મહિલા ક્રિકેટર દિપ્તી શર્મા અર્જુન એવોર્ડથી સન્માનિત
મેં શરૂઆતથી સખત મહેનત કરી અને મારા પરિવારે પણ મને ખુબ ટેકો આપ્યો હતો, હું આ દિવસની રાહ જાેતી હતી-અર્જુન એવોર્ડ મારું સપનું હતુંઃ દિપ્તી શર્મા
નવી દિલ્હી, અર્જુન એવોર્ડ ભારતીય મહિલા ક્રિકેટર દિપ્તી શર્માએ જણાવ્યું હતું કે આ પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવનારાઓની યાદીમાં પોતાનું નામ ઉમેરવાનું તેનું સપનું હતું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શનિવારે રાષ્ટ્રીય રમતગમત દિવસ નિમિત્તે દિપ્તીને વર્ચુઅલ સમારોહમાં અર્જુન એવોર્ડથી નવાજ્યો હતો. દીપ્તિએ કહ્યું, મેં શરૂઆતથી સખત મહેનત કરી છે અને મારા પરિવારે પણ મને ટેકો આપ્યો હતો. હું આ દિવસની રાહ જાેતી હતી અને આજે મને આ એવોર્ડ મળ્યો છે.
મારા માટે આ ખૂબ જ ગર્વની ક્ષણ છે. તેમણે વધુમાં કહ્યું કે, ‘આ પછી, ખેલાડીની જવાબદારી દેશ માટે વધુ સારું કરવા માટે વધે છે. મારું નામ આ એવોર્ડ મેળવનારાઓની સૂચિમાં શામેલ કરવાનું મારું સ્વપ્ન હતું. રાષ્ટ્રપતિએ કોરોના વાયરસ રોગચાળા વચ્ચે રાષ્ટ્રીય રમતગમત અને સાહસિક એવોર્ડ્સ -૨૦૨૦ રજૂ કર્યા હતા. હોકી વિઝાર્ડ મેજર ધ્યાનચંદની ૧૧૫મી જન્મજયંતિ નિમિત્તે દેશના ૭૪ એથ્લેટ્સ અને રમતવીરોનું સન્માન કરાયું હતું.
આ પ્રસંગે રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ, અર્જુન એવોર્ડ, દ્રોણાચાર્ય, ધ્યાનચંદ એવોર્ડ, તેનઝિંગ નોર્ગે નેશનલ એડવેન્ચર એવોર્ડ અને નેશનલ સ્પોર્ટસ પ્રમોશન એવોર્ડ એનાયત કરાયા હતા. રમતવીરોની સિધ્ધિને માન્યતા આપવા અર્જુન એવોર્ડ યુવા બાબતો અને રમત મંત્રાલયે એક સન્માન છે. અર્જુન એવોર્ડ અને ખેલ રત્ન એવોર્ડની ઇનામ રકમ અનુક્રમે ૧૫ લાખ અને ૨૫ લાખ રૂપિયા થઈ છે.