Western Times News

Gujarati News

મુખ્યમંત્રી દ્વારા કેન્દ્ર સરકારનાં કોવિડ-19 વિજય રથનો રાજ્ય વ્યાપી યાત્રાનો પ્રારંભ

કોરોના સામે વિજય મેળવવા તમામ પ્રયત્નો કરી છૂટવા અને સમાજનાં ખૂણે – ખૂણે ચાલતાં સેવા કાર્યોને બિરદાવવા રાજ્યનાં મુખ્યમંત્રી દ્વારા રાજ્ય વ્યાપી યાત્રાનો પ્રારંભ

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના પીઆઈબી, આરઓબી દ્વારા રાજ્યનાં 5 ઝોનમાં 5 વિજયરથનું સ્થાનિક સાંસદો દ્વારા લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવાયું.

તમામ 33 જિલ્લાઓનાં કોવિડગ્રસ્ત વિસ્તારોની મુલાકાત દરમિયાન રાજ્ય સરકારનાં ઉપક્રમે માસ્ક, આયુર્વેદિક દવાઓ અને હોમિયોપેથીક દવાઓનાં વ્યાપક વિતરણનો કાર્યક્રમ

અમદાવાદ,  મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આજે ગાંધીનગર સ્થિત પોતાના કાર્યાલયમાંથી ડિજીટલ લોન્ચિંગ દ્વારા લીલી ઝંડી ફરકાવી રાજ્યભરમાં ‘કોવિડ વિજય રથ અભિયાન’ નો પ્રારંભ કરાવ્યો છે. કોવિડ વિજય રથ એટલે ભીષણ મહામારી કોવિડ ઉપર નિર્ણાયક જીત માટે સાર્વત્રિક સેવા કાર્યોની વણઝારનો આરંભ. માનનીય મુખ્યમંત્રી શ્રીએ ઈ-ફ્લેગિંગ કરાવતી વખતે કહ્યું કે, ‘કોવિડ-19 સંપૂર્ણ પ્રોટોકોલ પાલન સાથે આયુર્વેદિક દવાઓના વિતરણ અને હોમિયોપેથીક દવાઓ દ્વારા જરૂરિયાતમંદ વિસ્તારોમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા પીઆઈબી, આરઓબી અને રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સંયુક્ત રીતે ઘનિષ્ઠ પ્રયાસોની કવાયતો હાથ ધરવામાં આવશે.’ રાજ્યનાં આરોગ્ય અગ્ર સચિવ શ્રીમતી જયંતી રવિએ રથ દરમિયાન આવશ્યક દવાઓનાં વિતરણની કામગીરીને આખરી ઓપ આપવા વિભાગનાં અધિકારીઓને સૂચના આપી દીધી હોવાનું કાર્યક્રમ દરમિયાન ઉલ્લેખાયું હતું. અમદાવાદ, સુરત, જૂનાગઢ, ભૂજ અને પાલનપુરથીકોવિડ-19 વિજય રથમાં મુખ્યમંત્રી શ્રીના ઈ-ફ્લેગિંગના સાથેપ્રત્યક્ષરૂપે સ્થાનિક આગેવાનએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

ભૂજમાં સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ કહ્યું કે, ‘પીઆઈબી અને યુનિસેફનું આ સંયુક્ત અભિયાન સમયોચિત, સૂચકતાપૂર્ણ, સરાહનીય પગલું છે, જેનાથી મહામારી સામે લડવામાં વીર-વીરાંગનાઓ અને જનતાનો જુસ્સો બુલંદ બનશે.’લોકકલાના માધ્યમથી જન-જાગૃતિ લાવવાના આ અભિયાનને બિરદાવતા સાંસદ શ્રીએ કહ્યું કે, ‘કોરોનાથી સાવધાન રહેવાની જરૂર છે, ડરવાની નહીં.’

અમદાવાદ પૂર્વનાં સાંસદ શ્રી હસમુખભાઈ પટેલે કહ્યું કે, ‘કેન્દ્ર સરકારે પ્રજાલક્ષી અભિગમ સાથે લીધેલા તાજેતરનાં ઐતિહાસિક નિર્ણયો જેવા કે, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના, આત્મનિર્ભર ભારત  યોજના, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, પીએમ એગ્રિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડની રચના તથા માનવસંપર્ક રહિત આવકવેરાની આકારણી જેવાં નિર્ણયોને પ્રજા લોકકલાનાં માધ્યમથી ‘જાણે અને માણે’ તેવો નવતર અભિગમ સર્જનાત્મક વિચારને પ્રતિબિંબિત કરે છે.’

