સોલામાં પાણીની ટાંકીમાં છુપાવેલો ઈગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : દારૂબંધી હોવા છતાં અમદાવાદ શહેરમાં દારૂની રેલમછેલ થઈ રહી છે. જેથી પોલીસ તંત્રને બુટલેગરો વિરૂધ્ધ કાર્યવાહી કરવાનો છુટો દોર આપવામાં આવ્યો છે. જેને પગલે પોલીસે બુટલેગરો સામે લાલ આંખ કરતાં ફફડાટ ફેલાયો છે. ગઈકાલે બાતમીને આધારે દારૂનાં જથ્થા સાથે એક શખ્સને ઝડપી સોલા પોલીસે પુછપરછ કરતાં એક દુકાનની પાણીની ટાંકીમાંથી વધુ કેટલોક જથ્થો મળી આવતાં પોલીસચોંકી ઉઠી હતી.
આ અંગેની વિગત એવી છે કે સોલા પોલીસ પેટ્રોલિંગમાં હતી એ સમયે ગોતા-ઓગણજ રોડ પર રાજપુત સમાજ ભવનની સામે એક શખ્સ એકટીવાની ડેકીમાં દારૂની બોટલો સાથે ઉભો હોવાની પાકી બાતમી મળી હતી. જેથી પોલીસે કોર્ડન કહીને ઘનશ્યામ પટેલ (૩૯) રહે. સાકાર એપાર્ટમેન્ટ, ઘાટલોડીયાને ઝડપી લીધો હતો.
તથા એકટીવામાંથી ત્રણ ઈગ્લીશ દારૂની બોટલ મળી આવી હતી. ઘનશ્યામની વધુ પુછપરછ કરતાં ગોતા, વંદેમાતરમ ફાટક નજીક વિષ્ણુધારા હોમ્સ પાસે પોતાની ફેબ્રીકેશનની દુકાનમાં વધારે જથ્થો રાખ્યો હોવાનું તેણે કબુલ્યું હતું. જેથી પોલીસ તેને સાથે રાખી ઉપરોકત સ્થળે તપાસ કરતાં પાણીની ટાંકીમાં સંતાડીને રાખેલો ઈગ્લીશ દારૂનો વધુ જથ્થો મળી આવ્યો હતો.
વધુ પુછપરછમાં આ જથ્થો ઘનશ્યામે ભાર્ગવ વિક્રમ પટેલ (રહે.વાડજ) પાસેથી મેળવ્યો હોવાનું કબુલ્યું હતું. જેથી પોલીસે ભાર્ગવની પણ અટક કરવા ચક્રો ગતિમાન કર્યા છે. આ તમામ મુદ્દામાલ સાઈઠ હજારથી વધુનો હોવાનું જાણવા મળી રહયું છે.