Western Times News

Gujarati News

ગુજરાત ચેમ્બરની ચૂંટણીનો ગોઠવાતો ચક્રવ્યૂહ-આર્ત્મનિભર પેનલે છેલ્લી ઘડીએ એજન્ડા જાહેર કર્યો

તમામ જિલ્લાને સાંકળવા,એગ્રી પ્રોડક્ટ્‌સના વિકાસ અને બેકાર થયેલા યુવાનોના પ્રશ્નો પર ભાર મૂકવા બાંયધરી
અમદાવાદ,  ખૂબ જ પ્રતિષ્ઠિત એવી ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની ચૂંટણીને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે જ માત્ર બે દિવસ પહેલાં જ આર્ત્મનિભર પેનલ દ્વારા પોતાનો એજન્ડા રજૂ કરવામાં આવ્યો છે. હવે તે એજન્ડા તમામ સભ્યો સુધી પહોંચે તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. એજન્ડામાં બેરોજગાર યુવાનોને મહત્વ આપવાનો નિર્ધાર જાહેર કરવામાં આવ્યો છે. જ્યારથી ચેમ્બરની ચૂંટણીની જાહેરાત થઈ ત્યારથી જ ચૂંટણી રદ્દ કરાવવા માટે પ્રયાસ કરી રહેલા ઉમેદવારોએ આખરે આર્ત્મનિભર પેનલ બનાવી ચૂંટણી લડવાની તૈયારીઓ આદરી દીધી છે. ચૂંટણીના ત્રણ દિવસ પહેલાં જ આર્ત્મનિભર પેનલની રચના કરવામાં આવી છે અને ચૂંટણીના બે દિવસ પહેલાં જ તેનો એજન્ડા જાહેર કરવામાં આવ્યો છે.

પ્રવક્તા કૈલાસ ગઢવીના જણાવ્યા મુજબ આર્ત્મનિભર પેનલના એજન્ડામાં મુખ્યત્વે રાજ્યના તમામ જિલ્લાના સભ્યોને સાંકળી લેવાની વાત કરવામાં આવી છે. જ્યારે ઇન્ડસ્ટ્રીયલ પોલિસીના પ્રશ્નો અંગે જીઆઇડીસી તથા ત્યાં એફઆઈએ સાથે સંકલન કરી યોગ્ય નિકાલ લાવવાનો પ્રયત્ન કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. સાથે સાથે રાજ્યના વિકાસના પાયામાં ખેતી છે માટે એગ્રી બિઝનેસ પ્રોડક્ટ્‌સના વિકાસ માટે પણ પ્રયાસ કરવામાં આવશે. આ ઉપરાંત એગ્રી યુનિવર્સિટી સાથે સંયુક્ત સેમિનાર દ્વારા એગ્રી બિઝનેસને પ્રોત્સાહન મળે તેવા પ્રયાસ કરવામાં આવશે.

છૂટક વેપારીને યોગ્ય ન્યાય મળી રહે તે માટે ઓનલાઈન પ્લેટફોર્મ અંગેની નીતિ સ્પષ્ટ થાય તે માટે સરકાર સમક્ષ યોગ્ય રજૂઆતો કરવામાં આવશે. એજન્ડામાં લોકડાઉનના કારણે બેરોજગાર થયેલા યુવાવર્ગને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા તેમને વધુમાં વધુ સરકારી યોજનાઓનો લાભ મળે તેવા પ્રયાસ કરવામાં આવશે. મહિલાઓને નવા વ્યવસાય માટે પૂરતી મદદ મળી રહે તે માટે પણ પ્રયાસ કરાશે અને નવા સ્ટાર્ટઅપને પૂરતું પ્રોત્સાહન મળે તેવા પ્રયત્નો કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.

ચેમ્બરની ચૂંટણી પાંચમી તારીખે યોજાશે પરંતુ જે કેટેગરીમાં જેટલી બેઠકો હતી તે જ ઉમેદવારો હોવાથી જે તે ઉમેદવારને ગુરુવારે બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે. જેમાં પ્રમુખ તરીકે નટુભાઈ પટેલ, કોર્પોરેટ કેટેગરીમાં શૈશવ શાહ, પારસ દેસાઈ અને પ્રવીણ કોટક. જ્યારે રિજિયોનલ ચેમ્બરમાં વી.પી. વૈષ્ણવ તથા દિનેશ નાવડિયા. અને સામાન્ય વિભાગ (બહારગામ) માટે ભાર્ગવ ઠક્કર, મિતુલ શાહ, સુનીલ વડોદરિયા અને મહેશ પૂંજને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે. એએએ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.