સેનેટાઈઝર ફેક્ટરીમાં ભીષણ આગ, બે કલાકે કાબૂ મેળવાયો
(તસવીરોઃ જયેશ મોદી) અમદાવાદ, છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં મોટી કંપનીઓમાં ભિષણ આગના બનાવ સતત વધી રહ્યા છે. અમદાવાદના ચાંગોદાર પાસે આવેલા મોરૈયા (Moraiya near Changodar, ahmedabad) ગામ નજીકના આર્મેડ ફોર્મેશન (armed formation) નામની કેમિકલ ફેકટરીમાં ભીષણ આગ લાગી હતી. સેનેટાઇઝર કેમિકલ કંપનીમાં ભીષણ આગના સમાચાર મળતા જ અમદાવાદ ફાયરબ્રિગેડની ૧૩ ગાડીઓએ ઘટનાસ્થળે પહોંચી આગ બૂઝાવવાની કામગીરી હાથ ધરી હતી.
આગ પર બે કલાકથી વધુની જહેમત બાદ કાબૂ મેળવી લેવાયો હતો. ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી. આગ અંગેની મળતી માહિતી મુજબ સેનેટાઈઝ કેમિકલ હોવાથી આગ ઝડપથી પ્રસરી ગઈ હોવાથી તેના પર કાબૂ મેળવવામાં સમય લાગ્યો હતો. આ કંપનીના માલિક જ્યોતિ કુમાર અગ્રવાલ છે. કંપનીમાં ૧૦ ટન આલ્કોહોલનો સંગ્રહ હતો. આગ પર કાબૂ મેળવવા માટે બે લાખ લિટર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. તેમજ આગને કાબૂમાં કરવા ફોર્મનો ઉપયોગ પણ કર્યો હતો. ફાયર સૂત્રો મુજબ આગ બહુ મોટી હતી.