અભિવ્યક્તિ સ્વતંત્રતા ખતરામાં, બધાંનું મોં બંધ કરાવવા માગે છે
આઝાદીનાં ૭૫ વર્ષ પછી દેશ કઠિન સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે: પ્રમુખ સોનિયા ગાંધીનો કેન્દ્ર ઉપર આક્ષેપ
નવી દિલ્હી, કોંગ્રેસના પ્રમુખ સોનિયા ગાંધીએ શનિવારે ફરી એકવખત કેન્દ્ર સરકાર પર નિશાન તાક્યું છે. સોનિયાએ કહ્યું હતું કે દેશમાં અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય ખતરામાં છે. લોકતંત્રને નષ્ટ કરવામાં આવી રહ્યું છે. સરકાર ચાહે છે કે લોકો, આદિવાસીઓ, મહિલાઓ અને યુવાઓ તેમનું મોં બંધ રાખે. એ લોકો દેશનું મોં બંધ કરાવવા માગે છે. સત્તા દેશમાં નફરત ફેલાવી રહી છે. આ સાથે જ તેમણે કહ્યું હતું, અત્યારે આપણું સંવિધાન ખતરામાં છે. મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ અને બીઆર આંબેડકર સહિતના આપણા પૂર્વજોમાંથી કોઈએ એવી કલ્પના પણ નહીં કહી હોય કે દેશની આઝાદીનાં ૭૫ વર્ષ બાદ આવી કઠિન પરિસ્થિતિઓમાંથી આપણે પસાર થવું પડશે.
સોનિયા ગાંધીએ શનિવારે નવા રાયપુર અટલ નગરમાં છત્તીસગઢના નવા વિભાનસભા ભવનના ભૂમિ પૂજનના કાર્યક્રમમાં વિડિયો સંદેશ આપતાં આ વાત કહી હતી. સોનિયાએ આ દરમિયાન કહ્યું કે,આજથી આપણે શપથ લઈએ કે આપણા હાથમાં જ્યારે પણ સત્તા આવશે ત્યારે આપણે સમાજના છેલ્લા વર્ગના માણસને ધ્યાનમાં રાખીને કામ કરીશું.
કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું હતું, છત્તીસગઢ વિધાનસભાને ગઠિત થયે ૨૦ વર્ષ થયાં પણ અત્યારે છેક નવું વિધાનસભા ભવન બની રહ્યું છે. ધારાસભ્યો આપણા લોકતંત્રના સૌથી મોટા આધારસ્થંભ છે. સંસદ અને વિધાનસભા આપણા લોકતંત્રના પવિત્ર મંદિરો છે અને આ મંદિરોથી આપણે સંવિધાનનું રક્ષણ કરવાનું છે. પણ યાદ રાખવાનું છે કે સંવિધાન ભવનોથી નહીં પણ ભાવનાઓથી બચશે. આ ભવનોમાં દુષિત અને ખોટી ભાવનાઓનો પ્રવેશ અટકાવાશે તો જ સંવિધાન બચશે.SSS