ઝાડેશ્વર રોડ પરના બંગલામાં ઘુસેલા તસ્કરોને ઝડપી પાડવા ભરૂચ પોલીસનું દિલધડક ઓપરેશન
પોલીસે ફિલ્મી ઢબે તસ્કરોને ઝડપી પડતા સ્થનિકોએ રાહત નો શ્વાસ લીધો
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં રાત્રી દરમિયાન એક બંગલામાં ચોરીના ઇરાદે ધૂસેલા તસ્કરોને સી ડીવિઝન પોલીસે ત્રણ થી ચાર કલાકના દિલધડક ઓપરેશન બાદ ભારે હિંમત બતાવી તસ્કરોના વળતા હૂમલા વચ્ચે બેને ઝડપી પાડયા હતા.
ભરૂચના ઝાડેશ્વર રોડ ઉપર આવેલ રાધાકૃષ્ણ સોસાયટીમાં તસ્કરો ચોરી કરવાના ઇરાદે ધૂસ્યા હતા.જે ઘટના ત્યાં લગાડેલા સી.સી.ટી.વી માં દેખાતા સોસાયટીના રહીશોએ એક્ઠા થઈ તસ્કરોની શોધખોળ હાથધરી હતી.આ દરમિયાન સોસાયટીના આસોપાલવના ઝાડ પાછળથી તસ્કરોને લોકો એ પકડી પાડતા તસ્કરોએ લાક્ડી વડે વળતો પ્રહાર કર્યો હતો અને સોસાયટીના રહીશોના હાથ માંથી છટકી આ બંન્ને તસ્કરોએ એક બંગલાના ધાબા ઉપર ચઢી જઈ બંગલાના ડોમના કાચ તોડી બંગલામાં ધૂસી ગયા હતા.
જેના પગલે સોસાયટીના રહીશોએ સમગ્ર ઘટનાની જાણ સી ડિવિઝન પોલીસને કરી હતી. પોલીસને જાણ કરાતા જ પોલીસકાફલો હથીયારો સાથે રાધાકૃષ્ણ સોસાયટીમાં દોડી આવ્યો હતો.દરમિયાન સોસાયટી અને આસપાસના વિસ્તારમાં ઉત્તેજનાનો માહોલ ઉભો થવા પામ્યો હતો. તસ્કરોએ પણ હથીયાર સાથે હોય અને લોકો ઉપર વળતો હૂમલો કરી બંગલામાં ધૂસી જતા પોલીસ પણ એક તબક્કે આ તસ્કરોને કઈ રીતે પકડવા તેનીવિમાસણમાં હતી.
પરંતુ સીડિવિઝનના પોલીસકર્મીઓએ હિંમત બતાવી તસ્કરોને ઝડપી પાડવા ઓપરેશન હાથધર્યું હતું. પોલીસે સોસયટીના દરવાજા ઉપર પહેરો ગોઠવી બીજી બાજુ મશીનગન સાથે બંગલમાં પ્રવેશ કરતાં એક્શન ફિલ્મ જેવા દ્રષ્યો સર્જાયા હતા. બંગલામાંથી તસ્કરોનેપકડવા ધૂસેલી પોલીસ ઉપર પણ તસ્કરોએ હૂમલો કરતા એક સમયે માહોલ ગરમાયો હતો.બંગલામાં ધૂસેલી પોલીસ ઉપર પણ તસ્કરો દ્વારા મારક હથીયાર વડે ગમે ત્યાંથી હૂમલો કરે તેવા ભય વચ્ચે પણ પોલીસે હિંમત બતાવી બંગલામાં તસ્કરોની તપાસ આરંભી હતી. ભય અને ઉત્તેજના ભર્યા માહોલ વચ્ચે સી ડિવિઝન પોલીસે બંગલાના રસોડાનામાળીયેથી આખરે બંન્ને તસ્કરોને ઝડપી પાડયા હતા.
પોલીસે આ બંન્ને તસ્કરોને ઝડપી પાડતા સોસાયટી રહીશોએ રાહતનો શ્વાશ લીધો હતો.પોલીસે ઝડપાયેલા બંન્ને તસ્કરોની આકરી પુછતાછ કરતા એક મુળ છોટાઉદેપુરના કાળી તળાવડીનો વિજય રમેશ જોશી અને બીજો રાજસ્થાનના પાલી ગામનો વતેસિંહ મારવાડી હોવાની હકીકત બહાર આવી હતી.આ બંન્ને તસ્કરો છેલ્લા કેટલાક સમયથી ઝાડેશ્વર ચોક્ડીની ફૂટપાથ ઉપર રહેતા હતા. પોલીસે બંન્ને ની ધરપકડ કરી તેની સાથે અન્ય બીજા કોણ સંડોવાયેલા છે અને બીજે કયાં કયાં ચોરીને તેમણે અંજામ આપ્યો છે તે જાણવા તેમની વધુ સઘન પુછતાછ હાથ ધરી છે.*