Western Times News

Gujarati News

રાજ્ય નવી શિક્ષણ નીતિના શ્રેષ્ઠ અમલીકરણ માટે કટિબદ્ધ છે

ભારતના રાષ્ટ્રપતિ, વડાપ્રધાનએ નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિ સંદર્ભે યોજાયેલી ગવર્નર્સ કોન્ફરન્સમાં માર્ગદર્શન આપ્યું
અમદાવાદ, ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા યોજાયેલી ગવર્નર્સ કોન્ફરન્સમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ના અમલીકરણ તેમજ ઉચ્ચ શિક્ષણમાં પરિવર્તન સંદર્ભે રાષ્ટ્રીય શિક્ષા નીતિ-૨૦૨૦ની ભૂમિકા વિષય પર માર્ગદર્શન આપ્યું હતું. આ ગવર્નર્સ કોન્ફરન્સમાં દેશભરના રાજ્યોના રાજ્યપાલઓએ ઉપસ્થિત રહીને પોતાના મંતવ્યો રજૂ કર્યાં હતાં.

વેસ્ટર્ન ટાઈમ્સ ગુજરાતી PDF ડાઉનલોડ કરવા અહીં ક્લીક કરો

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પોતાના મંતવ્યો રજૂ કરતાં જણાવ્યું હતું કે, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦માં દેશના યુવાઓના સર્વાંગી વિકાસનું ચિંતન છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, પૂર્વ પ્રાથમિક શિક્ષાથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધીના તમામ ક્ષેત્રે બહુઆયામી ચિંતન દ્વારા જ્ઞાન સંપન્ન ભારતના નિર્માણનો પુરુષાર્થ નવી શિક્ષણ નીતિ દ્વારા કરવામાં આવ્યો છે. માતૃભાષામાં શિક્ષણ, પૂર્વ પ્રાથમિક શિક્ષણ સ્તરથી જ બાળકનો સર્વાંગી વિકાસ, બહુવિષયી અધ્યયન, મૂલ્યાંકન માટેની ગુણવત્તા અને શિક્ષક સજ્જતા જેવા અનેકવિધ સુધારાને કારણે દેશના યુવાનો સાંસ્કૃતિક મૂલ્યોના જતન સાથે જ્ઞાન-કૌશલ્ય સંપન્ન બનશે અને યુવાનોને “વિશ્વ નાગરિક બનાવવાનો સંકલ્પ સાકાર થશે.

આ ગવર્નર્સ કોન્ફરન્સમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જણાવ્યું હતું કે, નવી શિક્ષણ નીતિ-૨૦૨૦એ કોઈ નીતિગત દસ્તાવેજ નહીં, પરંતુ નાગરિકો-યુવાનોની આકાંક્ષા પૂર્ણ કરવાનો અને ભારત દેશને શિક્ષણ ક્ષેત્રે વૈશ્વિક કેન્દ્ર બનાવવાનો ભગીરથ પ્રયાસ છે. તેમણે જણાવ્યું હતું કે, ભારતીય જીવન મૂલ્યો આધારિત આધુનિક શિક્ષા પદ્ધતિ દ્વારા જ્ઞાન સંપન્ન સમાજના નિર્માણનું લક્ષ્ય નવી શિક્ષણ નીતિમાં પ્રતિબિંબિત થાય છે. રાષ્ટ્રપતિએ નવી શિક્ષણ નીતિના અમલીકરણમાં રાજ્યો અને રાજ્યપાલઓની ભૂમિકાને મહત્ત્વપૂર્ણ ગણાવી હતી.

આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી શિક્ષણ નીતિ-૨૦૨૦ને પ્રાસંગિક ગણાવી જણાવ્યું હતું કે, નવી શિક્ષણ નીતિના નિર્માણ સમયે બે લાખથી વધુ લોકોના મંતવ્યોને ધ્યાને લેવામાં આવ્યાં છે તે જ રીતે નીતિના અમલીકરણ માટે પણ સતત વિચાર-વિમર્શ થાય તે જરૂરી છે. શિક્ષા નીતિ કોઈ સરકારની નહીં પરંતુ સમગ્ર દેશની નીતિ છે તેમ જણાવી વડાપ્રધાનએ નવી શિક્ષણ નીતિને ૨૧મી સદીના ભારતના સામાજિક અને આર્થિક જીવનને નવી દિશા આપનારી અને આર્ત્મનિભર ભારતના સામર્થ્યને સાકાર કરનારી ગણાવી હતી.

તેમણે જણાવ્યું હતું કે, નવી શિક્ષણ નીતિ યુવાનોને તેમની અપેક્ષા પ્રમાણે જ્ઞાન અને કૌશલથી સજ્જ કરવા સ્ટડીને બદલે લર્નિંગ ઉપર તેમજ ક્રિટિકલ થિંકિંગ ઉપર ભાર આપે છે, એટલું જ નહીં પ્રેક્ટીકલ અને પરફોર્મન્સ ઉપર પણ ધ્યાન આપે છે. કાર્યક્રમની શરૂઆતમાં કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલ-નિશંકે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ના મહત્ત્વના મુદ્દાઓની રૂપરેખા આપી હતી. આ ગવર્નર્સ કોન્ફરન્સમાં જોડાયેલા વિવિધ રાજ્યોના રાજ્યપાલઓએ તેમજ શિક્ષણમંત્રીઓએ પણ પોતાના મંતવ્યો રજૂ કર્યાં હતાં.

કોન્ફરન્સના ખાસ સત્ર દરમિયાન નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો મુસદ્દો ઘડનારી સમિતિના અધ્યક્ષ ડૉ. કે કસ્તૂરીરંગને ચાવીરૂપ ઉદ્‌બોધન આપી નીતિનો હાર્દ સ્પષ્ટ કર્યો હતો. તેમજ દેશભરની મહત્ત્વની યુનિવર્સિટીના કુલપતિઓએ પોતાના મંતવ્યો રજૂ કર્યાં હતાં. જે અંતર્ગત ગુજરાતની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. પરિમલ વ્યાસે પણ પોતાના વિચારો રજૂ કરી નવી નીતિને આત્ર્માનિભર ભારતના નિર્માણની બ્લ્યુ પ્રિન્ટ ગણાવી હતી. જ્યારે ટેકનિકલ સત્રમાં યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના ચેરમેન, પ્રો. ડીપી સિંઘ, અમેરીકાની પ્રિસ્ટન યુનિવર્સિટીના પ્રોફેસર અને ડ્રાફ્ટ કમિટીના સભ્ય એવા પ્રો. મંજુલ ભાર્ગવ અને યુજીસીના સભ્ય એનકે શ્રીધરે ઉચ્ચ શિક્ષણમાં પરિવર્તન સંદર્ભે નવી શિક્ષણ નીતિ-૨૦૨૦ ની ભૂમિકા વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા. કોન્ફરન્સના અંતે કેન્દ્રીય શિક્ષણ રાજ્યમંત્રી સંજય ધોત્રેએ આભાર દર્શન કર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.