પોપ્યુલર બિલ્ડર્સ: રમણ પટેલ સહિત ૪ને બે દિવસના રિમાન્ડ
વધુ છ દિ’ના રિમાન્ડની અરજી ગ્રામ્ય કોર્ટે ફગાવી દીધી
અમદાવાદ, પુત્રવધૂની હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠળ નોંધાયેલા ગુનામાં નીચલી કોર્ટે પોપ્યુલર બિલ્ડરના રમણ, દશરથ પટેલ સહિત ચાર આરોપીને ગ્રામ્યે કોર્ટે વધુ બે દિવસના રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, ચારેય આરોપીના વધુ છ દિવસના રિમાન્ડની અરજી ગ્રામ્ય કોર્ટે ફગાવી દીધી હતી. આ પછી સેશન્સ જજે નીચલી કોર્ટને ફરી રિમાન્ડ અરજી સાંભળીને હુકમ કરવા નિર્દેશ આપ્યો હતો.જેના પગલે કોર્ટે ચારેય આરોપીને વધુ બે દિવસના રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે.
પોપ્યુલર બિલ્ડર રમણ,મૌનાંગ, દશરથ,વિરેન્દ્ર પટેલની સરકારે વધુ છ દિવસના રિમાન્ડ મેળવવા માટે જયુડીશનલ મેજિસ્ટ્રેટ સમક્ષ અરજી કરીને જણાવ્યુ હતુ કે, આરોપીઓ સામે ગંભીર આરોપ છે જેની ઊંડાણ પૂર્વક તપાસ કરવી જરૂરી છે, આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલા કેમેરા, પરણિતાની પાસેથી કરાવાયેલ એફિડેવીટો સહિતના દસ્તાવેજ મુદ્દે તપાસ બાકી છે, આરોપીઓ સામે ગુનો નોંધાયા બાદ તેઓ રાજસ્થાન તથા ગુજરાતની વિવિધ જગ્યાએ ભાગી ગયા હતા ત્યાં તેમને સાથે રાખી તપાસ કરવી જરૂરી છે, ગુના બાદ આરોપીઓને આશ્રય કોણે આપ્યો હતો, આરોપીઓએ ફરિયાદીને આપવા આટલા પૈસા કેવી રીતે અને ક્યાંથી લાવ્યા, આરોપીઓને ગુનો આચરવામાં કોણે કોણે મદદ કરી છે, સહિતના મુદ્દાની તપાસ માટે રિમાન્ડ જરૂરી છે. જો કે, આરોપીઓ તરફે એવી આખી ફરિયાદ ખોટી છે, તપાસમાં સહકાર આપ્યો છે, હવે કોઇ મુદ્દે તપાસ બાકી નથી, જેથી રિમાન્ડ ફગાવવા જોઈએ.ત્યારબાદ કોર્ટે ચારેય આરોપીને વધુ બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.SSS