સુરતનાં સાંસદ શ્રીમતી દર્શનાબેન જરદોશે રથને પ્રસ્થાન કરાવતી વેળાએ કોરોના વિનરના કેટલાક નામોનો ઉલ્લેખ કરીને કહ્યું કે, ‘‘સાવચેતીને સંગ, જીતીશું જંગ’ એ ઉક્તિ, આ રથ લોકોને જાગૃતિ અર્થે વધુ સારી રીતે સમજાવી શકશે.’

44 દિવસ ચાલનારા કોવિડ વિજય રથનું જૂનાગઢમાંથી પ્રસ્થાન કરાવતી વેળાએ સાંસદ શ્રી રાજેશ ચુડાસમાએ કહ્યું કે, ‘પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અપ્રતિમ નિર્ણય શક્તિને આ રથ દ્યોતક રીતે રજૂ કરે છે. જનતાને રથના માધ્યમથી ઉપયોગી માહિતી મેળવવા અને કલાકારોની લોકકલાનાં સમૂચિત માધ્યમથી માહિતગાર બનાવવાનો સાંસદશ્રીએ અનુરોધ કર્યો હતો.’

બનાસકાંઠામાંથી પાલનપુર મુકામે રથનાં યોજાયેલા પ્રસ્થાન કાર્યક્રમમાં ટોચના અધિકારીઓની ઉપસ્થિતિમાં સામાજિક અંતરની જાળવણી સાથે જનતાનાં પ્રતિનિધિઓએ ભાગ લઈ અભિયાનની ઉપયોગિતા સમજી હતી અને પોત-પોતાના વિસ્તારોમાં વ્યાપક રીતે લોકોને સમજાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

પીઆઈબીનાં એડિશનલ ડાયરેક્ટર જનરલ ડૉ. ધીરજ કાકડિયાએ કહ્યું કે, ‘કોરોનાનો ભીષણ પ્રકોપ રાજ્યભરમાં ચાલુ છે ત્યારે કોવિડ વિજયરથની સંકલ્પનામાં વિજયનો ઉત્સાહ કે વિજયનો ઉન્માદ નહીં, પરંતુ નિર્ણાયક વિજય પ્રાપ્ત કરવા હજુ વધુ પ્રયત્નો, સાવધાની તેમજ સતર્કતાની આવશ્યકતાને સમાજનાં દરેક વર્ગમાં પ્રતિબિંબિત કરવાનો છે.’

શ્રી કાકડિયાએ પ્રસ્થાન કાર્યક્રમમાં કોવિડ વિજયરથ અભિયાન વિશે જણાવતાં કહ્યું કે, ‘કોવિડ પ્રોટોકોલનાં સંપૂર્ણ પાલન માટે SOP તૈયાર કરવામાં આવી છે. જેને રાજ્યનાં ગૃહ વિભાગ અને કેન્દ્ર સરકારની અનુમતી મળતાં આ લોકસેવાનાં કાર્યને અભિયાન સ્વરૂપે રથનાં માધ્યમથી અમલમાં મુકવાનો નમ્રપ્રયાસ કરવામાં આવ્યો છે. આમાં યુનિસેફનો પણ સહકાર સાંપડતા આ રથ યાત્રાઓ વધુ ફળદાયી અને પરિણામલક્ષી બનશે એવો અભિપ્રાય શ્રી કાકડિયાએ વ્યક્ત કર્યો હતો.’

અત્રે ઉલ્લેખનીય છે કે, આ રથ યાત્રા દરમિયાન કોરોનાને મહાત કરી સાજા થયેલાં કોરોના વિનર્સને ઠેક-ઠેકાણે જનતા સમક્ષ રજૂ કરી આત્મવિશ્વાસ બુલંદ કરવાનો પણ લોકકલાકારોનો પ્રયાસ રહેશે. આરઓબીનાં ડાયરેક્ટર શ્રીમતી સરિતા દલાલે કહ્યું કે, ‘રથ યાત્રાએ માત્ર ઔપચારિક પ્રયાસ જ નહીં, પરંતુ વિભાગ દ્વારા ખરા દિલથી આદરાયેલું જનકલ્યાણલક્ષી સેવા અભિયાન છે.’

યુનિસેફનાં ગુજરાત એકમનાં વડા ડૉ. લક્ષ્મીભવાની, ગુજરાત યુનિવર્સિટીનાં વાઈસ ચાન્સેલર ડૉ. હિમાંશુ પંડ્યા, ગુજરાત પત્રકારત્વ વિભાગના વડા ડૉ. સોનલ પંડ્યા, સુરત કલેક્ટર શ્રી ધવલ પટેલ, બનાસકાંઠા કલેક્ટર શ્રી સંદિપ સાંગલે અને જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર શ્રી તુષાર સુમેરા સહિત અગ્રણીઓ ઈ-લોચિંગ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.