મિત્રતામાં રહેલી પવિત્રતા
અરસપરસ લાગણીના ભાવનો સ્વીકાર કરાતા મિત્રતાનો જન્મ થાય છે એકબીજા માટેની લાગણી, પૂર્વ ભવનાં સંબંધના કર્મથી ખીલેલી હોય છે અથવા આ ભવમાં એકબીજા માટેનો સ્નેહ બંધાતા તથા એકબીજાનો સ્વભાવનો મેળ ખાતા અને અમુક વિચારો એકબીજાને મળતા, મિત્રતાનો પથ ખૂલી જાય છે. કોઈની જાેડે મિત્રતા કરવી તે ઘણું સરળ છે પરંતુ તેને નિભાવવા ઘણો ભોગ પણ આપવો પડે છે.
Click on logo to read epaper English | Click on logo to read epaper Gujrati |
મિત્રો તો એકબીજાના સુખ દુઃખમાં સહભાગી થાય તે જ ખરી મિત્રતા કહેવાય છે. બાળપણથી બનતા મિત્રોમાં નિસ્વાર્થ પ્રેમ હોવાથી તે મિત્રતા અતૂટ રહે છે ને જિંદગીભર એકબીજાનો સાથ નિભાવે છે. જયારે એક મિત્રને દુઃખ પડતા બીજાે મિત્ર તેની જાેડે કેવો વ્યવહાર કરે છે તેના પરથી મિત્રતાની પરીક્ષા થાય છે.
કૃષ્ણ તથા સુદામાની જાેડી મિત્રતાનો દાખલો પૂરો પાડે છે. હાલમાં શ્રી ધીરૂભાઈ અંબાણી ગરીબાઈમાંથી અમીર બનતા અને મુંબઈ શહેરમાં સ્થિર થતા કરોડો રૂપિયાની જાયદાદના માલિક બનતા, બાળપણનાં કે યુવાવસ્થાના મિત્રોને ભૂલી ગયા ન હતા ને તેમના મિત્રો સાથે નાતો રાખી તેમના ગામના ભાઈબંધના દીકરાઓને સારી જગ્યાએ નોકરીઓ આપી ગોઠવી આપ્યા હતા. આજે શ્રી ધીરૂભાઈ હયાત નથી પરંતુ તેમની દોસ્તીને તેઓ ભૂલી શકતા નથી ને તેમના કરેલી સહાય કે ઉપકાર જિંદગીભર તેઓ ભૂલી નહી શકે.
વાદ વિવાદ, લેવડદેવડ તથા મિત્રની બેન તથા તેની પત્ની સાથેનો ગાઢ સંબંધ કોઈક કોઈક વખત તેમની મિત્રતાને આગ લગાડી શકે છે. જયારે એક મિત્ર બીજાને દગો આપે છે ત્યારે મિત્રો મટી દુશ્મનો બની જાય છે ને જિંદગીભરનો મીઠો મધ જેવો સંબંધ કડવા લીમડા જેવો થઈ જાય છે. કોઈક કોઈક વખત પોતાનો સ્વાર્થ સાધવા અમુક લોકો મિત્રતા કરીને કામ પતાવ્યા બાદ નકારાત્મક પગલા ભરીને મિત્રતામાં ભંગાણ પાડી દે છે.
ઘણી વખત મિત્રતામાં ભંગાણ પાડવામાં પોતાની પત્ની મોટો ભાગ ભજવતી હોય છે અને જયારે કોઈ મિત્ર કાચા કાનનો હોય તો તે બીજા મિત્રને શંકાની નજરથી જુએ છે અને તે મિત્રતા ભાંગી પડે છે. મિત્રતામાં એકબીજા પર વિશ્વાસ ઘણો મોટો ભાગ ભજવે છે. પરંતુ જયારે શંકાનો કીડો સળવળે છે ત્યારે મિત્રતાનો અંત આવે છે ને દુશ્મનીનો કાંટો ફૂટી નીકળે છે. મિત્રતામાં અપેક્ષારૂપી ખલનાયકનું આગમન થતા મિત્રતા રૂપી દોરી તૂટી જતા સંધાતી નથી અને સંધાય તો પણ તેમાં ગાંઠ પડી જાય છે જે છૂટતી નથી.
