Western Times News

Gujarati News

રાજસ્થાનના વહેપારી પાસેથી રૂ.પ૪ લાખ પડાવ્યા

ફેસબુક પર મિત્રતા કેળવી

અમદાવાદના બે ગઠીયાઓએ રાજસ્થાનના વહેપારીને બજારભાવ કરતા ૧૦ ટકા સસ્તુ સોનું આપવાની લાલચ આપી સરખેજ બોલાવ્યા

 

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં છેતરપીંડીની ફરિયાદો ખૂબ જ વધી ગઈ છે ખાસ કરીને વહેપારીઓ ઉધારમાં માલ લઈ રૂપિયા નહી ચુકવતા આવી ફરિયાદો નોંધાતી હોય છે પરંતુ આ પરિસ્થિતિમાં કેટલાક ગઠીયાઓ પણ સક્રિય બનેલા છે અને વિશ્વાસ કેળવી વહેપારીઓ પાસેથી રૂપિયા પડાવી પલાયન થઈ જતાં હોય છે આવી જ એક ઘટના શહેરના સરખેજ વિસ્તારમાં બની છ.

જેમાં ફેસબુક પર મિત્રતા કેળવ્યા બાદ રાજસ્થાનના વહેપારીને અમદાવાદ બોલાવી સસ્તામાં સોનુ આપવાની લાલચ આપી હતી અને બંને ગઠીયાઓ આ વહેપારી પાસેથી રૂપિયા પપ લાખ રોકડા લઈ પલાયન થઈ જતાં પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠયા છે સરખેજ પાસેના ધાબા પર આ ઘટના બની હતી. પોલીસે ઘટના સ્થળની આસપાસના સીસીટીવી કુટેજ મેળવવાની પ્રયાસો શરૂ કરી દીધા છે અને કેટલીક મહત્વપૂર્ણ વિગતો પણ પોલીસને જાણવા મળી છે જેના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં છેતરપીંડીની ફરિયાદોમાં પોલીસ ખૂબ જ સાવચેતી પૂર્વક તપાસ કરતી હોય છે અને આરોપીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવે છે અમદાવાદ શહેરમાં ખાસ કરીને કાપડના વહેપારીઓ સાથે છેતરપીંડીની ઘટનાઓ ઘટતી હોય છે જેમાં અન્ય રાજયના વહેપારીઓ ઉધારમાં માલ લઈ ગયા બાદ રૂપિયા ચુકવવામાં ગલ્લા તલ્લા કરતા હોય છે.

આ તમામ ફરિયાદોના આધારે પોલીસ સાયબર સેલની મદદ લેતી હોય છે આ ઉપરાંત કેટલાક ભેજાબાદ ગઠીયાઓ પણ વહેપારીનો સ્વાંગ રચી છેતરપીંડી આચરતા હોય છે છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડીયા પર મિત્રતા કેળવી છેતરપીંડી ઉપરાંત યુવતિઓના શોષણની ફરિયાદો પણ વધવા લાગી છે આ પરિસ્થિતિમાં એક ચોંકાવનારી ઘટના ઘટી છે રાજસ્થાનમાં રહેતા વહેપારી નિરંજન જગદીશભાઈ સૈની સોશિયલ મીડીયા પર સતત અેકટિવા રહેતા હોય છે અને અનેક લોકો સાથે તેમને મિત્રતા કેળવેલી છે.

રાજસ્થાનના વહેપારી નિરંજન સૈનીને ફેસબુક પર થોડા સમય પહેલા અમદાવાદના બે શખ્સોએ ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી વહેપારીના સ્વાંગમાં આ બંને શખ્સોએ ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલતા જ નિરંજનભાઈએ તેમની રિકવેસ્ટને માન્ય રાખી હતી જેના પગલે નિરંજનભાઈ અને આ બંને શખ્સો વચ્ચે અવારનવાર ફેસબુકના માધ્યમ દ્વારા વાતચીત થતી હતી સુમિત નારંગી અને બંસીભાઈ નામના અમદાવાદના આ બંને શખ્સોએ મિત્રતા કેળવી લીધા બાદ નિરંજનભાઈનો વિશ્વાસ હાંસલ કરી લીધો હતો ધીમેધીમે તેઓ ધંધાની વાતચીત કરવા લાગ્યા હતા.

ફેસબુક પર વાતચીતનો દોર શરૂ થયા બાદ સુમિત અને બંસીભાઈએ રાજસ્થાનના વહેપારી નિરંજનને પોતાની જાળમાં ફસાવ્યા હતા વિશ્વાસ સંપાદિત કર્યાં બાદ સુમિત અને બંસીભાઈએ નિરંજનભાઈ સાથે ધંધાકીય વાતચીત શરૂ કરી ધંધામાં મદદરૂપ થવા માટે જણાવ્યું હતું આ બંને શખ્સોએ સોનાની લે-વેચ કરતા હોવાનું જણાવી બજારભાવ કરતા ૧૦ ટકા સસ્તુ સોનુ આપવાની લાલચ આપી હતી. બંને શખ્સોએ આપેલી લાલચમાં નિરંજનભાઈ ફસાઈ ગયા હતા અને તેમણે આ સોનુ ખરીદવા માટેની તૈયારી બતાવી હતી.

