ખુશ્બુ ગુજરાત કી : ગુજરાતમાં ફૂલ-ઉત્પાદનમાં 55 % થી વધુ ઉત્પાદન મધ્ય ગુજરાતમાં
ફૂલ ઉત્પાદનમાં નવસારી જિલ્લો 24,452 મેટ્રીક ટન સાથે મોખરે
ગુલાબના ઉત્પાદનમાં ભરૂચ અને ગલગોટા ઉત્પાદનમાં અમદાવાદ અવ્વલ.વડોદરાએ મોગરા ઉત્પાદનમાં મેદાન માર્યુ
ગુજરાતની ધરતી ખુશ્બુથી મહેકી રહી છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં ખેતરો ફૂલોથી શોભી રહ્યા છે. બાગાયત વિભાગમાંથી પ્રાપ્ત આંકડાઓ પ્રમાણે રાજ્યમાં વર્ષ 2019-20માં કુલ ફૂલ-ઉત્પાદન 1,95,992મેટ્રીક ટને પહોંચ્યું છે. જો વિસ્તારની દ્રષ્ટિએ જોઈએ તો રાજ્યમાં સૌથી વધુ ફૂલ-ઉત્પાદન મધ્ય ગુજરાતમાં થઈ રહ્યું છે. રાજ્યના કુલ ઉત્પાદન(1,95,992 મેટ્રિક ટન)માંથી 1.09,337મેટ્રીક ટન ફૂલનું ઉત્પાદન માત્ર મધ્ય ગુજરાતમાં જ થયું છે. ( કુલ ઉત્પાદનના- 55.78 %)
રાજ્યમાં વિવિધ પ્રદેશોમાં ફૂલ-ઉત્પાદનની વાત કરીએ તો, રાજ્યમાં સૌથી વધુ ફૂલ ઉત્પાદન મધ્ય ગુજરાત- 1,09,337 મેટ્રીક ટન છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં આ આંક 63,501 મેટ્રીક ટન છે. કચ્છ-સૌરાષ્ટ્રમાં ફૂલ-ઉત્પાદનનો આંક 12,658 મેટ્રીક ટને પહોંચ્યો છે. ઉત્તર ગુજરાતમાં ફૂલ ઉત્પાદનનો આંક – 10,496 મેટ્રીક ટન જેટલો રહ્યો.
સમગ્ર રાજ્યમાં નવસારી જિલ્લોફૂલ-ઉત્પાદનમાં મોખરે છે. આ જિલ્લામાં 24, 452 મેટ્રીક ટન ફૂલ ઉત્પાદન થયું છે, બીજા ક્રમે આણંદ- 20,981 મેટ્રીક ટન છે, જ્યારે ત્રીજા ક્રમે અમદાવાદ- 20,583 મેટ્રીક ટન છે. ફૂલની વિવિધ જાતોના ઉત્પાદનને જોઈએ તો ગુલાબના ઉત્પાદનમાં ભરૂચ જિલ્લો પ્રથમ છે. ભરુચમાં 6,080 મેટ્રીક ટન ગુલાબનું ઉત્પાદન થયું છે, જ્યારે વડોદરા 5,929 મેટ્રીક ટન ગુલાબ ઉત્પાદન થયું. અમદાવાદ જિલ્લો 4,649 મેટ્રીક ટન સાથે ત્રીજા ક્રમે રહ્યો છે.
ગલગોટા(મેરિગોલ્ડ)ના ઉત્પાદનમાંઅમદાવાદ જિલ્લો અવ્વલ રહ્યો. અમદાવાદમાં 9,561 મેટ્રીક ટન ગલગોટાનું ઉત્પાદન થયું, બીજા નંબરે દાહોદ રહ્યું. ગલગોટાનું ઉત્પાદન થયું – 8800 મેટ્રીક ટન.ખેડામાં 8,157 મેટ્રીક ટનથી વધુ ગલગોટા ખીલ્યા. મોગરાની ખેતીમાં વડોદરા અગ્રેસર છે. અહીં 2019-20માં 2,508 મેટ્રીક ટન મોગરાનું ઉત્પાદન થયું. તો અમદાવાદમાં મોગરાનો ઉત્પાદન આંક -1674 મેટ્રીક ટન રહ્યો, જ્યારે ભરુચમાં તે 1,633 મેટ્રીક ટન રહ્યો.
લીલીના ફૂલોની ખેતીમાં નવસારી નંબર વન રહ્યું. દક્ષિણ ગુજરાતના આ જિલ્લામાં વર્ષ – 2019-20માં લીલીનું ઉત્પાદન 14,244 મેટ્રીક ટન થયું, બીજા ક્રમે 9,970 મેટ્રીક ટન સાથે આણંદ રહ્યું અને વલસાડ 7,089 મેટ્રીક ટન સાથે ત્રીજા ક્રમે રહ્યું. – સંકલન ::લાલજી ચાવડા (નોંધ- ફૂલ ઉત્પાદનના આંકડા- વર્ષ 2019-20ના છે.)