સાંતેજમાં વીજ કરંટ લાગતા ૫ શ્રમિકોનાં મોત- ૩ દાઝ્યાં
ગાંધીનગર, ગાંધીનગરના સાંતેજમાં મોડી સાંજે બનેલી કરુણ ઘટનામાં કરંટ લાગવાથી પાંચ જેટલા શ્રમિકોનાં મૃત્યુ થયાં હતાં. જ્યારે ૩ શ્રમિકો ગંભીર રીતે દાઝતાં તેમને વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. સમગ્ર ઘટનાની વિગત એવી છે કે, સાંતેજમાં ફેક્ટરીમાં શેડની કામગીરી ચાલી રહી હતી તેમાં શ્રમિકો કામગીરી કરી રહ્યાં હતાં.
તે દરમિયાન માલ-સામાન લઈ જતી વખતે મજૂરો વાયરને અડી જતાં પસાર થઈ રહેલાં હાઈવોલ્ટેજ વીજ વાયરનો કરંટ મજૂરોને લાગ્યો હતો. ભારે તીવ્રતાવાળા કરંટને કારણે ૫ શ્રમિકો ચોંટી ગયા હતા અને તેમનાં કરૂણ મૃત્યુ થયાં હતાં. જ્યારે બીજા મજૂરો તેમને બચાવવાના પ્રયાસમાં દાઝી ગયા હતા.
આવા ત્રણ મજૂરો જે ગંભીર દાઝ્યા હતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડ અને પોલીસનાં ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને બચાવની કામગીરી હાથ ધરી હતી.