મોડાસાના ખંભીસર દલિત યુવક વરઘોડો ઘર્ષણ મામલો : ૪૫ આરોપીઓના વકીલે હાઈકોર્ટમાં કરેલ આગોતરા જામીન અરજી પરત ખેંચી લીધી
(પ્રતિનિધિ) બાયડ, અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના ખંભીસર ગામે અનુસૂચિત જાતિના સમાજના યુવક જયેશ ડાહ્યાભાઈ રાઠોડનો ૧૨મી મે રવિવારે લગ્ન હોવાથી તેનો વરઘોડો ગામમાં ફરવાનો હોવાથી ગામમાંથી વરઘોડો ન કાઢવા અંગે પટેલ સમુદાયના લોકો સાથે વિવાદ થયો હતો જેથી પોલીસ રક્ષણ સાથે વરઘોડો કાઢવામાં આવ્યો હતો વરઘોડો ગામમાંથી ન નીકળે તે માટે ગામલોકોએ રસ્તામાં ઠેર ઠેર યજ્ઞ યોજતા ત્રણ-ચાર વાર રસ્તો બદલવાની ફરજ પડી હતી વરઘોડો ગામમાંથી ન નીકળેની મક્કમતા સાથે મહિલાઓ જાહેરમાર્ગ પર રામધૂન બોલાવવા બેસી જતા પોલીસ મૂક પ્રેક્ષક બનતા અને અંધારું થતા બંને સમાજના લોકો વચ્ચે ઘર્ષણ ઉગ્ર સ્વરૂપ પકડાતા બંધ સ્ટ્રીટ લાઈટનો ફાયદો ઉઠાવી અનુ.જાતિના યુવકના વરઘોડા પર પથ્થરમારો થતા વરઘોડામાં સામેલ લોકો ઈજાગ્રસ્ત થતા અને વરરાજા ના ઘોડાને માથામાં ઇજા થતા ઘોડાનું મોત થયું હતું જે અંગે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ૪૫ વ્યક્તિઓના નામજોગ તથા ૧૫૦ લોકોના ટોળા સામે એટ્રોસિટી અને પશુવધ તેમજ પોલીસની ફરજમાં અડચણ ઉભી કરવા હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
મોડાસા સ્થિત એડી.ડીસ્ટી.કોર્ટે તમામ આરોપીઓના આગોતરા જામીન નામંજૂર કર્યા હતા, જેથી આ તમામ આરોપીઓએ નામદાર ગુજરાત હાઇકોર્ટ માં આગોતરા જામીન માટે અરજી કરી હતી સરકાર અને ફરિયાદી પક્ષના વકીલે પીડિતોના પક્ષે ૧૭ જુલાઈ એ મુદ્દાસરની રજુઆત અને કેસ સંબંધિત તમામ પુરાવા કોર્ટ સમક્ષ રજુ કરી જાન પર પથ્થરમારો, જ્ઞાતિવિષયક અપશબ્દો અને પથ્થરમારામાં ઘોડાનું પણ મૃત્યુ થયું હોવાથી આરોપીઓને જમીન ન મળવા જોઈએ બીજીબાજુ આરોપી પક્ષે વકીલે ફરિયાદીના આક્ષેપો પાયાવિહોણા હોવાની અને એટ્રોસીટી એક્ટ ની કલમો હટાવી અને આરોપીઓને ને આગોતરા જામીન આપવા બાબતે દલીલો કરવામાં આવી હતી જસ્ટિસ ઉમેશ ત્રિવેદીએ બંને પક્ષોની રજુઆત સાંભળી ચુકાદો ૨૩મી જુલાઈ એ અનામત રાખ્યો હતો.
૨૩ જુલાઈએ આરોપીઓની જામીન અરજી નામંજૂર થવાની શક્યતા જણાતાં આરોપીઓના એડવોકેટ દ્વારા આ કેસ ની આગોતરા જામીન અરજી પરત ખેંચી લેવામાં આવી હતી જામીન અરજી પરત ખેંચી લેવામાં આવતા નામદાર ગુજરાત હાઇકોર્ટના જસ્ટીસ ઉમેશ ત્રિવેદી દ્વારા તપાસ અધિકારી ને તમામ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવા બાબતે પણ સુચના આપવામાં આવી હોવાનું હાઈકોર્ટના વકીલ કેવલસિંહ રાઠોડે જણાવ્યું હતું.