સ્વચ્છ સાબરમતી મહાઅભિયાન – ‘મિશન મિલિયન ટ્રીઝ’ વૃક્ષારોપણ અભિયાન
|
|
|
|
|
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, વિશ્વ આખામાં આજે હરિયાળી ઘટતી જાય છે તેના પગલે ગરમીનો કહેર વધ્યો છે. પર્યાવરણમાં બદલાવ આવ્યો છે.સાથે સાથે નદીઓ પણ પ્રદૂષિત થઇ રહી છે ત્યારે નદીઓનું શુધ્ધિકરણ અને નદીઓ સહિત પર્યાવરણની સુરક્ષા કરતાં વૃક્ષોનું વાવેતર આપણી અગ્રીમતા હોવી જોઇએ. સ્વચ્છ સાબરમતી મહાઅભિયાન અને મિશન મિલીયન ટ્રીઝ – વૃક્ષારોપણ અભિયાન એ આ દિશામા નો જ એક અભિગમ છે એમ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ આજે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે મિશન મિલીયન ટ્રીઝ વૃક્ષારોપણ તથા ‘સ્વચ્છ સાબરમતી’ મહાઅભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો.
ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ એજ્યુકેશન સોસાયટી, ટાઇમ્સ ઓફ ઇન્ડિયા, કેન્ટોન્મેન્ટ બોર્ડ, એરપોર્ટ ઓથોરિટી, જી.આઇ.ડી.સી. એસ્ટેટ, હાઇવે ઓથોરિટી, રેલ્વે સહિતની અનેક અગ્રગણ્ય સંસ્થાઓનો આ કાર્યક્રમમાં સહયોગ મળ્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, પ્રદૂષણ અટકાવવું, સ્વચ્છતા જાળવવી, નદીઓનું શુધ્ધિકરણ એમ સહિયારા પ્રયાસોથી પર્યાવરણની જાળવણી કરી શકાશે. અમદાવાદના નદીના શુધ્ધિકરણ અને વૃક્ષારોપણના મહાઅભિયાનમાંથી સમગ્ર રાજ્યના શહેરો પ્રેરણા લેશે.
મુખ્યમંત્રીશ્રી એ વધુમાં જણાવ્યું હતું કે, પાણીમાં જીવ અને છોડમાં રણછોડની આપણી સંસ્કૃતિ રહી છે. સમષ્ટી આખીનો વિકાસ આપણે કરવો છે. જળ-વાયુ-અગ્નિની પૂજા આપણી પરંપરા રહી છે. વિશ્વએ પ્રકૃતિનું દોહન કર્યું છે અને એટલે જ પર્યાવરણની સમસ્યા એક પડકાર બન્યો છે ત્યારે આપણે આ પડકારનો સામનો કરવા અભિયાન ઉપાડ્યું છે તે અનુકરણીય છે.
મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદ મહાનગરપાલિકા અને શહેર પોલીસની સંયુક્ત ‘ જોઇન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ’ – (JET) નો નવતર પ્રયોગ અપનાવ્યો છે. આ ટીમના પાંચ સભ્યોની ટીમ શહેરના ૪૮ વોર્ડમાં ઇ-રીક્ષામાં ફરી શહેરમાં કાયમી ધોરણે સ્વચ્છતા અને વ્યવસ્થા ચકાસશે. આ ટીમ દ્વારા શહેરમાં જાહેરમાં થુંકનાર, ગંદકી ફેલાવનાર, કચરો ફેંકનાર, દિવાલો પર પોસ્ટર લગાવનાર, આડેધડ પાર્કિંગ કરનાર, હંગામી દબાણ કરનાર સામે તાત્કાલિક કાર્યવાહી કરશે. આ પ્રયાસ દ્વારા અમદાવાદને વિશ્વ કક્ષાનું સ્વચ્છ – સુઘડ ને સુવિધાાપૂર્ણ શહેર બનાવવાનો ધ્યેય છે એમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ગાંધીજીની કર્મભૂમિ જ્યાં છે તેવી સાબરમતી નદીનું શુધ્ધિકરણ પાંચ દિવસ ચાલશે. તમામ પાસાઓને આવરી લઇને ઉપાડેલું અભિયાન પ્રસંશનીય છે. રીસાયકલ-રીચાર્જ-રીડ્યુસની નીતિ આગામી દિવસોમાં નવા આયામો પ્રસ્થાપિત કરશે. સાથે સાથે અમદાવાદનું ગ્રીન કવર ૧૫ ટકા સુધી લઇ જવાનો અભિગમ એ સાચા અર્થમાં પ્રકૃતિનું જતન પુરવાર થશે એમ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, આ વર્ષે ગુજરાતમાં ૫ હજાર મે. વોટ વીજળી સોલાર એનર્જી દ્વારા ઉત્પાદન કરશે. કચ્છ થી દ્વારકા સુધી પવન ઉર્જા ઉત્પાદિત કરવાનો ધ્યેય રાખ્યો છે. રીન્યુએબલ એનર્જી દ્વારા ગુજરાતને દેશ-વિશ્વમાં નમૂનેદાર રાજ્ય બનાવવું છે. પ્રદૂષણ નિવારણ ક્ષેત્રે ગુજરાતને દેશનું દિશા ચિંધનારું રાજ્ય બનાવવા રાજ્ય સરકાર કટિબધ્ધ છે એમ પણ તેમણે ઉમેર્યું હતું.
આપણાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વમાં ભારતની પ્રતિષ્ઠા બનાવવાની નેમનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સ્વચ્છતા – સ્વસ્થતાનો ધ્યેય ગુજરાતે રાખ્યો છે. રાજ્યમાં આ વર્ષે ૧૦ કરોડ વૃક્ષો વાવવાનો સંકલ્પ છે તેના પગલે સમગ્ર રાજ્યનું ગ્રીન કવર વધારવું છે. ગુજરાતનું આ સર્વગ્રાહી અભિયાન દેશ માટે અનુકરણીય બનશે તેવો આશાવાદ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે જોઇન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ (JET) માટેની ૫૦ ઇ-રીક્ષાઓને ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે EESL અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વચ્ચે એમ.ઓ.યુ. કરાયા હતા.
અમદાવાદના મેયર શ્રીમતી બિજલબેન પટેલે જણાવ્યું હતું કે, વિશ્વમાં આજે પ્રદૂષણ વધ્યું છે. અમદાવાદમાં ગ્રીન કવરનું પ્રમાણ ૪.૬ ટકા છે. જે વધારીને ૧૫ ટકા સુધી લઇ જવા મહાનગરપાલિકા કટિબધ્ધ છે ત્યારે તેના ભાગરૂપે મિશન મિલીયન ટ્રીઝ અભિયાન હાથ ધર્યું છે. સાથે સાથે સાબરમતી નદીને સ્વચ્છ કરવાનું પણ અભિગમ હાથ ધર્યું છે.
નદીમાં માત્ર વરસાદનું પાણી વહે તે માટે કોર્પોરેશન કટિબધ્ધ છે. અમદાવાદ શહેર સ્વચ્છ-સુઘડ-વ્યવસ્થાપૂર્ણ બનાવવા કોર્પોરેશન અને શહેર પોલીસની સંયુક્ત ટીમ (JET) નો નવતર પ્રયોગ શરૂ કર્યો છે અને તેના દ્વારા અમદાવાદને વૈશ્વિક રીતે અગ્રેસર બનાવવાનો ધ્યેય છે એમ તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે ઇ-રીક્ષા આપનાર દાતાઓ-સંસ્થાઓનું મુખ્યમંત્રીશ્રી દ્વારા સન્માન કરાયું હતું. આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા, ભાજપાના અગ્રણી શ્રી સુરેન્દ્રભાઇ પટેલ, સાંસદ શ્રી ડૉ. કિરીટભાઇ સોલંકી, શ્રી હસમુખ પટેલ, શહેર ભાજપા પ્રમુખ શ્રી જગદીશ પંચાલ, ધારાસભ્ય સર્વ શ્રી અરવિંદ પટેલ, રાકેશ શાહ, સુરેશ પટેલ, બાબુભાઇ પટેલ, કિશોર ચૌહાણ, ભુપેન્દ્ર પટેલ, પ્રદીપ પરમાર , મ્યુનિસિપલ શાસક નેતા શ્રી અમીત શાહ, ડેપ્યુટી મેયર શ્રી દિનેશ મકવાણા, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન શ્રી અમુલ ભટ્ટ, કોર્પોરેટરશ્રીઓ, મ્યુનિસિપલ કમિશનર શ્રી વિજય નેહરા, પોલીસ કમિશનર શ્રી એ.કે.સિંઘ, ઉચ્ચ અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.