ ચૌહાણ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.