આજકાલ જ્યાં જુઓ ત્યાં સ્વાર્થ ને સ્વાર્થ જ દેખાય છે. આ કળિયુગમાં મિત્રની માલમિલકત કે પૈસો વધતા, તેનાં સ્વાર્થી મિત્રો મિત્રતા વધારવા કે સાચવવા મધમાખી જેમ મધપૂડાને ચોંટીને રહે છે તેમ તેઓ પણ પોતાના ધનિક મિત્રોની આસપાસ વિંટળાયેલા રહે છે ને પોતાનો ફાયદો મેળવવા કે સ્વાર્થ પૂરો કરવામાં રાચતા રહે છે અને જયારે સ્વાર્થ સિદ્ધ ન થતા તે જ મિત્રો ધીરે ધીરે તેને નીચો પાડવા કે સમાજમાં હલકો પાડવા તેના પર ટીકાઓનો વરસાદ વરસાવે છે અને એ મૈત્રીનો અંત આવી જાય છે.
સાચો મિત્ર તો બીજા મિત્રનાં દુઃખમાં ભાગ પડાવે છે અને બીજા મિત્રના સુખ માટે પોતાનો પણ ભોગ આપવા પાછો પડતો નથી. સાચી મિત્રતામાં ત્યાગવૃત્તિ તથા સમર્પણના સિદ્ધાંતનો સમાવેશ થાય છે. ખુલ્લાદિલથી તથા નિખાલસ થવાથી મિત્રતા સોળે કળાએ ખીલી ઉઠે છે.
સાચા મિત્રો બીજા મિત્રની નિરાશામાં કે દુઃખના દિવસોમાં સહાયરૂપ બને છે. મિત્રો તો એવા હોવા જાેઈએ કે સારા કે નરસા પ્રસંગોમાં તેમની હાજરી થકી તેમના કાર્યમાં મદદરૂપ થઈ પડે છે ને માર્ગદર્શન પુરું પાડે અને પૈસે ટકે સહાયરૂપ બને ને હિંમત આપતા રહે છે તો તે મિત્રો મિત્રતાની કસોટીમાં સફળ થાય છે. મિત્રના ભૌતિક સુખનો લાભ ન લેતા કારમાં આઘાતમાં દિલસોજી બતાવવામાં ને તેમને મદદરૂપ થવામાં મિત્રતા સોનાની માફક ચળકે છે.
સમાજમાં પોતાની શાખ, માન, મોભો કે ઈજ્જત, આબરૂ પોતાના પર તો રહેલી જ હોય છે પરંતુ સાથે સાથે પોતે કેવા મિત્રોની સંગતમાં હરેફરે છે તેની પણ ગણત્રી ગણાય છે અને જેની અસર પડયા વગર રહેતી નથી.. મિત્રતા કોની જાેડે કરવી કે કોની જાેડે વધારવી તે પોતાના હાથમાં હોય છે.
ભાઈ લોહીનાં સંબંધથી બને છે જેનો જિંદગીભરનો નાતો રહેલો હોય છે પરંતુ ભાઈબંધ તો જન્મ પછી ગમે ત્યારે ને ગમે તેવા સંજાેગોમાં બની શકે છે અને મિત્રતા કેવી રીતે નિભાવવી કે ક્યાર સુધી નિભાવવી તે પોતાના હાથમાં રહેલી હોય છે.
મિત્રતા કરતા વાર લાગતી નથી પરંતુ મિત્રતા સાચવવી તે અઘરી છે કારણ કે તેમાં ઘણો ભોગ આપવો પડે છે પરંતુ મિત્રતા તોડીને દુશ્મન બનતા પળભરની પણ વાર લાગતી નથી.