સસ્તા ભાવે સોનુ મળતુ હોવાથી નિરંજનભાઈ આ બંને ગઠીયાઓની જાળમાં ફસાઈ જતાં રૂબરૂ મુલાકાત કરવા માટે નકકી થયું હતું તે મુજબ આ બંને ગઠીયાઓએ નિરંજનભાઈને રૂપિયા લઈને અમદાવાદ આવવા જણાવ્યું હતું સસ્તામાં સોનુ ખરીદવાની લાલચમાં નિરંજનભાઈ રાજસ્થાનના કોટાથી રૂપિયા લઈને અમદાવાદ આવ્યા હતાં.

બીજી બાજુ બંને ગઠીયાઓ વહેપારી પાસેથી રૂપિયા પડાવી લેવા માટે ષડયંત્ર ઘડી રહયા હતાં અગાઉથી નકકી થયા મુજબ રાજસ્થાનનો આ વહેપારી રૂપિયા લઈને અમદાવાદ આવવા નીકળ્યો હતો અમદાવાદ પહોંચતા જ નિરંજનભાઈએ સુમિત અને બંસીભાઈ સાથે સંપર્ક સાધ્યો હતો અને ફોન પર થયેલી વાતચીત મુજબ નિરંજનભાઈને આ બંને ગઠીયાઓએ અમદાવાદમાં પ્રવેશતા માર્ગ પર સરખેજ સરદાર પટેલ રીંગરોડ પર આવેલા મોહંમદપુરા ચાર રસ્તા પાસેના જાણીતા કાકાના ધાબા પર પહોંચવા જણાવ્યું હતું.

બંને ગઠીયાઓ સાથે થયેલી વાતચીત મુજબ નિરંજનભાઈ સૈની ગઈકાલે બપોરે સાડા ત્રણ વાગ્યાની આસપાસ કાકાના ધાબા પર પહોંચી ગયા હતાં ત્યારબાદ થોડીક ક્ષણોમાં આ બંને ગઠીયાઓ સુમિત અને  બંસીભાઈ ત્યાં આવી પહોંચ્યા હતાં અગાઉથી નકકી થયા મુજબ આ બંને શખ્સોએ ૧૦ ટકા સસ્તુ સોનુ આપવાની આપેલી લાલચમાં નિરંજનભાઈ પોતાની પાસે પ૪ લાખ રૂપિયા લઈને આવ્યા હતાં.

કાકાના ધાબા પર નિરંજનભાઈને આ બંને ગઠીયાઓ મળ્યા હતા પ્રારંભમાં થોડી વાતચીત બાદ નિરંજનભાઈએ સોનાની માંગણી કરી હતી ત્યારે તેના જવાબમાં આ બંને ગઠીયાઓએ પહેલા રૂપિયા આપવા જણાવ્યું હતું જેના પગલે વિશ્વાસમાં આવી ગયેલા નિરંજનભાઈએ રૂપિયા પ૪ લાખ રોકડા આ બંને ગઠીયાઓને આપી દીધા હતા.

આ દરમિયાનમાં વાતચીત કેળવી આ બંને ગઠીયાઓ બહાના બાજી કરી ત્યાંથી નજર ચુકવીને ભાગી છુટયા હતાં લાંબો સમય રાહ જાયા બાદ પણ આ બંને ગઠીયાઓ સોનુ લઈને પરત નહી ફરતા નિરંજનભાઈ પોતે છેતરાયા હોવાનું માની લીધું હતું.

સસ્તા ભાવે સોનુ ખરીદવાની લાલચમાં નિરંજનભાઈએ રૂ.પ૪ લાખ રોકડા આપી દીધા બાદ આ બંને ગઠીયાઓ ત્યાંથી પલાયન થઈ ગયા હતા અને લાંબા સમય સુધી પરત નહી ફરતા આ વહેપારીએ આસપાસના લોકોનું ધ્યાન દોર્યું હતું આ ઘટનાથી કાકાના ધાબા પર હાજર અન્ય લોકો પણ ચોંકી ઉઠયા હતાં અને તાત્કાલિક સરખેજ પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી હતી.

રાજસ્થાનના વહેપારી પાસેથી રૂ.પ૪ લાખ પડાવી બે ગઠીયાઓ ફરાર થઈ ગયાની ઘટનાથી પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતા અને તાત્કાલિક આ અંગે તપાસ શરૂ કરી હતી ખાસ કરીને ધાબા પર અને આસપાસના સ્થળો પર લગાવવામાં આવેલા સીસીટીવી કુટેજ મેળવવાના પ્રયાસો શરૂ કરાયા છે આ બંને ગઠીયાઓએ નામ બદલીને આ છેતરપીંડી આચરી હોવાનું મનાઈ રહયું છે આ ઉપરાંત સાયબર સેલની મદદ પણ લેવામાં આવી રહી છે. સરખેજ પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.