ખંડણી આપવાની ના પાડતાં વહેપારીના ઘર પર હુમલો
(પ્રતિનિધિ) અમદાવાદ : શહેરના સરદારનગર વિસ્તારમાં એક કાપડના વહેપારી પાસેથી સ્થાનિક માથાભારે શખ્સોએ ખંડણી માંગી સમગ્ર પરિવારની હત્યા કરવાની ધમકી આપતા સનસનાટી મચી ગઈ હતી વહેપારીએ ખંડણી નહી આપતા ગઈકાલે રાત્રે ખંડણીખોરોએ વહેપારીના ઘરમાં આવી તોડફોડ કરતા પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે તાત્કાલિક આ અંગે કાર્યવાહી કરી સ્થળ પરથી એક આરોપીને ઝડપી લીધો હતો જયારે બે આરોપીઓ ફરાર થઈ ગયા છે જેની શોધખોળ ચાલી રહી છે.
આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં વહેપારીઓ પાસેથી ખંડણી ઉઘરાવવાની ગુનાખોરી વધી રહી છે શહેરના સરદારનગર વિસ્તારમાં સીંધી કોલોનીમાં રહેતા શંકરભાઈ ગોકલાણી નામનો વહેપારી કાલુપુર રેવડી બજારમાં તૈયાર કપડાની દુકાન ધરાવે છે અને આ ધંધામાં તેના બે પુત્રો પણ જાડાયેલા છે પિતા અને બંને પુત્રો દુકાન ચલાવી રહયા છે અને વ્યવસ્થિત ધંધો હોવાથી આ જ વિસ્તારમાં ઓફિસ ધરાવતા એક શખ્સ દ્વારા તેમની પાસે ખંડણી માંગવામાં આવી હતી.
તા.ર૧મીના રોજ શંકરભાઈ પોતાની દુકાને હાજર હતા ત્યારે એરપોર્ટ સર્કલ પર બાલાજી ફલેટમાં રહેતા આરોપી કમલ સાબરમતી નામના શખ્સે શંકરભાઈને ફોન કર્યો હતો અને રૂ.૧ લાખની ખંડણી માંગણી હતી આરોપી કમલ સરદારનગર વિસ્તારમાં જ આવેલા મહારથી ફલેટમાં ફાયનાન્સની ઓફિસ ધરાવે છે જાકે આ ઓફિસના બહાના હેઠળ તે વહેપારીઓને પરેશાન કરતો હોવાની ફરિયાદ નોંધી છે
કમલ સાબરમતીએ ફોન કરીને ખંડણી માંગ્યા બાદ શંકરભાઈએ ખંડણી આપવાનો ઈન્કાર કરી દીધો હતો તારો ધંધો સારો ચાલતો હોવાથી ખંડણી તો આપવી જ પડશે અને ખંડણી નહી આપે તો તારા પરિવારને જાઈ લઈશુ તેવી ધમકી આપવામાં આવી હતી આ દરમિયાનમાં તા.રરમીએ ફરી વખત કમલ સાબરમતીએ વહેપારી શંકરભાઈને ફોન કર્યો હતો
પરંતુ તેમનો ફોન તેમની પત્નિ અનિતાબેને ઉપાડયો હતો. આરોપીએ અનિતાબેનને પણ ધમકી આપીને જણાવ્યું હતું કે રૂ.૧ લાખની ખંડણી તારો પતિ નહી આપે તો સમગ્ર પરિવારને જાનથી મારી નાંખીશુ અનિતાબેને પણ તેની ધમકીથી ડર્યા વગર ના પાડી દેતા જ આરોપી કમલ સાબરમતી રોષ ભરાયો હતો અને ગઈકાલે રાત્રે કમલ સાબરમતી તથા તેના બે સાગરિતો રોકી અને મનીષ હાથમાં હથિયારો સાથે શંકરભાઈના ઘરે પહોંચી ગયા હતા અને ત્યાં જઈને બોલાચાલી કરવા લાગ્યા હતાં ત્રણેય શખ્સોએ હથિયારો સાથે ધસી આવી ઘરમાં ઘુસી ગયા બાદ ધાકધમકી આપતા જ વાતાવરણ તંગ બની ગયું હતું
આ દરમિયાનમાં જ અનિતાબેને પોતાના મોબાઈલ ફોનમાંથી પોલીસને જાણ કરતા અધિકારીઓ પણ સતર્ક બની ગયા હતા અને તાત્કાલિક પોલીસને સ્થળ પર રવાના કરી હતી પોલીસ આવતા જ કમલ સાબરમતી અને મનીષ ભાગી છુટયા હતા જયારે રોકીને શંકરભાઈના ઘર પાસેથી ઝડપી લેવામાં આવ્યો હતો.
ખંડણી ઉઘરાવવા આવેલા ત્રણ શખ્સોમાંથી એક શખ્સ ઝડપાઈ ગયો હતો જયારે બે શખ્સો ભાગી જતાં પોલીસ અધિકારીઓએ આ બંને શખ્સોને ઝડપી લેવા માટે જુદી જુદી ટીમો બનાવી છે ફાયનાન્સની ઓફિસ શરૂ કર્યાં બાદ ખંડણીની માંગ થતાં જ પોલીસ અધિકારીઓ પણ આ કિસ્સામાં ઝીણવટભરી તપાસ કરી રહયા છે
વહેપારીએ પોતાની પાસે ખંડણી માંગી હોવાનો આક્ષેપ કર્યો છે અને ફરિયાદમાં પણ જણાવાયું છે પકડાયેલા રોકીની પુછપરછના આધારે ફરાર બંને આરોપીઓની વિગતો મેળવવામાં આવી રહી છે અને ટુંક સમયમાં જ બંનેને ઝડપી લેવામાં આવશે તેવુ અધિકારીઓ માની રહયા છે.