અમુક ઉમ્મર પછી મિત્રતામાં વયનું મહત્ત્વ રહેતું નથી. પોતાની દીકરી માટે છોકરો શોધવા, તેની જાણકારી લેવા માટે તેની વાણી, વર્તણૂક અને વ્યવહારને વ્યવસાય અને તેની નાત, જાત તથા કુટુંબીજનોની લોકો તપાસ કરે છે પરંતુ સાથે સાથે તેઓ છોકરાના મિત્રો કેવા છે તથા કોની જાેડે હરેફરે છે ને તેની સંગતને પણ મહત્ત્વ આપવામાં આવે છે. સોબત તેવી અસર થયા વિના રહેતી નથી. જેમ કે શરાબીનો મિત્ર શરાબી તથા જુગારીનો મિત્ર જુગારી બની શકે છે. મિત્રતા વિકસાવતા પહેલા સાવચેતી રાખવી પડે છે.
મિત્રતા નિર્મળ તથા નિસ્વાર્થ હોવી જાેઈએ ભેદભાવ, ખુશામત- ખોરી, સ્વાર્થ, છેતરપીંડી આડંબરનો બહિષ્કાર કરવો જાેઈએ. પોતાનો જ ફાયદો ઉઠાવવો તથા પોતે બીજા માટે કંઈ પણ ન કરી છૂટવાનો વિચાર સુદ્ધાં કરે તો તે મિત્રતા પર કાળું કલંક લાગે છે. દોસ્તીમાં નાત-જાત કે વયની મર્યાદા રહેતી નથી. એકબીજાને મળતો સ્વભાવ તથા સામ્ય વિચારો જ મિત્રતાને આગળ વધારે છે. સાચી મિત્રતામાં પવિત્રતા રહેલી છે. જેના પર કલંક ન લાગે તે મિત્રોએ ધ્યાન રાખવું જાેઈએ.
લગ્નમાં વર-વહુનું બંધન તન, મન અને ધનથી થાય છે જયારે મિત્રતામાં મિત્રો એકબીજાના સુખદુઃખમાં સહભાગી થાય છે.
આ જગતમાં વિશ્વાસ એના પર મૂકવો જાેઈએ કે જેના પર વિશ્વાસ મૂક્યા પછી શ્વાસ ઉંચો ન રહે.. આવો વિશ્વાસ સાચા મિત્રની સચોટતા અને નિખાલસતા પર આધાર રહેલો છે. દોસ્તના અભિપ્રાયને માન આપી, સમજવા તથા તેને સમજાવાવ પ્રયત્ન કરવાથી અને તે ખોટો છે એવું કદિ ન કહેતા, તે દોસ્તીમાં સોનામાં સુગંધ ભળી જાય છે. જિદ્દ ન કરતા અને દલીલાબાજી ન કરતાં પોતાની વાત સમજાવવાથી દોસ્તને માઠું પણ લાતગું નથી તથા તે દોસ્તીની આવરદા વધી જાય છે. મિત્ર આગળ પોતાની બડાઈ હાંકવાની કે મોટાઈ બતાવવાથી પોતે ઊંચો આવતો નથી તેમાં પોતાની જ વાતો કે પ્રશંસામાં જે રચ્યો પચ્યો રહે તે પોતાના મિત્રને ગુમાવે છે.
મિત્રમાં વિશ્વાસ રાખવાથી તથા તેના લાભની અને તેની જરૂરિયાતની વાતો તથા તેનો અભિપ્રાય સાંભળવાથી અને સ્વાર્થ, ટીકા કે દોષનો બહિષ્કાર કરવાથી તે મિત્રતામાં પવિત્રતાના દર્શન થાય છે. પ્રાણી સાથે મૈત્રીભાવ રાખવાની દરેક માનવી ભાવના રાખે તો એ જીવન જીવી જાણે છે મૈત્રીના સંબંધે પરાયા પોતાના બન્યા, તૂટેલી મૈત્રીએ પોતિકાને પણ દુશ્મન બનાવ્યા.
ચિત્ર ભાનુસાહેબે બનાવેલી કવિતાની કડી યાદ આવી જાય છે. “મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે, શુભ થાઓ આ સકલ વિશ્વનું, એવી ભાવના નિત્ય વહે’ લેખકઃ– શ્રેણિક દલાલ